ખેડૂત સહાયના નામે નેતાઓના તાયફા અને બયાનબાજી
સહાયની જગ્યાએ ખેડૂતો માટે નવા નિયમો 'ખેડૂત મિત્ર એપ' અને સતાપક્ષ અને વિપક્ષની બહાના બાજી

નુકશાની સર્વે મુદ્દે બયાનબાજી

નુકશાની સર્વે મુદ્દે બયાનબાજી
ગુજરાતનો જગતનો તાત આજે કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યો છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવી લીધો છે, ઊભા પાકને જમીનદોસ્ત કરી દીધો છે. ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેડૂતો માથે આભ તૂટી પડ્યું છે. આ નુકસાનની ઘડીમાં જ્યારે ખેડૂતોને ત્વરિત સરકારી સહાયની જરૂર છે, ત્યારે સરકાર અને વિપક્ષ વચ્ચેની બયાનબાજીથી રાજકારણ ગરમાયું છે.
ખેડૂતની વ્યથા: કુદરતી આફત અને સરકારી 'ગતકડાં'
એક તરફ કુદરતનો પ્રકોપ છે, તો બીજી તરફ સરકારી નિયમોનો ત્રાસ. સરકારે તાત્કાલિક રાહત પેકેજ આપવાના બદલે, ખેડૂતોને 'ખેડૂત મિત્ર એપ' દ્વારા સર્વે કરવા અને નુકસાનના ફોટા અપલોડ કરવાનો નવો પરિપત્ર જાહેર કર્યો છે.
આ નિર્ણયથી ખેડૂત સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. પહેલાથી જ આર્થિક સંકટમાં ડૂબેલા ખેડૂતો, જેમની પાસે પૂરતા સંસાધનો નથી, તેમને એપ દ્વારા સર્વે કરવાની મથામણ કરવી પડી રહી છે. રાહતની આશામાં ખેડૂતો સરકાર તરફ મિટી માંડીને બેઠા છે, પણ સરકાર નવા નવા નિયમો અને 'ગતકડાં' લાવીને તેમની હાલાકીમાં વધારો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
સત્તા અને વિપક્ષ: બહાનાબાજીનો અંત ક્યારે?
આ ગંભીર પરિસ્થિતિમાં જ્યારે નેતાઓએ રાજકારણ બાજુ પર મૂકીને ખેડૂતોની પડખે ઊભા રહેવું જોઈએ, ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ માત્ર નિંદાત્મક નિવેદનો આપીને પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે.
કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, સરકાર સહાય આપવાના બદલે એપથી સર્વે કરાવીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે અને તેમને હેરાન કરી રહી છે. તેમણે આ પ્રકારના 'નવા ગતકડાં' લાવવા બદલ સરકારની આકરી નિંદા કરી.
તો વળી, ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ ખેડૂતોને સર્વે કરતાં રોકી રહી છે અને માત્ર રાજકારણ કરી રહી છે. તેમણે વધુમાં દાવો કર્યો કે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં જ ખેડૂતોની ચિંતા કરવામાં આવી રહી છે, જેથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે.
ખેડૂત લાચાર છે અને તેને સહાયની જરૂર છે, જ્યારે આપણા નેતાઓ જૂના વેર અને વ્યક્તિગત નિવેદનોની આપ-લેમાં વ્યસ્ત છે. સત્તા પક્ષ રાહત આપવામાં વિલંબ કરવા માટે વિપક્ષ પર દોષનો ટોપલો ઢોળે છે, જ્યારે વિપક્ષ સરકારની નિષ્ફળતા ગણાવીને પોતાનો રાજકીય ફાયદો જુએ છે. આ બહાનાબાજી ક્યારે બંધ થશે? ખેડૂતને આ નિવેદનોથી પેટ નથી ભરાવાનું.
લાચાર ખેડૂત: હવે આશ કોના પર?
કુદરતે જે નુકસાન કર્યું છે, તેની ભરપાઈ સરકારી સહાય વિના શક્ય નથી. રાજકીય પક્ષોએ યાદ રાખવું જોઈએ કે તેમના નિવેદનો નહીં, પણ ખેડૂતોને મળતી ત્વરિત અને પૂરતી સહાય જ આ દેશના અન્નદાતાને બચાવી શકશે. સત્તા અને વિપક્ષની ખેંચતાણ વચ્ચે લાચાર ખેડૂત આજે માત્ર સરકારની મદદની રાહ જોઈ રહ્યો છે.
હવે જોવાનું એ રહ્યું કે સરકાર ક્યારે આ રાજકીય નિવેદનબાજીમાંથી બહાર નીકળીને જમીની હકીકતને સમજે છે અને ખેડૂતને કેટલી અને કેવી સહાય પૂરી પાડે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!