અમદાવાદમાં ગેરેજ-વર્કશોપમાં CCTV લગાવવાનો આદેશ
શહેરના ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનો પર વાહનોના રજિસ્ટ્રેશન ફરજિયાત કરાશે

ગેરેજ-વર્કશોપમાં CCTV

ગેરેજ-વર્કશોપમાં CCTV
અમદાવાદ સિટી પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે એક કડક અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીના લાલ કિલ્લા નજીક તાજેતરમાં બનેલી કાર-બોમ્બ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, શહેરના પોલીસ કમિશનર જી. એસ. મલિકે 17 નવેમ્બરના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ મુજબ, 18 નવેમ્બરથી 16 જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન, શહેરના તમામ વર્કશોપ્સ, ગેરેજો અને સર્વિસ સ્ટેશનોને વાહનોના વિગતવાર રેકોર્ડ રાખવા અને તેમના પરિસરમાં CCTV કેમેરા લગાવવા રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પગલું ગુનાહિત પ્રવૃત્તિઓમાં વાહનોના દુરુપયોગને અટકાવવા માટે લેવાયું છે.
ગુનાખોરી ડામવા વાહન રજિસ્ટ્રેશન ફરજિયાત
પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવ્યા મુજબ, અમદાવાદમાં ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. વધતી વસ્તી ગીચતા સાથે, ચોરી, લૂંટ અને સ્નેચિંગ જેવી ગુનાહિત ઘટનાઓમાં પણ વધારો થયો છે. પોલીસના ધ્યાનમાં આવ્યું છે કે, આવા ઘણા ગુનાઓમાં અસામાજિક તત્વો દ્વારા ચોરાયેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરનો ઉપયોગ કરવામાં આવે છે. ગુનો આચર્યા બાદ અપરાધીઓ વારંવાર આ વાહનોને છોડી દે છે અથવા રિપેર, મોડિફિકેશન કે નિકાલ માટે સ્થાનિક ગેરેજ-વર્કશોપમાં લઈ જાય છે. ઘણીવાર, ગેરમાર્ગે દોરવા અથવા સંડોવણીના ડરથી, ગેરેજ માલિકો ગ્રાહકોની ઓળખ કે વાહનના દસ્તાવેજોનો રેકોર્ડ રાખતા નથી, જેનાથી ગુનેગારો છટકી જાય છે. આ ખામીને દૂર કરવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે.



ગેરેજ માલિકો માટે ફરજિયાત વિગતોની નોંધણી
કમિશનર મલિકે તમામ ગેરેજ માલિકો, ઓપરેટરો અને મેનેજરોને તેમના પરિસરમાં આવતા દરેક વાહન માટે એક ફરજિયાત રજિસ્ટર જાળવવાનો આદેશ આપ્યો છે. આ રજિસ્ટરમાં નીચેની વિગતોની નોંધણી કરવી જરૂરી છે. વાહન રજિસ્ટ્રેશન નંબર અને મોડેલ, વાહન માલિકનું નામ, સરનામું અને મોબાઇલ નંબર, માલિક અથવા વાહન લાવનાર વ્યક્તિનો ઓળખનો પુરાવો (ID પ્રૂફની નકલ મેળવવી), મુલાકાતનો હેતુ (રિપેર, સર્વિસિંગ, મોડિફિકેશન, સ્ટોરેજ), વાહન લાવનાર અથવા લઈ જનાર વ્યક્તિનું નામ. આ ઉપરાંત, ગેરેજ માલિકો એ વાહન માલિકના ID પ્રૂફ અને વાહનના રજિસ્ટ્રેશન દસ્તાવેજોની નકલો પણ મેળવીને રાખવી પડશે.
CCTV કેમેરા અને અમલવારી
આ આદેશ હેઠળ, તમામ ગેરેજો અને સર્વિસ સ્ટેશનોને તેમના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ CCTV કેમેરા લગાવવા જરૂરી છે. આ CCTV કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવવું પડશે, જે શંકાસ્પદ વાહનોની હિલચાલને ટ્રેક કરવામાં અને ગુનાહિત તપાસમાં પુરાવા પૂરા પાડવામાં મદદ કરશે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા ગેરેજ માલિકો સામે હેડ કોન્સ્ટેબલ અને તેથી ઉપરના રેન્કના તમામ પોલીસ અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?