Gujarat Rain Deficit: ગુજરાતમાં નબળા ચોમાસાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગુજરાતમાં વરસાદની અછતને કારણે રાજ્યના 34 જિલ્લાઓના 265 તાલુકાઓમાંથી 108 તાલુકામાં ખેતી પર સંકટ ઊભું થયું છે. પૂરતો વરસાદ નહીં મળતાં અનેક વિસ્તારોમાં ઊભો ખરીફ પાક સુકાવાની સ્થિતિમાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં કપાસ અને મગફળી જેવા મુખ્ય પાક પર વરસાદની અછતની સીધી અસર થવાની ભીતિ છે. આ સ્થિતિમાં અંદાજે 25 લાખ ખેડૂતો પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં 108 તાલુકામાં વરસાદની અછત, ખરીફ પાક પર ખતરો
ચાલુ ખરીફ સિઝનમાં ગુજરાતના ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. જોકે વાવેતર બાદ વરસાદ ખેંચાતા હવે ખેડૂતો માટે પાક બચાવવો પડકાર બની રહ્યો છે. જ્યાં સિંચાઈની વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ નથી, ત્યાં ખેતરોમાં ઊભો પાક સુકાવા લાગ્યો હોવાનું સામે આવી રહ્યું છે. 31 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં 80.4 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. આ રાજ્યના સામાન્ય 85.3 લાખ હેક્ટરના વાવેતર વિસ્તારના આશરે 94 ટકા જેટલું છે. એટલે કે વાવેતરનું પ્રમાણ ઊંચું હોવા છતાં વરસાદની અછત હવે ખેડૂતો માટે મોટું જોખમ બની છે.
કપાસ અને મગફળીના પાક પર સૌથી મોટો ખતરો
ગુજરાતમાં કપાસનું વાવેતર આશરે 21.5 લાખ હેક્ટર અને મગફળીનું 20.7 લાખ હેક્ટરમાં થયું છે. આ ઉપરાંત ડાંગર 9.01 લાખ હેક્ટર, તુવેર 3.13 લાખ હેક્ટર, સોયાબીન 3.04 લાખ હેક્ટર અને મકાઈનું આશરે 2.72 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની અછત યથાવત્ રહે તો કપાસ અને મગફળીના ઉત્પાદનને મોટો ફટકો પડી શકે છે. ખેડૂતો માટે આગામી દિવસોમાં વરસાદ પડશે કે નહીં તે સૌથી મહત્વનો મુદ્દો બની ગયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં રૂ.45 હજારથી રૂ.55 હજાર કરોડના પાક પર જોખમ
વરસાદની અછતને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાક જોખમમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ન્યૂનતમ ટેકાના ભાવના આધારે કરવામાં આવેલી ગણતરી મુજબ જોખમમાં આવેલા પાકનું કુલ બજાર મૂલ્ય આશરે રૂ.45 હજાર કરોડથી રૂ.55 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોના અંદાજ મુજબ વરસાદની સ્થિતિમાં સુધારો નહીં થાય તો મુખ્ય પાકોના ઉત્પાદનમાં આશરે 1.80 લાખથી 2 લાખ મેટ્રિક ટન સુધીનો ઘટાડો થઈ શકે છે. તેની સીધી અસર ખેડૂતોની આવક અને કૃષિ આધારિત સ્થાનિક અર્થતંત્ર પર પડી શકે છે.
કયા જિલ્લામાં અછતનો ખતરો સૌથી વધુ?
કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, વાવ-થરાદ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવાઈ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં સરેરાશની સરખામણીએ વરસાદનું પ્રમાણ ઓછું રહેતા ખેતી પર તેની સીધી અસર જોવા મળી રહી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ તુલનાત્મક રીતે રાહતજનક હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિ એકસરખી ન હોવાથી ખેડૂતો માટે વિસ્તાર પ્રમાણે પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે.
ખેડૂતોની સરકાર પાસે નર્મદાના પાણીની માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો હવે ઊભા પાકને બચાવવા સરકાર પાસે તાત્કાલિક સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવાની માગ કરી રહ્યા છે. નર્મદાના નીર અથવા ડેમમાંથી સિંચાઈ માટે ખાસ પાણી છોડવામાં આવે તેવી માગ પણ ઉઠી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો ઊભા પાકને બચાવવો મુશ્કેલ બની શકે છે. હવે ખેડૂતોની નજર આગામી વરસાદ પર છે. મેઘરાજા સમયસર મહેરબાન થાય છે કે નહીં તેના પર કપાસ, મગફળી સહિતના ખરીફ પાકનું ઉત્પાદન અને લાખો ખેડૂતોની આવકનો મોટો આધાર રહેશે.