અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના તટવર્તી વિસ્તારોમાં મોસમ ખોરવાઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પવન સાથે વરસાદ પડશે. આ કારણે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આગાહીને ગંભીરતાથી ધ્યાનમાં લઈને સંબંધિત જિલ્લાઓના વહીવટી તંત્રોને ચેતવણી આપી છે. તેમણે 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવાની તથા તંત્ર સજાગ અને તૈયાર રહે તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) માટે પણ આ સમયમાં સતત સક્રિય રહેવાની સૂચના આપી છે. તેમણે તમામ સંબંધિત જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહેવા અને કોઇ પણ સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવાની વ્યવસ્થા રાખવા આદેશ આપ્યો છે. તાકીદની સ્થિતિ સામે સલામતીના તમામ પગલાં સમયસર લેવાં મુખ્યમંત્રીએ દિશાનિર્દેશ આપ્યા છે.