એક માર્કના વિવાદ મામલે GPSC સામે હાઈકોર્ટ કડક
એક ગુણથી રહી ગયેલી મહિલા ઉમેદવારનો કેસ, GPSCના મેનેજમેન્ટ સામે હાઈકોર્ટની ગંભીર ટકોર

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
GPSCની પરીક્ષામાં એક માર્ક માટે રહી ગયેલી વિદ્યાર્થિનીએ કાયદાકીય જંગ શરૂ કર્યો છે. એક પ્રશ્નના જવાબના વિવાદના મામલે હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં દરમિયાન હાઈકોર્ટે GPSCની આકરી ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે GPSCના વલણ અને વર્તણૂકમાં માત્રને માત્ર અહંકાર હોવાની આકરી ટકોર કરી હતી. ત્રણ વખત નિર્દેશ આપવા છતાં હાઈકોર્ટની અવગણના બદલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટ અગાઉ GPSCના પેપર સેટર્સ ઉપર ગંભીર ટકોર કરી હોવાથી GPSCની પારદર્શકતા સામે સવાલ ઉઠી રહ્યા છે.
હાઈકોર્ટે GPSCના વકીલને કહ્યું હતું કે, તમે અગાઉ જે નિવેદન કર્યું હતું એ મુજબનો ઠરાવ ક્યાં છે? તમારા સેક્રેટરી કોર્ટનું સીટીંગ પુરું થવાની રાહ જોઇ રહ્યા છે? તમારા ચેરમેન અને સેક્રેટરીને કોર્ટમાં બોલાવવાથી કોર્ટ ખચકાશે નહીં. તમારા ચેરમેન અને સેક્રેટરી પોતાની જાતને કોર્ટની ઉપર માને છે અને કોર્ટના વારંવાર કહેવા છતાં શા માટે સોગંદનામું કરતા નથી? શું તેઓ રોસ્ટર બદલાવવાની રાહ જોઈ રહ્યા છે? શા માટે તેમની વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ના પાઠવવામાં આવે?
મહત્વપૂર્ણ છે કે, અર્થશાસ્ત્રના એક પ્રશ્ન મામલે વિવાદ થયો છે. તેમાં હાઇકોર્ટે અગાઉ આદેશ કર્યો હોવા છતાં GPSC યોગ્ય જવાબ આપી રહ્યું નથી. અગાઉ હાઇકોર્ટે GPSCના સોગંદનામાને આંખમાં ધૂળ નાંખવા સમાન પણ ગણાવ્યું હતું અને ઝાટકણી કાઢી હતી. તેમ છતાં 20 માર્ચના આદેશમાં હાઇકોર્ટે GPSCને એક વધુ તક આપી હતી અને સ્પષ્ટ સોગંદનામું કરવાનું કહ્યું હતું.
હાઇકોર્ટે 16 અને 20 માર્ચના રોજ કરેલા આદેશ મુજબનું GPSCએ સોગંદનામું કર્યું નહોતું. તેથી હાઈકોર્ટે વધુ એક વખત નારાજગી દર્શાવી હતી. એક તબક્કે હાઈકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે GPSC અત્યંત વિશાળ સંસ્થા હોવાનો દાવો કરે છે. વર્ષે 200 એટલે કે દર બીજા દિવસે એક પરીક્ષા લે છે. તેમ છતાં બધાની જવાબદારી લેવા તૈયાર નથી. તે ફક્ત પોતાને પરીક્ષાના વ્યવસ્થાપક તરીકે જણાવીને સત્તાઓ ભોગવી રહ્યું છે. પરંતુ જવાબદારી પેપર સેટરના માથે નાખી રહ્યું છે. કોર્ટે અગાઉ આદેશ કરીને તેમને પૂરતી તક આપી છે. પરંતુ તેમ છતાંય તેનું વલણ માત્ર અને માત્ર અહંકાર ભર્યું છે.
ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ને કૌટિલ્યના અર્થશાસ્ત્રના મૂળ લખાણ ખાસ કરીને 1915માં પ્રકાશિત થયેલા પ્રથમ અંગ્રેજી અનુવાદને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. GPSCની પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબની સચોટતા બાબતે કોર્ટરૂમમાં થયેલી દલીલો બાદ હાઈકોર્ટે ગંભીર ટકોર કરી હતી.
શું થયો છે વિવાદ?
હાઈકોર્ટે આ નિર્દેશ ત્યારે આપ્યો જ્યારે GPSCના વકીલે કોર્ટને જાણ કરી કે વિવાદિત પ્રશ્ન પુસ્તકની તે ચોક્કસ આવૃત્તિમાંથી બનાવવામાં આવ્યો હતો. 2025ની GPSC પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નમાં ઉમેદવારોને કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશેના બે વિધાનોનું મૂલ્યાંકન કરવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રથમ તે પુસ્તક સંસ્કૃતમાં લખાયેલું હતું અને બીજું તે અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે. જેમાં ચાર વિકલ્પો હતા. A: માત્ર એક B: માત્ર બે C: એક અને બે બંને D: ઉપરનામાંથી કોઈ નહીં. ઉમેદવારે તેના જવાબ તરીકે 'C' પસંદ કર્યો હતો. પરંતુ GPSC તેની સાથે અસંમત હતું. જેના કારણે જવાબની સચોટતા અંગે વિવાદ ઊભો થયો હતો.
GCERT અને NCERTના પુસ્તકોમાં જવાબ સાચો હતો
ઉમેદવારના વકીલોએ રજૂઆત કરી હતી કે, GCERT અને NCERTના પુસ્તકો દર્શાવે છે કે તેનો જવાબ સાચો હતો. જો કે GPSC તેની સાથે સહમત ન થયું અને તેના વકીલે ભારપૂર્વક જણાવ્યું કે પ્રશ્ન ફક્ત મૂળ લખાણ એટલે કે 1915 માં પ્રકાશિત અર્થશાસ્ત્રના અંગ્રેજી અનુવાદમાંથી બનાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટે GPSC ને તે પેપર સેટરની ઓળખ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેમણે પ્રશ્ન તૈયાર કરવા માટે મૂળ લખાણ પર ભરોસો કર્યો હતો. ખાસ કરીને જ્યારે GPSCનો જવાબ તે શાળાના પાઠ્યપુસ્તકો સાથે મેળ ખાતો ન હતો. જેને GPSC પોતે ઉમેદવારો માટે સંદર્ભ સામગ્રી તરીકે સૂચવે છે.
આવૃત્તિ રજૂ કરવામાં GPSC નિષ્ફળ
GPSC આવૃત્તિ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું અને તેના બદલે પુસ્તકની માત્ર એક PDF કોપી રજૂ કરી હતી. GPSC એ જણાવ્યું કે તે PDF ના સ્ત્રોતને ઓળખવામાં અસમર્થ છે. આ બાબતે હાઇકોર્ટે GPSCની ટીકા કરતા તેને જિદ્દી અને અહંકારી ગણાવ્યું અને પોતાની ભૂલ ન સ્વીકારવા બદલ ઠપકો આપ્યો હતો. મૂળ પુસ્તક રજૂ ન કરવામાં આવતા હાઈકોર્ટે GPSC એ પરીક્ષાનો પ્રશ્ન તૈયાર કરવા માટે જે લખાણનો ઉપયોગ કર્યો હતો તેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે GPSC સચિવને એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જ્યારે મૂળ સ્ત્રોત ઉપલબ્ધ ન હોય ત્યારે શું એવા પુસ્તકમાંથી પ્રશ્નો તૈયાર કરવા યોગ્ય છે કે જેની ફિઝિકલ કોપી ઉપલબ્ધ નથી અને જે સોર્સમાંથી PDF ડાઉનલોડ કરવામાં આવી હતી તે પણ ઉપલબ્ધ નથી? જો આવી પ્રથા માન્ય હોય તો સ્પષ્ટ કરવું જોઈએ કે આવા પુસ્તકની અધિકૃતતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે.
