BJP પૂર્વ સાંસદ-ઉદ્યોગપતિના જમીન કૌભાંડનો પર્દાફાશ
પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને ડેકોરા ગૃપના જમનાદાસ પટેલે લોધિકાના ચીભડા ગામમાં જમીન પચાવી

રાજકોટ જિલ્લા સેવા સદનની ફાઈલ તસવીર

રાજકોટ જિલ્લા સેવા સદનની ફાઈલ તસવીર
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચીભડા ગામની 11 એકર જમીન ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને ડેકોરા ગૃપના ઉદ્યોગપતિ જમનાદાસે પચાવી પાડી હોવાનો ખુલાસો થયો છે. સિંચાઈ વિભાગે સંપાદિત કરેલી જમીન પૂર્વ સાંસદે અને ઉદ્યોગપતિએ પચાવી પાડીને દસ્તાવેજ બનાવી લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 35 વર્ષ પહેલા દુકાળમાં બનાવવામાં આવેલા તળાવ માટે જમીન સંપાદન કર્યા બાદ આસામીઓને વળતર પણ ચુકવ્યું હતું.
લોધિકા તાલુકાના ચીભડા ગામમાં જમીન કૌભાંડનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિંચાઈ વિભાગે વર્ષો પહેલા સંપાદિત થયેલી જમીન પર સુરેન્દ્રનગરના ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને રાજકોટના નામાંકિત ડેકોરા ગૃપના ઉદ્યોગપતિએ દસ્તાવેજ બનાવી લીધા હતા. રાજકોટ કલેક્ટરે જમીન સરકારની હોવાનો ઐતિહાસિક ચુકાદો આપી વેચાણ નોંધ મંજૂર કરવાની અપીલ ફગાવી દેતા સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે.
લોધિકા તાલુકાના ચીભડા ગામમાં 35 વર્ષ પહેલાં 1982માં દુષ્કાળના સમયે રાહત કામગીરી અંતર્ગત હરીપર-તરવાડા ગામે તળાવ બનાવવા માટે સરકારે ચીભડા ગામની અંદાજે 11 એકર જમીન સંપાદિત કરી હતી. જે તે સમયે જમીનના મૂળ માલિકોને સરકાર દ્વારા યોગ્ય વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. વર્ષો બાદ 2021માં સરકારી જમીન પર ખાનગી વ્યક્તિઓ દ્વારા સોદા કરીને દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી.
આ વિવાદાસ્પદ જમીનના સોદામાં રાજકીય અને ઉદ્યોગપતિ સામેલ હતા. સુરેન્દ્રનગરના ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ તેમજ ડેકોરા ગૃપના જમનાદાસ પટેલે સમગ્ર કૌભાંડ આચર્યુ હતું. બંને આસામીઓએ ચીભડા ગામના સર્વે નં. 1117, 1118, 1119 અને 1120 વાળી 4.42.16 હેક્ટર જમીન મૂળ ખાતેદારો પાસેથી ખરીદ કરીને ચાર અલગ-અલગ દસ્તાવેજો બનાવી લીધા હતા.
આ કિસ્સામાં સૌથી મોટો ઈસ્યુ રેવન્યુ રેકર્ડમાં હતો. 1982માં સિંચાઈ વિભાગે જમીન સંપાદન કર્યા બાદ વળતર પણ ચૂકવ્યું હતું. પરંતુ રેવન્યુ રેકર્ડ એટલે કે 7/12ના ઉતારામાં આ જમીન 'સરકાર હસ્તક' અથવા 'સિંચાઈ વિભાગ'ની નોંધ ચડાવવાની રહી ગઈ હતી. જમીન ખુલ્લી હતી અને રેકર્ડ પર મૂળ ખેડૂતોના નામ બોલતા હતા. આ ટેકનિકલ ભૂલનો લાભ લઈ મૂળ ખાતેદારોએ પણ જમીન વેચાણ કરી દીધી હતી. જ્યારે કૌભાંડીઓ પૂર્વ સાંસદ તેમજ ઉદ્યોગપતિએ જમીન ખરીદી પણ લીધી હતી.
આ દસ્તાવેજોની વેચાણ નોંધ પડાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે ગામના એક જાગૃત નાગરિકે વાંધો ઉઠાવ્યો હતો. સૌપ્રથમ મામલતદાર સમક્ષ કેસ ચાલતા તેમણે વેચાણ નોંધ નામંજૂર કરી હતી. જેની સામે ખરીદદારોએ પ્રાંત અધિકારીને અપીલ કરી હતી. પ્રાંત અધિકારીએ પણ અપીલ ફગાવી દીધી હતી. તેથી પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિએ રાજકોટ કલેક્ટર સમક્ષ અપીલ કરી હતી. જેમાં તેમણે 'બોનાફાઈડ પરચેઝર' હોવાની દલીલો કરી હતી. ખરીદદારો તરફથી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, જમીન સંપાદન થયા બાદ 10 વર્ષ સુધી તેનો હેતુ મુજબ ઉપયોગ થયો નથી અને પેપર પર જ કાર્યવાહી થઈ છે. તેથી જમીન સંપાદન મુક્ત ગણી મૂળ ખેડૂતને પરત મળવી જોઈએ.
રાજકોટ કલેક્ટરે તમામ રેકર્ડ તપાસતાં સ્પષ્ટ કર્યું કે, સિંચાઈ વિભાગે કાયદેસર રીતે જમીન સંપાદિત કરેલી છે. 1982માં મૂળ માલિકોને વળતર (એવોર્ડ) ચૂકવી દેવામાં આવ્યું છે. ફક્ત રેવન્યુ રેકર્ડમાં નામ ન હોવાથી મૂળ માલિકોની માલિકી સાબિત થતી નથી. જે જમીન મૂળ માલિકની નથી. તે વેચવાનો તેમને કોઈ અધિકાર નથી. દસ્તાવેજની રેવન્યુ રેકર્ડમાં અમલવારી થઈ શકે નહીં. કલેક્ટરે પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિની દલીલો ફગાવી દઈને જમીન સરકારની હોવાનો હુકમ કરી વેચાણ નોંધ રદ કરવાનો આદેશ કર્યો છે. રાજકોટ કલેક્ટરના આ ચુકાદાથી સરકારી જમીન પર ડોળો માંડનારા રાજકારણી અને ઉદ્યોગપતિના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને ભૂમાફિયાઓને મોટી લપડાક મળી છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.