કેવી રીતે ભણશે ગુજરાતઃ રાજકોટમાં 17 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે સરકારી શાળા!
સ્ટેજ પર બેસવાના અભરખા હોય તો વિસ્તારના પ્રશ્નો ઉકેલો, ભાજપ નેતાઓને જાહેરમાં ચાબખાં

શાળા પ્રવેશોત્સવોના દેખાડા કરતી ભાજપ સરકારના શિક્ષણ મોડલની વરવી વાસ્તવિક્તા સામે આવી

શાળા પ્રવેશોત્સવોના દેખાડા કરતી ભાજપ સરકારના શિક્ષણ મોડલની વરવી વાસ્તવિક્તા સામે આવી
ગુજરાતમાં સ્માર્ટ-ડિજિટલ ક્લાસની વાતો વચ્ચે બાળકોને ભણવા માટે ઓરડાના પણ ફાંફા છે. રાજકોટમાં 17 વર્ષથી ભાડાના મકાનમાં શાળા ચાલતી હોવાનો ખુલાસો થયો છે. 222 વિદ્યાર્થી વચ્ચે માત્ર 4 રૂમ હોવાથી બાળકોને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન કોંગ્રેસના નેતાએ વિરોધની ચીમકી આપી ભાજપના નેતાઓને આડેહાથ લઈ ‘સ્ટેજ ઉપર બેસવાના અભરખા હોય તો વિસ્તારના પ્રશ્નો પણ ઉકેલો’ જેવા ચાબખા માર્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે શાળા પ્રવેશોત્સવ યોજાયો છે. ત્યારે ખાટલે મોટી ખોટ એ છે કે, રાજકોટ શહેરમાં સરકારી શાળાની બદતર હાલત સામે આવી છે. શાળા નંબર-99 વર્ષ 2008થી ભાડાનાં મકાનમાં ચાલે છે. જેમાં ધોરણ 1થી 5નાં 222 છાત્રો વચ્ચે માત્ર 4 રૂમ અને 2 બાથરૂમ છે. આ બિલ્ડિંગની હાલત પણ જર્જરિત છે. ટોયલેટની બાજુમાં પીવાનું પાણી રાખવામાં આવ્યું છે. સરકારી શાળાની બદતર હાલત ગુજરાતના શિક્ષણનાં મોડેલને શર્મસાર કરી રહી છે.
શાળામાં અભ્યાસ કરવા માટે આવતાં નાના ભૂલકાઓને પડતી તકલીફોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને રજૂઆત કરી હતી. ગરીબ પરિવારના બાળકોના ગંભીર પ્રશ્નનો તાકીદે નિકાલ નહી આવે તો વિરોધ અને દેખાવો કરી વાસ્તવિકતા ઉજાગર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
કોંગ્રેસના વિદ્યાર્થી નેતાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, કોઠારિયા વિસ્તારમાં મહાનગરપાલિકા સંચાલિત શાળા નં-99 ભાડાના મકાનમેં કાર્યરત છે. શાળાની સ્થિતિ જોઈને સૌ લોકો પૂછે કે આમાં કેમ ભણશે ગુજરાત? ભાડાના રહેણાંક મકાનમાં ચાલતી શાળામાં બાળકોને ઓશરીમાં ખીચોખીચ બેસાડાય છે. કોમન ટોયલેટની બાજુમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. પીવાનું પાણી પણ ટોયલેટની બાજુમાં રાખવામાં આવ્યું છે.
દર વર્ષે શિક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતો હોય છે. મહાનગરપાલિકા સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવના કાર્યક્રમના નામે તાયફા કરી પ્રજાના કરોડો રૂપિયાને વેડફી રહ્યા છે. રાજકોટ શહેરમાં અનેક સરકારી શાળાઓની હાલત દયનીય છે. મનપા સંચાલિત સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પ્રાથમિક સુવિધાઓના અભાવે વચ્ચે શિક્ષણ મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમમાં ડિજિટલ એજ્યુકેશનના બણગાઓ ફૂંકી રહી છે. પરંતુ જમીન હકીકત કંઈક જુદી જ છે. આ વિસ્તારમાં વસતા ગરીબ વર્ગના બાળકો માટે એક માત્ર સરકારી શાળા છે. શાળાની ક્ષમતા ઓછી હોવાથી શિક્ષણ માટે બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ લેવો પડી રહ્યો છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 ની ધારા 19 મુજબ દરેક શાળામાં યોગ્ય વર્ગખંડ, બાળકો માટે અલગ શૌચાલય, લાયબ્રેરી અને તાલીમબદ્ધ શિક્ષકો હોવા ફરજિયાત છે. આ તમામ નિયમોનુ ઉલ્લંઘન થઈ રહ્યુ છે. રહેઠાણ માટે મંજૂર મકાનમાં શાળા ચલાવવી એ બિલ્ડિંગ અને ફાયર સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન છે. શિક્ષણના અધિકાર હેઠળ દરેક બાળકને ગુણવત્તાસભર અને સન્માનજનક શિક્ષણ આપવામાં સરકારની જવાબદારી છે. આ જવાબદારીમાંથી મહાનગરપાલિકા અને સરકારે હાથ ખંખેરી લીધા છે.
વર્ષ 2008થી કોઠારીયા રોડ પર ખોખડદડ નદી પાસે શિવધારા સોસાયટીમાં ચાલતી શાળા નંબર-99ની અગાઊ મુલાકાત લેવામાં આવી હતી. શાળામાં માત્ર દસ બાય દસના પાંચ નાનકડા રૂમ અને તેમાં એક રૂમમાં પ્રિન્સિપાલની ઓફિસ જોવા મળી હતી. માત્ર 4 રૂમમાં 222 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાનું બ્લેકબોર્ડ અત્યંત જર્જરિત છે. જેના પર લખેલું વાંચવું પણ મૂશ્કેલ છે. એટલું જ નહીં પ્રાથમિક રીતે જરૂરી કહી શકાય તેવા માત્ર 2 બાથરૂમ છે. રીસેસ પડે ત્યારે છાત્રો 15 મિનિટ સુધી લાઈનમાં ઉભા રહ્યાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પૂજારાએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગુજરાતી માધ્યમની 93 અને અંગ્રેજી માધ્યમની 3 મળી 96 શાળા છે. અત્યારે એકમાત્ર શાળા નંબર 99 ભાડાનાં મકાનમાં છે. શાળા નંબર 99 અંગે જણાવતાં કહ્યું કે, આ વિસ્તારમાં TP ફાઇનલ થઈ ન હોવાથી શાળા માટેના પ્લોટની ફાળવણી થઈ શકી નથી. જેના વિકલ્પ તરીકે કલેક્ટરને ખરાબાની જગ્યા આપવા રજૂઆત કરવામાં આવશે. સારૂ બિલ્ડિંગ ભાડે મળી રહે તે માટેની તપાસ પણ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?