શિક્ષણ સિવાયની કામગીરીથી બાળકોના શિક્ષણ પર અસર!
શિક્ષકો પાસે કરાવાય છે 56 કામગીરી, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગનો ચોંકાવનારો રિપોર્ટ

સૌથી ઓછું પ્રદર્શન કરનારા(લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં ગુજરાતનો સમાવેશ કરાયો

સૌથી ઓછું પ્રદર્શન કરનારા(લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં ગુજરાતનો સમાવેશ કરાયો
તાજેતરમાં કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 ‘પરખ’નો ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં ગુજરાતમાં શિક્ષણની વાસ્તવિકતા સામે આવી છે. ‘પરખ’ ના રિપોર્ટ મુજબ ગુજરાતનો સમાવેશ નબળું પ્રદર્શન કરનારા રાજ્યોની યાદીમાં થયો છે. શિક્ષકો પાસે શિક્ષણ સિવાય 56 જેટલી કામગીરી કરાવાતી હોવાના કારણે શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે શિક્ષકો પાસે શિક્ષણ સિવાય કઈ કઈ કામગીરી કરાવવામાં આવી રહી છે તે જાણીએ...
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોમાં લેખન શક્તિ કેવી છે અને બાળક કેવા પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે તેવા પાસાઓને લઈ મૂલ્યાંકન કરવામાં આવે છે. તેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.
બાળકોનું ઘડતર કરવાની જવાબદારી શિક્ષકની હોય છે. બાળકનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મજબૂત કરવામાં શિક્ષક મહત્વનો ભાગ ભજવે છે. બાળકના ઘડતર માટે શિક્ષક મહત્વનું પાસું છે. પરંતુ શિક્ષક બાળકોને ભણાવવા માટે સમય ન આપી શકતા હોવાનું જોવા મળ્યું છે. બાળકોના શિક્ષણની ચિંતા કરવાની હોય તેવા શિક્ષકો સરકારની 56 જવાબદારીઓનો ભાર લઈને ફરી રહ્યા છે.
ગુજરાતમાં મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. નવી શિક્ષણ નીતિ મુજબ 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવા જોઈએ. પરંતુ ગુજરાતમાં વિદ્યાર્થી શિક્ષકનો રેશિયો જળવાતો નથી. હાલમાં 29 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે. 25 વિદ્યાર્થી સાથે એક શિક્ષકના રેશિયા મુજબ ગુજરાતમાં 4,59,868 શિક્ષકો હોવા જોઈએ, પરંતુ તેની સામે અત્યારે 3,94,053 શિક્ષકો છે. એટલે કે રાજ્યમાં 65,814 શિક્ષકોની ઘટ છે.
શિક્ષકોની ઘટની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે. જ્યારે 2,462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. એક જ શિક્ષક 56 કામગીરી પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને કેવી રીતે અભ્યાસ કરાવી શકે. આ આંકડા પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના યુ-ડાયસ 2023-24ના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યા છે.
પરખ અહેવાલના મુખ્ય તારણો
-ગુજરાતના ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતાં 63% વિદ્યાર્થીઓ સરળ નમૂનાઓ ઓળખી અને વિસ્તારી શક્યા. જે રાષ્ટ્રીય સરેરાશ 69%ની તુલનામાં ઓછું છે. માત્ર 48% વિદ્યાર્થીઓ 99 સુધીની સંખ્યાઓને ક્રમમાં ગોઠવી શક્યા. જે રાષ્ટ્રીય સરેરાશ 55%થી નીચું છે. મૂળભૂત ગણિતીય ક્રિયાઓમાં નિપુણતા 47% પર સ્થિર રહી, જે રાષ્ટ્રીય સરેરાશ સાથે સમાન છે.
-ત્રીજા ધોરણના ભાષા વિષયમાં માત્ર 52% વિદ્યાર્થીઓ ટૂંકી વાર્તાઓ વાંચી અને સમજી શક્યા. જે રાષ્ટ્રીય સરેરાશ 60%થી 8% ઓછું છે. ત્રીજા ધોરણમાં ભાષાનું સરેરાશ પ્રદર્શન 57% અને ગણિતમાં 52% હતું, જે દરેક રાષ્ટ્રીય ધોરણોથી ઓછામાં ઓછું 7-8% નીચું હતું.
-છઠ્ઠા ધોરણમાં ભાષા અને ગણિતના સ્કોર રાષ્ટ્રીય સરેરાશથી 6% ઓછા હતા; "આપણી આસપાસનું વિશ્વ" વિષયમાં 4%નો તફાવત હતો.
