એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171, જે ગુજરાતના અમદાવાદથી લંડનના જઈ રહી હતી, તે ટેકઓફના થોડા સમયમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 242 લોકો સવાર હતા જેમાંથી માત્ર એક જ વ્યકિત જીવિત બચી શક્યો - રમેશ વિશ્વાસ.
લંડન સ્થિત રમેશના પરિવારજનોએ જણાવ્યું કે, રમેશ વિશ્વાસ અને તેમના ભાઈ અજય બંને તે ફ્લાઈટમાં સવાર હતા. રમેશના ત્રીજા ભાઈ નયને કહ્યું, "વિશ્વાસ હોસ્પિટલમાં છે અને હાલત સ્થિર છે. પરંતુ દુર્ભાગ્યવશ, અજય વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી."
વિશ્વાસે પરિવાર સાથે વાત કરતા કહ્યું કે, "મને ખબર નથી કે, હું કેવી રીતે બચી ગયો." દુર્ઘટના વિશે તેઓ ખૂબ ઓછું જણાવી શક્યા કારણ કે, બધું અચાનક બન્યું હતું.
આ દુર્ઘટનામાં જ્યાં આખો પરિવાર ભયભીત છે, ત્યાં એક તરફ વિશ્વાસના જીવિત બચી જવા પર રાહત પણ અનુભવે છે. પરિવારના અન્ય સભ્યો સહિત માતા, પિતા અને પત્ની તીવ્ર શોકમાં છે.
AI-171 એ બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન હતું, જે 12 જૂનના રોજ બપોરે 1.40 વાગે ક્રેશ થયું હતું. વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક સહિત કુલ 230 યાત્રીઓ અને 12 ક્રૂ મેમ્બર હતા. વિમાન કેપ્ટન સુમિત સભારવાલ ઉડાવી રહ્યા હતા, જેમણે 8200 કલાકનો ઉડાન અનુભવ ધરાવતા પાયલટ હતા. આ સાથે ફર્સ્ટ ઓફિસર તરીકે ક્લાઈવ કુન્દર હતા.
દુર્ઘટનાના તરત પછી દિલ્હીથી અમદાવાદ જતી તમામ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી, જેમાંથી કેટલીક થોડીવારમાં પુનઃ શરૂ પણ થઈ હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તંત્રએ મૃત યાત્રીઓની ઓળખ માટે તેમના પરિવારજનોના ડીએનએ નમૂના લેવા શરૂ કરી દીધા છે. આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું કે, આ માટે બી. જે. મેડિકલ કોલેજના ટેસ્ટિંગ બિલ્ડિંગમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.