અમદાવાદમાં મોડી રાત્રે શહેરમાં ભારે વસરાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ બિજી તરફ તંત્રના પાપે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, થોડા વરસાદમાં જ શહેરના અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લોકોને સવારે ઓફિસે જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, તંત્રની તમામ પ્રિમોન્સુમની કામગીરીના ફરી એક વાર ઘજાગરા ઉડી ગયા છે, આ પરથી લાગે છે કે દર વર્ષની જેમ અમદાવાદના લોકોને વરસાદમાં હેરાન થવાનો વારો આવશે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી ચોમાસું જોર પકડી રહ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્ય અનેક જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદે જનજીવનને અસર કરી છે. અમદાવાદ શહેરમાં 18મી જૂનની રાત્રે વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે શહેરના એસ.જી. હાઈવે, વેજલપુર, વસ્ત્રાપુર, પાલડી, સરખેજ, બોપલ, શિલજ, ચાંગોદર, સાણંદ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાવાને લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
હવામાન વિભાગની આગાહી અને ઍલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19મી જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 20-21 જૂન દરમિયાન તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કરાયું છે. 22મી જૂને રાજ્યના 9 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈ ઑરેન્જ ઍલર્ટ, જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નર્મદામાં ભારે વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર થયું છે.
23 જૂનથી ઉત્તર ગુજરાતમાં મેઘમહેર
23મી જૂનથી હવામાનમાં ફેરફાર જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઑરેન્જ ઍલર્ટ, જ્યારે કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
24મી જૂને કચ્છ, પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ છે. આ ઉપરાંત, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે.
નાગરિકો માટે સાવચેતીના પગલાં
ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે. વાહનચાલકોને અંડરપાસ અને પાણી ભરાયેલા રસ્તાઓ પર સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. હવામાન વિભાગની આગાહી અને ઍલર્ટને ધ્યાનમાં રાખીને નાગરિકોએ આગોતરી તૈયારી કરવી જોઈએ.
ગુજરાતમાં ચોમાસાની આ શરૂઆતે ખેડૂતો માટે રાહતના સમાચાર છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને નિયંત્રિત કરવા માટે સ્થાનિક વહીવટી તંત્રે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.