-નવમા ધોરણમાં મુખ્ય વિષય ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનમાં પાછળ છે. જેમાં ગ્રામીણ શાળાઓ શહેરી શાળાઓ કરતાં વધુ નબળું પ્રદર્શન કરે છે. ગ્રામીણ શાળાઓમાં ભાષામાં 4%, ગણિતમાં 6% અને વિજ્ઞાન/સામાજિક વિજ્ઞાનમાં 3%નો તફાવત રાષ્ટ્રીય સરેરાશથી નીચો છે.
શિક્ષકો પાસે કરાવાતી વિવિધ કામગીરી
1. બીએલઓ તેમજ સુપરવાઇઝર, 2. એક પેડ મા કે નામ અંતર્ગત શિક્ષકો બાળકોના માતા સાથેના ફોટા પાડી અપલોડ કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાના, 3. સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય ફોટા પાડી રજિસ્ટ્રેશન, 4. વિકસિત ભારત બિલ્ડથોન-2025, 5. કલા ઉત્સવ, 6. બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન, 7. ગ્રાન્ટ વપરાશ તેમજ PFMS, 8. રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ, 9. CTS અપડેશન, 10. UDISE+, 11. અપાર આઈડી, 12. ખેલ મહાકુંભ, 13. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ, 14. ટ્વિનિંગ કાર્યક્રમ, 15. રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન તેમજ શહેર એક્ઝિબિશન, 16. દીક્ષા પોર્ટલ પર તાલીમ, 17. તાલુકા લેવલ વિષયની તાલીમ, 18. સ્વછતા હી સેવા કાર્યક્રમ, 19. સ્વછતા પખવાડિયું, 20. શિષ્યવૃતિ ડિજિટલ ગુજરાત, 21. ઓનલાઈન તેમજ ઓફલાઈન હાજરી, 22. રોજનીશી, 23. પત્રક A B C ઓનલાઈન તેમજ ઓફલાઈન એન્ટ્રી, 24. ત્રિમાસિક કસોટી લઈ પેપર ચેક, 25. એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ, 26. સમૃદ્ધિ કાર્યક્રમની એન્ટ્રી, 27. CET NMMS CGMS PSE વગેરે પરીક્ષા ફોર્મની એન્ટ્રી, 28. નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઊજવણી, 29. SMCની મિટિંગ એજન્ડા ફોટા ભાવપત્રક, 30. વિદ્યાંજલી પોર્ટલમાં એન્ટ્રી, 31. વિશ્વ સિંહ દિન ઉજવણી, 32. સંસ્કૃત સપ્તાહ ઉજવણી, 33. 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી ઉજવણી, 34. SBI, ICICI, BOB, SMC EDUCATION PRINCIPAL વગેરે ખાતા ખોલવી રેકર્ડ નિભાવવું, 35. ઇન્સ્પાયર એવોર્ડ રજીસ્ટ્રેશન, 36. વિદ્યાર્થીની ઈ-કેવાયસી કામગીરી, 37. શાળા પ્રવેશોત્સવ, 38. નશામુક્ત ભારત અભિયાન, 39. પૂર્ણ યોજના તેમજ વિવિધ યોજના, 40. શાળા બહારના બાળકોનો સર્વે, 41. શાળાએ ન આવતા બાળકોના વાલી સંપર્ક, 42. શાળા બહારના બાળકોને પુનઃ પ્રવેશ આપવાની કામગીરી, 43. SIC સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ કામગીરી, 44. યોગ દિવસ ઉજવણી, 45. વિદ્યાંજલિ કાર્યક્રમ, 46. હર હર તિરંગા કાર્યક્રમ, 47. ઈકો ક્લબ પ્રવૃત્તિ, 48. સ્કૂલ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ, 49. ઈ ખેલ પાઠશાલા ખેલો ઇન્ડિયા રજિસ્ટ્રેશન, 50. કર્મયોગી બોટલ પર એન્ટ્રી, 51. એસએએસ પોર્ટલ પર બિલ, 52. બેસ્લાઈન એસેમેન્ટ, 52. સક્ષમ શાળા એન્ટ્રી, 53. વિવિધ VC તેમજ લાઇવ ટેલિકાસ્ટ નિહાળવું, 54. મધ્યાન ભોજનની ઓનલાઇન ડેટા એન્ટ્રી, 55. શાળા સિદ્ધિ રજીસ્ટ્રેશન, 56. મધ્યાહન ભોજન રજિસ્ટર સહિતની ક્લાર્ક અને કોમ્પ્યુટર ઓપરેટર જેવી કામગીરી કરાવવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!