ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો વળાંક
પોણા ત્રણ વર્ષ બાદ તથ્ય પટેલને મળ્યા નિયમિત જામીન

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Tathya Patel Gets Regular Bail: ગુજરાતભરમાં ભારે ચકચાર જગાડનારા અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જુલાઈ 2023માં લક્ઝૂરિયસ જગુઆર કાર દ્વારા 9 નિર્દોષ લોકોનો ભોગ લેનારા મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા નિયમિત (રેગ્યુલર) જામીન મંજૂર કર્યા છે. અકસ્માતની ઘટના બાદ લગભગ 2 વર્ષ અને 10 મહિના (પોણા ત્રણ વર્ષ) જેટલો લાંબો જેલવાસ ભોગવ્યા પછી તથ્ય પટેલ હવે સાબરમતી જેલમાંથી બહાર આવશે. તથ્યના વકીલો દ્વારા આ જામીન મળ્યાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
ટ્રાયલ કોર્ટની કાર્યવાહી વચ્ચે સુપ્રીમનો મોટો નિર્ણય
આ કેસની ટ્રાયલ કોર્ટમાં હાલમાં કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય સામે ચાર્જ ફ્રેમ (આરોપો નક્કી) કરવામાં આવ્યા હતા. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને ઝડપી સુનાવણી માટે મે મહિના સુધીમાં 25 મહત્ત્વના સાક્ષીઓની તપાસ પૂર્ણ કરવા કડક નિર્દેશ આપ્યા હતા. ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી આ પ્રક્રિયા દરમિયાન જ સુપ્રીમ કોર્ટે જામીન અરજી સ્વીકારી લેતા આ હાઈ-પ્રોફાઈલ કેસમાં એક નવો વળાંક આવ્યો છે.
વકીલોની દલીલો અને સાક્ષીઓની સ્થિતિ
સુપ્રીમ કોર્ટમાં તથ્ય પટેલ વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી આઈ.એચ. સૈયદ અને ઝીલ શાહે જામીન માટેની કાનૂની રજૂઆતો કરી હતી. બચાવ પક્ષે અદાલત સમક્ષ જણાવ્યું હતું કે, આ કેસમાં કુલ 191 સાક્ષીઓ છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 29 જેટલા આંખે દેખ્યા સાક્ષીઓની જ તપાસ પૂર્ણ થઈ શકી છે. હજુ પણ મોટી સંખ્યામાં સાક્ષીઓની જુબાની બાકી હોવાથી અને ટ્રાયલ લાંબી ચાલે તેમ હોવાથી જામીનની માંગ કરવામાં આવી હતી.
દોષિત સાબિત ન થવા અને વળતર અંગે કોર્ટનું અવલોકન
સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરતી વખતે નોંધ્યું હતું કે તથ્ય પટેલ સામે આઈપીસી (IPC) કલમ 304 (સાપરાધ મનુષ્યવધ) હેઠળ ગુનો નોંધાયેલો છે, પરંતુ હજુ સુધી તે અદાલતી કાર્યવાહીમાં સત્તાવાર રીતે દોષિત ઠર્યો નથી. તે 2 વર્ષ અને 10 મહિનાથી જેલમાં બંધ છે. આ ઉપરાંત, મૃતકોના પરિવારોને વળતર ચૂકવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, હાલમાં કેસની ટ્રાયલ પ્રક્રિયા ચાલુ હોવાથી વળતર અંગેનો કોઈ પણ વચગાળાનો નિર્ણય મુખ્ય કેસના ચુકાદાને અસર કરી શકે છે.
તથ્ય આજીવન ભારતમાં વાહન ચલાવી શકશે નહીં
જામીન ભલે મળ્યા હોય, પરંતુ તથ્ય પટેલ ક્યારેય રસ્તા પર વાહન લઈને નીકળી શકશે નહીં. ટ્રાફિક પોલીસની કડક ભલામણને પગલે અમદાવાદના સાબરમતી આરટીઓ (RTO) દ્વારા તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન (કાયમી ધોરણે) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ કાનૂની કાર્યવાહીના કારણે તે હવે ભારતમાં સત્તાવાર રીતે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું વાહન ચલાવી શકશે નહીં.
1684 પાનાની ચાર્જશીટ અને દસ્તાવેજી પુરાવા
ઉલ્લેખનીય છે કે 19 જુલાઈ 2023ની મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ઘટનાના માત્ર 7 દિવસમાં જ તથ્ય સામે આઈપીસી 279, 337, 338, 304, 308, 504, 506(2) અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ 1684 પાનાની દળદાર ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં 14 દસ્તાવેજી પુરાવા, 15 એફએસએલ (FSL) રિપોર્ટ અને 9 પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામેલ છે. ગાડીમાં સવાર તથ્યના મિત્રો સહિત 8 લોકોના નિવેદનો સીઆરપીસી (CrPC) કલમ 164 મુજબ નોંધવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?