અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 7 જુલાઈ, સોમવારે ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા પાસપોર્ટ સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. નવી સુવિધાઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શરૂ થયેલા આ કેન્દ્રથી રાજ્યભરના નાગરિકોને ઝડપી અને સગવડભરી સેવાઓ મળશે. ખાસ કરીને પૂર્વ અમદાવાદના લોકોને નિકટતમ કેન્દ્ર મળતાં મોટી રાહત મળશે.
આ કેન્દ્રમાં કુલ 3 વિંગ બનાવવામાં આવ્યા છે અને દરેકમાં 36 કાઉન્ટરો કાર્યરત રહેશે. પહેલાના મીઠાખાળી કેન્દ્રમાં વધતી ભીડ અને તકેદારીના મુદ્દા હોય, તે જોઈને આ નવું કેન્દ્ર શિફ્ટ કરવામાં આવ્યું છે. અધિકારીઓ અનુસાર, પહેલા જ દિવસે 600 અરજદારોને એપોઈન્ટમેન્ટ અપાઈ ગઈ હતી.
આ કેન્દ્રમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સિસ્ટમ, ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જે અરજદારોનો સમય બચાવે છે. આ સાથે જ બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી અને માર્ગદર્શક સ્ટાફ પણ ઉપલબ્ધ છે.
સત્તાવાર પ્રારંભ પહેલાં રવિવારે એક ટ્રાયલ રન પણ કરાયું હતું. અપેક્ષા છે કે, આગામી સમયમાં અહીં દરરોજ 800થી વધુ અરજીઓની પ્રક્રિયા થશે.
આ પહેલથી ખાસ કરીને અમદાવાદ અને આસપાસના નાગરિકોને પાસપોર્ટની કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા મળશે. આ સાથે જ મીઠાખાળી અને શહેરના અન્ય કેન્દ્રો પરનો ભાર પણ ઘટશે.