UPSC પ્રિલિમ્સના એક પ્રશ્ર માટે યુવક જંગે ચડ્યો
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના એક યુવકે UPSC દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસીસ 2024ની પ્રાથમિક પરીક્ષાના જનરલ સ્ટડીઝ પેપર-I ના એક પ્રશ્નના ખોટા મૂલ્યાંકન અંગે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. વિવાદિત પ્રશ્ન નંબર 25માં કેન્દ્રીય બજેટ અંગેના વિધાનો હતા. UPSCએ વિકલ્પ 'C- બંને વિધાનો સાચાને', સાચો જવાબ ગણ્યો હતો. જ્યારે અરજદારના મતે વિકલ્પ 'B- માત્ર વિધાન 2 સાચું' હોવાનો સાચો જવાબ હોવાની રજૂઆત કરી હતી.
પ્રશ્ન બંધારણની કલમ 112 મુજબ વાર્ષિક નાણાકીય બજેટ રાષ્ટ્રપતિ વતી રજૂ કરવામાં આવે છે. વડાપ્રધાન વતી નહી તેવી અરજદારની રજૂઆત હતી. અરજદારને પ્રાથમિક પરીક્ષામાં 98.29 ગુણ મળ્યા હતા. જ્યારે કટ-ઓફ 100.35 ગુણનું હતું. જો એક પ્રશ્ન સાચો ગણાય તો અરજદારને વધારાના 2.06 ગુણ મળે અને તે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરે તેમ હતું.
હાઈકોર્ટે પ્રથમ દ્રષ્ટિએ સ્વીકાર્યું કે UPSCનો જવાબ ખોટો જણાય છે. કારણ કે બજેટ રાષ્ટ્રપતિ વતી રજૂ થાય છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે UPSC ફાઈનલ રિઝલ્ટ પછી આન્સર-કી જાહેર કરે છે. જેના કારણે ઉમેદવાર પાસે કોઈ ઉપાય બાકી રહેતો નથી.હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો કે, UPSC અરજદારને વર્ષ 2025ની ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષામાં બેસવા દે. અરજદારનું મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં રાખવામાં આવે અને કોર્ટની પરવાનગી વગર ખોલવામાં આવશે નહીં. પરીક્ષામાં બેસવાની મંજૂરી મળવાથી અરજદારનો કોઈ કાયમી હક ઊભો થશે નહીં.
UPSCએ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી અરજી ફગાવી દીધી હતી. હવે અરજદાર ઉમેદવારનું મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જે પરિણામ મુજબ અરજદાર IFSની લેખિત મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાઇ જાહેર થયો હતો. તેથી અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેને લેખિત પરીક્ષા પાસ કરી હોવાથી અરજદારને 06 એપ્રિલ, 2026 થી શરૂ થતા મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવાની મંજૂરી આપવામા આવે.
UPSCએ દલીલ કરી હતી કે આ મંજૂરી કાયદેસર રીતે યોગ્ય નથી. કારણ કે અરજદાર 2024ની બેચ માટે હતો અને હવે તે 2025ની બેચના ઇન્ટરવ્યુમાં બેસશે. જેમાં તેની વયમર્યાદા વધી ગઈ હોઈ શકે છે. તેથી કોર્ટે નોંધ્યું કે જો અરજદારને ઇન્ટરવ્યુમાં બેસવા ન દેવામાં આવે તો અગાઉનો વચગાળાનો આદેશ નિરર્થક બની જશે. આથી કોર્ટે UPSCને આદેશ આપ્યો હતો કે અરજદારને 2025ની બેચ માટેના મૌખિક ઇન્ટરવ્યુમાં બેસવા દેવામાં આવે અને તેના માટે જરૂરી તમામ ફોર્મ સ્વીકારવામાં આવે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.