જૂનાગઢ તાલુકા પંચાયત ચૂંટણીમાં મોટો કાયદાકીય પેચ
ભાજપના પ્રમુખ ચૂંટાયા બાદ હાઈકોર્ટે જેલમાં રહેલા 'આપ'ના સભ્યને મતદાન કરવાની મંજૂરી આપી

જૂનાગઢ તાલુકા પંચાયત ચૂંટણીમાં મોટો કાયદાકીય પેચ

જૂનાગઢ તાલુકા પંચાયત ચૂંટણીમાં મોટો કાયદાકીય પેચ
Junagadh Taluka Panchayat Election: જૂનાગઢ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ વચ્ચે જૂનાગઢ તાલુકા પંચાયતનો મામલો ગરમાયો છે. આજે યોજાયેલી પ્રમુખની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો મૌખિક આદેશ આપતા આ આખી ચૂંટણી પ્રક્રિયા અને તેના પરિણામ પર સવાલો ઊભા થયા છે. અદાલતના આ હસ્તક્ષેપને કારણે ચૂંટાયેલા પ્રમુખના ભવિષ્ય સામે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.
હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ: "ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી મતદાનનો અધિકાર"
ચૂંટણી સંપન્ન થયા બાદ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કરવામાં આવેલી તાકીદની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટના જસ્ટિસ ડી.એન. રોયે જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ને કડક આદેશ આપ્યો છે. અદાલતે મૌખિક રીતે જણાવ્યું કે, "કોઈ પણ ચૂંટાયેલા સભ્ય જ્યાં સુધી અદાલત દ્વારા ગુનેગાર સાબિત ન થાય, ત્યાં સુધી તેમને મતદાન કરવાથી વંચિત રાખી શકાય નહીં." અદાલતે પોલીસ કસ્ટડીમાં રહેલા આપના બગડુ બેઠકના વિજેતા સભ્ય સંજય પાઘડારને મતદાન કરવાનો અધિકાર આપવા સ્પષ્ટ આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મતદાનના 24 કલાક પહેલા જ તાલુકા પોલીસે સંજય પાઘડારની અટકાયત કરી હતી, જેને આપ દ્વારા સત્તાધારી પક્ષનું કાવતરું ગણાવવામાં આવ્યું હતું.
સભાખંડમાં શું થયું? ભાજપના ઇન્દુબેન ભોજક પ્રમુખ પદે વિજેતા
આજે સવારે 11 વાગ્યે ચૂંટણી અધિકારી ચરણસિંહ ગોહિલની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતની સાધારણ સભા મળી હતી. કુલ સભ્યોમાંથી ભાજપના 9 અને આમ આદમી પાર્ટીના 5 સભ્યો સભામાં હાજર રહ્યા હતા. મતદાન દરમિયાન પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર ઇન્દુબેન ભોજક (યાજ્ઞિક) ને 9 મત મળતા તેમને વિજેતા જાહેર કરાયા હતા. જોકે, રસપ્રદ વાત એ રહી કે ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના અંજનાબેન મારુંને 14 મતો મળ્યા હતા, જે દર્શાવે છે કે હાજર રહેલા આપના 5 સભ્યોએ પણ ભાજપના ઉપપ્રમુખને મત આપ્યો હતો.
આપના અન્ય બે સભ્યોને પ્રવેશ ન મળતા હોબાળો
ચૂંટણી દરમિયાન પંચાયત પરિસરમાં ભારે તંગદિલી જોવા મળી હતી. સાધારણ સભા શરૂ થયા બાદ આમ આદમી પાર્ટીના અન્ય બે સભ્યો દક્ષાબેન ગજેરા અને ગોપાલ વઘેરા બરાબર 11 વાગ્યે કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ વહીવટી તંત્ર દ્વારા સભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ હોવાનું બહાનું ધરીને તેમને સભાખંડમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરાયો હતો. આ ઘટનાને પગલે પંચાયત ભવનની બહાર ભાજપ અને આપના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આપના સભ્ય દક્ષાબેન ગજેરાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સત્તા અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને વિપક્ષના સભ્યોને મતદાન કરતા રોકી રહ્યું છે, જે સીધેસીધી લોકશાહીની હત્યા છે.
રાજકીય ગરમાવો: ફરી ચૂંટણી યોજાશે તેવો 'આપ'નો દાવો
આ હાઈકોર્ટના આદેશ બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમારા સભ્યોને રોકવા માટે તંત્રએ આખું ષડયંત્ર રચ્યું હતું, જેના વિરોધમાં અમારે અદાલતના દ્વાર ખખડાવવા પડ્યા. અદાલતે લોકશાહીના પક્ષમાં ચુકાદો આપ્યો છે અને આગામી દિવસોમાં આ બેઠક પર ફરીથી કાયદેસર રીતે મતદાન પ્રક્રિયા યોજાશે જેમાં અમારી જીત નિશ્ચિત છે. હાલ આ વિવાદને કારણે જૂનાગઢનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?