ગુજરાતમાં સતત વધી રહેલા વાહન અકસ્માતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની ગતિ મર્યાદા ઘટાડવાનો વિચાર હાથ ધર્યો છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરી માર્ગો પર વાહનો માટે મહત્તમ 30 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મર્યાદા નિર્ધારિત કરવા માટે નવી ગાઈડલાઈન તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
માર્ગ અકસ્માતોની સ્થિતિમાંથી બહાર આવવા માટે વ્યસ્ત રહેણાંક વિસ્તારો, શાળાઓની આસપાસના ઝોન અને બજાર વિસ્તારમાં હવે વાહનો માટે 30 કિલોમીટર પ્રતિ કલાક સુધીની સ્પીડ મર્યાદા લાગુ કરાશે. જ્યારે પહોળા રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર 45થી 60 કિલોમીટરની મર્યાદા રહેશે.
છેલ્લાં દાયકામાં રાજ્યભરમાં 75 હજારથી વધુ લોકો માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવી ચૂક્યા છે. 2013થી 2022 દરમિયાનના ડેટા મુજબ, ગુજરાત દુર્ઘટનાઓની ગંભીર સ્થિતિ ધરાવતા ટોચના રાજ્યોમાં સમાવેશ થાય છે.
અત્યારસુધીના નિયમો અનુસાર, શહેરમાં કાર માટે 70 કિલોમીટર, મોટર બાઈક માટે 60 કિલોમીટર અને ટૂ વ્હીલર્સ માટે 50 કિલોમીટરની ગતિ મંજૂર હતી. હવે રાજ્ય સરકાર જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રુલ્સ (GDCR)માં ફેરફાર કરી સ્પીડ કન્ટ્રોલ ઝોનની રૂપરેખા તૈયાર કરી રહી છે.
અધિકારીઓનું કહેવું છે કે, ઊંચી ગતિએ થયેલા અકસ્માતો ઘણીવાર ઘાતક સાબિત થાય છે. 80 કિલોમીટરથી વધુ ઝડપે અકસ્માત થવા પર મૃત્યુની શક્યતા 20 ગણી વધી જાય છે. અત્યારે રાજ્ય સરકારે શહેરના વિવિધ ઝોન પ્રમાણે નવા સ્પીડ નિયમો લાદવા માટે માર્ગ વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી છે. રિંગ રોડ, નાની શેરીઓ અને ડિવાઈડર વગરના માર્ગો માટે અલગ-અલગ નિયમો ઘડાશે.