સચિવાલયમાં ‘WFH’ અને ‘5 ડેઝ વીક’ની ગુંજ
ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત, કેન્દ્ર અને અન્ય રાજ્યોના મોડલનો આપ્યો હવાલો

સચિવાલયમાં ‘WFH’ અને ‘5 ડેઝ વીક’ની ગુંજ

સચિવાલયમાં ‘WFH’ અને ‘5 ડેઝ વીક’ની ગુંજ
Gujarat Secretariat Federation Seeks Work From Home: ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા અને ઈંધણની બચત સાથે પર્યાવરણના જતન માટે હવે ગુજરાતના વહીવટી તંત્રના હૃદય સમાન સચિવાલયમાં મોટા ફેરફારોની માંગ ઉઠી છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અને અઠવાડિયામાં ‘5 દિવસ કામ’ (5 Days Week) ની વ્યવસ્થા અમલમાં મૂકવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. અંદાજે 2500 જેટલા કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા આ ફેડરેશને કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યોના ઉદાહરણ ટાંકીને આ નિર્ણય લેવા આગ્રહ કર્યો છે.
વડાપ્રધાનના ‘ફ્યુઅલ સેવિંગ’ અભિયાનને વેગ આપવા રજૂઆત
ફેડરેશનના પ્રમુખ કીર્તિ એલ. પટેલ અને મહામંત્રી હિરેન આર. પટેલ દ્વારા મુખ્યમંત્રીને મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અને વર્ચ્યુઅલ મિટિંગ્સ જેવી ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અપીલ કરી છે. વૈશ્વિક સ્તરે ઈંધણની અછત અને વધતા ભાવોને જોતા, રાજ્ય સરકાર જો સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અથવા ‘હાઈબ્રિડ વર્ક મોડલ’ અપનાવે, તો તે ઈંધણ બચતની દિશામાં એક ક્રાંતિકારી કદમ સાબિત થઈ શકે છે.
કોરોનાકાળના ડિજિટલ મોડલનો આપ્યો હવાલો
સચિવાલય ફેડરેશને સરકારનું ધ્યાન દોર્યું છે કે કોરોનાકાળ દરમિયાન જ્યારે ભૌતિક હાજરી શક્ય નહોતી, ત્યારે ઈ-ઓફિસ, વીડિયો કોન્ફરન્સિંગ અને ડિજિટલ ફાઇલિંગ સિસ્ટમનો અત્યંત સફળતાપૂર્વક અમલ કરવામાં આવ્યો હતો. આ ડિજિટલ માધ્યમો દ્વારા સરકારી કામગીરી અટકી નહોતી, ઉલટાનું વહીવટમાં પારદર્શિતા અને ઝડપ જોવા મળી હતી. ફેડરેશનની માંગ છે કે આ અનુભવનો ઉપયોગ હવે કાયમી ધોરણે કરવામાં આવે, જેથી કર્મચારીઓને દરરોજ ઓફિસ આવવા-જવા માટે થતા પેટ્રોલ-ડીઝલના ખર્ચ અને સમયની બચત થઈ શકે.
ફેડરેશનની મુખ્ય માંગણીઓ પર એક નજર
ફેડરેશને રાજ્ય સરકાર સમક્ષ માત્ર માંગણીઓ જ નથી મૂકી, પરંતુ અમલીકરણ માટે ચોક્કસ સૂચનો પણ આપ્યા છે:
હાઈબ્રિડ વર્ક મોડલ: વિવિધ વિભાગોની કામગીરીની પ્રકૃતિ મુજબ રોટેશનલ પદ્ધતિથી ‘વર્ક ફ્રોમ હોમ’ શરૂ કરવામાં આવે.
5 ડેઝ વીક: કેન્દ્ર સરકારની તર્જ પર રાજ્ય સરકારમાં પણ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ કામની પદ્ધતિ અમલમાં મૂકવી.
ડિજિટલ ગવર્નન્સ: ઈ-ઓફિસ અને ડિજિટલ માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરી ફાઈલોનું વહન ઓનલાઈન કરવામાં આવે.
ઈંધણ બચત સાથે પ્રદૂષણ મુક્ત ગાંધીનગરનું લક્ષ્ય
ફેડરેશનનું માનવું છે કે દરરોજ હજારો કર્મચારીઓ પોતાના વાહનો લઈને સચિવાલય પહોંચે છે, જેના કારણે ગાંધીનગર અને અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધે છે અને વાયુ પ્રદૂષણમાં પણ વધારો થાય છે. જો અઠવાડિયામાં બે દિવસ પણ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવે, તો વાહનોના ધુમાડામાં મોટો ઘટાડો થશે અને ગ્રીન ગવર્નન્સના સંકલ્પને બળ મળશે. આ ઉપરાંત, આ વ્યવસ્થાથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે અને તેઓ માનસિક રીતે વધુ સ્વસ્થ રહી શકશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સરકારમાં પણ અમુક સ્તરે અઠવાડિયામાં બે દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’ અંગેના નિર્ણયો લેવાયેલા છે. ત્યારે હવે ગુજરાત સરકાર આ દિશામાં શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર ટકેલી છે. જો સરકાર આ માંગનો સ્વીકાર કરશે, તો તે રાજ્યના વહીવટી તંત્રમાં એક નવા યુગની શરૂઆત ગણાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?