AMCના નવા મેયર બન્યા હિતેશ બારોટ
કમલેશ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન, નવસારી સહિત 5 શહેરોના પદાધિકારીઓ જાહેર

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Ahmedabad Municipal Corporation Mayor: ગુજરાતની મહાનગરપાલિકાઓમાં આગામી અઢી વર્ષની નવી ટર્મ માટે પદાધિકારીઓની વરણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા બંધ કવર ખૂલતાની સાથે જ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી અને જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાતોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) રહ્યું છે, જ્યાં અગાઉથી જ ચર્ચાતા નામો મુજબ નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે.
AMC બોર્ડ બેઠકમાં ખૂલ્યું બંધ કવર: હિતેશ બારોટ બન્યા અમદાવાદના નવા મેયર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં અપેક્ષા મુજબ જ પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશભાઈ બારોટને અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે નવા મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મેયર પદની રેસમાં ધરમશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામો પણ ચર્ચામાં હતા, પરંતુ ગત ટર્મમાં મેયર પદ મધ્ય ઝોન (શાહીબાગ) પાસે હોવાથી આ વખતે પશ્ચિમ ઝોનના હિતેશ બારોટનું નામ સૌથી મોખરે રહ્યું હતું.
નવી ટર્મ માટે અન્ય મહત્વના હોદ્દેદારોની ટીમ પણ જાહેર કરવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે:
ડેપ્યુટી મેયર: અંજુબેન શાહ (સાબરમતી વોર્ડ)
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કમલેશ પટેલ (ખોખરા વોર્ડ)
શાસક પક્ષના નેતા: જશુભાઈ ઠાકોર (શાહીબાગ વોર્ડ)
દંડક (Whip): અતુલ મિશ્રા (ચાંદખેડા વોર્ડ)
નવા મેયરનો એક્શન પ્લાન: ટ્રાફિક, ચોમાસું અને ઓલિમ્પિકની તૈયારીઓ પર ભાર
અમદાવાદના મેયર તરીકે પદભાર સંભાળતાની સાથે જ હિતેશ બારોટે શહેરના વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે પોતાનો રોડમેપ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે અમદાવાદ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને તેને ગ્લોબલ લેવલ પર લઈ જવું એ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે. નાગરિકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવી અને સ્માર્ટ કામો સમયસર આપવા એ તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અને પીક અવર્સ દરમિયાન સર્જાતા ટ્રાફિક જામ અંગે વાત કરતા તેમણે સ્વીકાર્યું કે આર્થિક સક્ષમતા વધવાને કારણે ઘરોમાં વાહનોની સંખ્યા અસાધારણ વધી છે. આ સમસ્યાઓના કાયમી નિવારણ માટે તેઓ પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચે વધુ સારું સંકલન સાધીને વર્તમાન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમદાવાદને ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાનો જે ઐતિહાસિક મોકો મળ્યો છે, તેના તમામ આંતરમાળખાકીય (infrastructure) કામો સમયમર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ કરવાની તેમણે ખાતરી આપી છે.
નવસારી, ગાંધીધામ અને મોરબીમાં પણ નવા પદાધિકારીઓની વરણી
અમદાવાદ ઉપરાંત રાજ્યની અન્ય ત્રણ મહત્વની મહાનગરપાલિકાઓમાં પણ સત્તાવાર રીતે પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. નવસારીના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર અશોક ધોરાજીયાની પસંદગી કરવામાં આવી છે. તેમની સાથે ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ (વોર્ડ નંબર 1), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ (વોર્ડ નંબર 5) ની વરણી કરાઈ છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત (વોર્ડ નંબર 8) અને દંડક તરીકે રાકેશ પટેલ (વોર્ડ નંબર ૭) જવાબદારી સંભાળશે. ગાંધીધામ મનપામાં મહિલા નેતૃત્વને સ્થાન આપતા દિવ્યાબેન નાથાણીને નવા મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની ટીમમાં ડેપ્યુટી મેયર તરીકે નવીન જરૂં અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે તેજસ શેઠની વરણી કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા
મોરબીના પ્રથમ નાગરિક (મેયર) તરીકે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ઉત્તમ સુરાણીના નામ પર મહોર મારવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 6ના ચિરાગ રાણપરા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જયંતીભાઈ પડસુંભિયાની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશભાઈ દેસાઈ પક્ષની કમાન સંભાળશે.
જામનગર મનપા
જામનગર મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસ અને ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરાઈ છે. ધીરેનકુમાર મોનાણીને સ્ટેન્ડિંગ ચેરમેન તો અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવિણાબેન રુપડીયાને દંડક બનાવાયા છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલી આ નવી ટીમો આગામી અઢી વર્ષ સુધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિકાસકાર્યોની ગતિને આગળ ધપાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?