કરજણના ભાજપ ધારાસભ્યના પુત્ર સામે પોલીસ ફરિયાદ
ડ્રાઈવરને ઊંધો લટકાવી ઢોર માર માર્યાનો આક્ષેપ

ડ્રાઈવરને ઊંધો લટકાવી ઢોર માર માર્યાનો આક્ષેપ

ડ્રાઈવરને ઊંધો લટકાવી ઢોર માર માર્યાનો આક્ષેપ
BJP MLAs Son Accused Of Atrocity And Beating: ગુજરાતના રાજકારણ અને કાયદો-વ્યવસ્થાના ક્ષેત્રમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કરજણ બેઠકના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષી પટેલ સહિત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આક્ષેપ છે કે, ડમ્પર ડ્રાઈવર તરીકે કામ કરતા એક આદિવાસી યુવકને ઓફિસમાં દોરડા વડે ઊંધો લટકાવીને લોખંડ અને પ્લાસ્ટિકની પાઈપોથી નિર્મમ રીતે માર મારવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વલણ પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ડીઝલ ચોરીનો આક્ષેપ મૂકી ઓફિસે બોલાવ્યો
મળતી વિગતો અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોરગામની નવીનગરીમાં રહેતા નટવરભાઈ વસાવા છેલ્લા એક વર્ષથી ધારાસભ્યના પુત્ર ઋષી પટેલના હાઈવા ડમ્પરમાં ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 15 મેના રોજ નટવરભાઈ રેતીનો ફેરો મારીને પરત ફર્યા ત્યારે તેમને તાત્કાલિક બકાપુર ખાતે આવેલી ઓફિસે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં ઋષી પટેલે તેમને એક વાહનનો ફોટો બતાવીને ડીઝલ ચોરીનો આક્ષેપ મૂક્યો હતો. ડ્રાઈવરે આ વાતનો ઇનકાર કરતા જ મામલો બિચક્યો હતો.
ઊંધા માથે લટકાવી બર્બરતાપૂર્વક અત્યાચાર
નટવરભાઈએ ચોરીની ના પાડતા જ ઋષી પટેલે ઉશ્કેરાઈને લોખંડની પાઈપ વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ત્યાં હાજર અન્ય ચાર સાગરીતોએ પણ પ્લાસ્ટિકની પાઈપોથી આડેધડ ફટકા મારવાનું શરૂ કર્યું હતું. ક્રૂરતાની હદ વટાવીને આરોપીઓએ ડ્રાઈવરના પગ દોરડાથી બાંધીને ઓફિસમાં ઊંધા માથે લટકાવી દીધા હતા અને "પગાર વધારો જોઈએ છે" તેમ કહી જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી ગડદા-પાટુનો માર માર્યો હતો. ગંભીર મારના કારણે પીડિત બેભાન જેવા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બાદમાં ઓફિસના અન્ય કર્મચારીઓએ તેમને બચાવી ઘરે પહોંચાડ્યા હતા, જ્યાંથી 108 મારફતે તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
આદિવાસી સમાજમાં ભારે રોષ, કડક કાર્યવાહીની માંગ
આ અમાનૂસી અત્યાચારની ઘટના વાયુવેગે પ્રસરતા સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો અને પીડિત પરિવારમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. એડવોકેટ મિનેશ પરમારે જણાવ્યું હતું કે, ડ્રાઇવરને એટલી ગંભીર ઇજાઓ થઈ છે કે તેઓ આગામી 2-3 મહિના સુધી કામ કરી શકે તેમ નથી. આ મામલે પોલીસ ફરિયાદમાં હજુ પણ BNS 109 અને 118 (2) જેવી કડક કલમો ઉમેરવા માટે આગામી સમયમાં ડીવાયએસપી (DySP) ને રજૂઆત કરવામાં આવશે. રાજકીય દબાણ વગર તમામ પુરાવા જળવાઈ રહે તેવી માંગ ઉઠી છે.
આ 5 આરોપીઓ સામે નોંધાયો ગુનો
વલણ પોલીસે પીડિતની ફરિયાદના આધારે મુખ્ય આરોપી ઋષી અક્ષય પટેલ (રહે. લીલોડ, તા. કરજણ) ઉપરાંત જયદતબાપુ (દેવેશબાપુ), સાહીલ પટેલ (સાહીલ પઠાણ), જાવીદ પઠાણ અને વિજયભાઈ સામે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?