રાજ્યભરમાં નર્મદા કેનાલ પર આવેલા પુલોની ટેક્નિકલ તપાસ અભિયાન
રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલ પર આવેલા 2,110 પુલોનું ટેક્નિકલ નિરીક્ષણ હાથ ધરાયું

પુલોની ટેક્નિકલ તપાસ

પુલોની ટેક્નિકલ તપાસ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ હેઠળ રાજ્યમાં નાગરિકોની સલામતીના હેતુએ નર્મદા કેનાલ નેટવર્ક પર આવેલા 2,110 પુલોનું વ્યાપક વિઝ્યુઅલ નિરીક્ષણ હાથ ધરાયું છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ, રાજ્યમાં આવેલા આશરે 69,000 કિ.મી. લાંબા નર્મદા કેનાલ નેટવર્ક પરથી પસાર થતા 2100 પુલોનું ટેક્નિકલ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
આ વ્યાપક નિરીક્ષણના પરિણામે નર્મદા કેનાલના 5 પુલોને તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરવાં આવ્યા છે, કારણ કે તેમની હાલત ગંભીર જોખમભરી હોવાનું અનુમાનવામાં આવ્યું છે. આમાં મોરબી જિલ્લાના માળિયા બ્રાંચ કેનાલ પર આવેલા અજીતગઢ-ઘંટીલા રોડ પુલ તથા નેશનલ હાઈવે 151A નજીકના પુલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લાના સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર આવેલ ઢાંકી-છારદ, લખતર-વણા તથા વઢવાણ તાલુકાના બાલા ફાર્મ પાસેના પુલને પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે.
તદ્ઉપરાંત, નર્મદા કેનાલના પુલોની વાહક ક્ષમતા અને હાલતના આધારે 4 પુલો પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે. આ પુલોમાં અમદાવાદ જિલ્લામાં વલ્લભીપુર બ્રાંચ કેનાલ પર આવેલ ફેદરા-બગોદરા પુલ, નરોડા-દહેગામ માર્ગ પર આવેલો પુલ, રાયપુર-મેદરા માર્ગનો પુલ અને પાટણ જિલ્લાના સંતાલપુર તાલુકામાં કચ્છ બ્રાંચ કેનાલ પર આવેલો સીધાળા-સુઈગામ પુલનો સમાવેશ થાય છે.
વધુમાં, નર્મદા કેનાલના 36 પુલોની સ્થિતિ એટલી નાજુક છે કે, તેમને તાત્કાલિક મરામત માટે બંધ કરવાની જરૂર ઊભી થઈ છે. આ માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રોને તરત જ પગલાં લેવા માટે સૂચનાઓ અપાઈ છે, જેથી દુર્ઘટનાના જોખમને અટકાવી શકાય.
નર્મદા કેનાલ પર આવેલા પુલો સતત ભારે વાહન વ્યવહાર અને પર્યાવરણીય તત્વોની અસર હેઠળ રહે છે. સમયાંતરે વરસાદ, ભૂસ્ખલન અથવા પાણીના પ્રવાહના કારણે પણ આવા પુલોની આંતરિક રચનાને નુકસાન પહોંચે છે. આવા સંજોગોમાં ટેક્નિકલ નિરીક્ષણ, જાળવણી અને સમારકામ નાગરિકોના જીવલેણ જોખમને ટાળવા માટે અત્યંત આવશ્યક બને છે. સરદાર સરોવર નર્મદા નિગમના જણાવ્યા મુજબ, આ અભિયાન માત્ર એકવાર માટે નહિ, પરંતુ ભવિષ્યમાં પણ નિયમિત સમયગાળા પર હાથ ધરવામાં આવશે જેથી પુલોની ગુણવત્તા અને સલામતી યથાવત રાખી શકાય.
આવતા સમયમાં પણ રાજ્ય સરકાર અને ટેક્નિકલ વિભાગો દ્વારા આવાં ટેક્નિકલ નિરીક્ષણ અભિયાનોની ગતિ વધારવામાં આવશે અને નર્મદા કેનાલ પરના પુલોની કાર્યક્ષમતા તેમજ સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!