આંતરરાષ્ટ્રીય તણાવમાં ગુજરાતનો સાગરખેડૂ હોમાયો
ઈરાન-અમેરિકાના ફાયરિંગમાં સલાયાનું વહાણ જળમગ્ન, 17 ખલાસીનો બચાવ

આંતરરાષ્ટ્રીય તણાવમાં ગુજરાતનો સાગરખેડૂ હોમાયો

આંતરરાષ્ટ્રીય તણાવમાં ગુજરાતનો સાગરખેડૂ હોમાયો
Iran US Navy Firing Kills Salaya Sailor: આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવનો ભોગ હવે ગુજરાતના સાગરખેડૂઓ બની રહ્યા છે. ગત 7 મેના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની અને યુએસ નેવી વચ્ચે થયેલા ભીષણ ગોળીબારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું એક માલવાહક વહાણ ડૂબી ગયું હોવાની દુખદ ઘટના સામે આવી છે. આ ક્રોસ ફાયરિંગમાં વહાણના એન્જિન રૂમમાં ફરજ બજાવતા અલ્તાફ તાલબ કેર નામના ખલાસીનું ગોળી વાગવાથી કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 17 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે.
ક્રોસ ફાયરિંગની ઝપેટમાં આવ્યું ગુજરાતનું વહાણ
સલાયાનું માલવાહક વહાણ 'MSV AL FAIZE NOORE SULEMANI-I' (રજિસ્ટ્રેશન નં: BDI-1494) દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા બંદર તરફ જઈ રહ્યું હતું. આ વહાણ પર એક ટંડેલ સહિત કુલ 18 ખલાસીઓ સવાર હતા. 7 મેના રોજ વહેલી સવારે આશરે 1:00 વાગ્યે જ્યારે વહાણ હોરમુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ઈરાની અને યુએસ નેવીના જહાજો સામસામે આવી ગયા હતા અને ભીષણ ફાયરિંગ શરૂ થયું હતું.
અંધાધૂંધ ગોળીબારને કારણે વહાણને ગંભીર નુકસાન
દુર્ભાગ્યવશ, ગુજરાતનું આ માલવાહક વહાણ બંને દેશોની નેવી વચ્ચે થઈ રહેલા ગોળીબારની બરાબર વચ્ચે આવી ગયું હતું. અંધાધૂંધ ગોળીબારને કારણે વહાણને ગંભીર નુકસાન થયું હતું અને તેમાં મોટી માત્રામાં પાણી ભરાવા લાગ્યું હતું. આ અફરાતફરી દરમિયાન એન્જિન રૂમમાં હાજર ખલાસી અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જોતજોતામાં કરોડોની કિંમતનું માલવાહક વહાણ મધદરિયે જળસમાધિ લઈ લીધી હતી.
17 ખલાસીઓનો જીવ બચ્યો, અન્ય વહાણે કરી મદદ
વહાણ ડૂબવા લાગતા અન્ય 17 ખલાસીઓએ જીવ બચાવવા માટે સમુદ્રમાં ઝંપલાવ્યું હતું. સદનસીબે, તે સમયે નજીકથી જ પસાર થઈ રહેલા અન્ય એક ભારતીય વહાણ 'MSV પ્રેમ સાગર-I' ના ટંડેલ અને ખલાસીઓની નજર આ ડૂબતા વહાણ પર પડી હતી. તેમણે તાત્કાલિક મદદનો હાથ લંબાવીને સમુદ્રમાં રહેલા તમામ 17 ખલાસીઓને રેસ્ક્યુ કરી લીધા હતા. બચાવવામાં આવેલા આ તમામ ખલાસીઓ 8 મેના રોજ મોડી સાંજે સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચ્યા છે, જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે.
દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસ પાસે મદદની માંગ
આ ઘટના અંગેની વિગતો આપતા ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ જણાવ્યું હતું કે, આ અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે. તેમણે તાત્કાલિક અસરથી દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને ઈમેલ કરીને મદદ માંગી છે. એસોસિયેશન દ્વારા નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે:
પાર્થિવ દેહની વાપસી: મૃતક અલ્તાફ તાલબ કેરના પાર્થિવ દેહને વતન સલાયા લાવવા માટે જરૂરી વહીવટી પ્રક્રિયા અને કાયદાકીય દસ્તાવેજો પૂર્ણ કરવામાં આવે.
તપાસ અને પ્રમાણપત્ર: મૃતકનું ડેથ સર્ટિફિકેટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન સાધવામાં આવે.
ખલાસીઓની સુરક્ષા: દુબઈ પહોંચેલા બાકીના 17 ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી તેમને વહેલી તકે ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.
આંતરરાષ્ટ્રીય સુરક્ષા: આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય વહાણોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર યોગ્ય પગલાં લે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો
આ ઘટનાના સમાચાર સલાયા પહોંચતા જ સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે. ગરીબ પરિવારના આશાસ્પદ યુવાનના મોતથી ગ્રામજનોમાં રોષ અને દુખની લાગણી જોવા મળી રહી છે. હાલમાં ભારતીય વિદેશ મંત્રાલય અને દૂતાવાસ આ મામલે સક્રિયતા દાખવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?