શું કાયદો સામાન્ય જનતા માટે જ? પોલીસ મૂક પ્રેક્ષક
સિસ્ટમનો પર્યાય ગણાવતી પાર્ટીના નેતાઓ જ કાયદા તોડે, પોલીસ 'મૂક પ્રેક્ષક' બની રહેતા સવાલો

નેતાઓના સીનસપાટા સામે પોલીસનું મૌન

નેતાઓના સીનસપાટા સામે પોલીસનું મૌન
રાજ્યમાં અસામાજિક તત્ત્વો દ્વારા જાહેરમાં રોડ પર કેક કાપવી અને ફટાકડાં ફોડીને તાયફા કરવાના અનેક વીડિયો વારંવાર સામે આવતા હોય છે, અને ત્યારે રાજ્યની પોલીસ આવા તત્ત્વોને ઝડપી પાડીને 'બિફોર-આફ્ટર'ના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકી માફી પણ મંગાવે છે. જોકે, હવે કાયદાના ઉલ્લંઘનરૂપ બર્થડે સેલિબ્રેશનના આ 'તાયફાઓ'નો વાયરસ શાસક પક્ષ ભાજપના નેતાઓને પણ લાગી ગયો છે.
પોતાને સિસ્ટમનો પર્યાય ગણાવતી પાર્ટીના કોર્પોરેટરો અને હોદ્દેદારો જ જો આ પ્રમાણે વર્તન કરે, તો પછી બીજાને શું ફરિયાદ કરવી, તેવા સવાલો ઉઠી રહ્યા છે. સુરતમાં ભાજપના એક કોર્પોરેટર અને એક વોર્ડ પ્રમુખ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણીના વિવાદો સામે આવતા સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે, આટલો સ્પષ્ટ કાયદાનો ભંગ થયો હોવા છતાં, બીજી તરફ પોલીસ પણ 'મૂક પ્રેક્ષક' બની રહી છે.
કોર્પોરેટરની ઉજવણીમાં જાહેરનામાનો ભંગ:
સુરતના લિંબાયત વિસ્તારના ભાજપના કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત દ્વારા પોતાના જન્મ દિવસની જાહેરમાં ભવ્ય ઉજવણી કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, લિંબાયતના મુખ્ય જાહેર રોડ પર રેડ કાર્પેટ બિછાવીને ગાડીમાંથી એન્ટ્રી કરવામાં આવી હતી અને જાહેર માર્ગ પર જ સ્ટેજ બનાવીને કેક કટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસ કમિશનરના જાહેરનામાનું સીધું ઉલ્લંઘન કરીને જોખમી રીતે ધડાકાભેર આતશબાજી (ફટાકડા) પણ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરનું જાહેરનામું સ્પષ્ટપણે જાહેરમાં જન્મદિવસની ઉજવણીના નામે આતશબાજી કે માર્ગ અવરોધિત કરવા પર પ્રતિબંધ મૂકે છે.
જોકે, કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ઉજવણી જાહેર માર્ગ પર નહીં, પરંતુ મરાઠા ગ્રુપની માલિકીના એક ખાનગી પ્લોટમાં આયોજિત કરવામાં આવી હતી, જેથી જાહેરનામાનો ભંગ થયો નથી. જોકે, ઉજવણીમાં હાજરી અંગે તેમણે કાર્યકરોનો ઉત્સાહ જાળવી રાખવા માટે જવું પડ્યું હોવાનો બચાવ કર્યો હતો.
વોર્ડ પ્રમુખે પણ રોડને બાનમાં લીધો:
આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ સુરતના ઉધના વિસ્તારમાં વોર્ડ નંબર 24ના ભાજપના પ્રમુખ પ્રકાશ ખેરનારની જન્મ દિવસની ઉજવણી વિવાદમાં આવી હતી. તેમણે પણ ઉધનામાં આવેલી સાંઈબાબા સોસાયટીના ગેટ પાસે જાહેર માર્ગ પર જ કાર્યકર્તાઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો ફોટો મૂકેલી કેક કાપવામાં આવી હતી. આટલું જ નહીં, નિયમોની ઐસીતૈસી કરીને જાહેર માર્ગ પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને રસ્તા પર ઉજવણી કરીને આખા રોડને જાણે બાનમાં લઈ લેવામાં આવ્યો હતો.
પોલીસની બેવડી નીતિ સામે રોષ:
બંને કિસ્સામાં જાહેર માર્ગો પર આવી ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, શાસક પક્ષના નેતાઓ દ્વારા જ પોલીસના જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આટલો સ્પષ્ટ કાયદાનો ભંગ થયો હોવા છતાં પોલીસે આ મામલે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી.
સામાન્ય પ્રજા સામે તુરંત કાર્યવાહી કરતી અને 'બિફોર-આફ્ટર'ના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી પોલીસ આ નેતાઓના તાયફાઓ સામે કેમ મોન ધારણ કરી રહી છે? કાયદાનું ઉલ્લંઘન કરનારા સામાન્ય નાગરિકો સામે ત્વરિત અને કડક કાર્યવાહી કરનારી પોલીસ, શું આ કિસ્સામાં પણ આવી જ કાર્યવાહી કરવાની હિંમત દાખવશે ખરી?
શાસક પક્ષના નેતા સામે કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, શું કાયદા અને નિયમો ફક્ત ગરીબ અને સામાન્ય પ્રજા માટે જ સીમિત છે? અને પોલીસની આ 'મૂક પ્રેક્ષક'ની ભૂમિકાએ કાયદાના શાસન પર જ ગંભીર સવાલો ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!