નેતા-અધિકારીઓ હવે મનફાવે તેમ વિદેશ નહીં જઈ શકે!
ઇંધણ અને સરકારી ખર્ચ ઘટાડવા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Gujarat Govt New Rules: રાજ્ય સરકાર દ્વારા ઇંધણની બચત કરવા અને સરકારી ખર્ચમાં મોટો કાપ મૂકવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પગલું ભરવામાં આવ્યું છે. ગત સપ્તાહે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોને પગલે, સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને 11 નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નવા નિયમો અંતર્ગત તમામ સરકારી વિભાગો, કચેરીઓ અને ઉચ્ચ અધિકારીઓને બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને આધુનિક ટેક્નોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે, જેથી વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા અને કરકસર લાવી શકાય.
અધિકારીઓના બિનજરૂરી પ્રવાસો અને વિદેશ ટૂર પર લાગી બ્રેક
નવા પરિપત્ર અનુસાર, હવે સરકારી કામકાજ માટે માત્ર અત્યંત અનિવાર્ય સંજોગોમાં જ પ્રવાસનું આયોજન કરી શકાશે. ક્ષેત્રીય અધિકારીઓ કે કર્મચારીઓને સામાન્ય મિટિંગો માટે રૂબરૂ ગાંધીનગર કે મુખ્ય કચેરીએ બોલાવવાના બદલે ટેલિફોન, ઈ-મેઈલ, મોબાઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવા ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે. એટલું જ નહીં, અનિવાર્ય કારણો સિવાય અધિકારીઓના તમામ પ્રકારના વિદેશ પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. વિદેશમાં યોજાતી તાલીમ, સેમિનાર કે પરિષદોમાં પ્રત્યક્ષ ભાગ લેવાનું ટાળવા જણાવાયું છે. અન્ય રાજ્યો કે કેન્દ્ર સરકારની બેઠકોમાં પણ ઓનલાઈન જોડાવા અને જો જવું જ પડે તો ઉચ્ચ અધિકારીઓએ પોતાની સાથે વધારાનો સ્ટાફ ન લઈ જવા સ્પષ્ટ સૂચના અપાઈ છે. જિલ્લા બહારની મુસાફરી માટે પણ હવે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી પડશે.
વાહનોનો દુરુપયોગ અટકશે: વધારાની ગાડીઓ જમા કરાવવા આદેશ
ઇંધણના બગાડ અને વાહનોના ખોટા વપરાશને રોકવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. જે અધિકારીઓ એક કરતાં વધુ સરકારી હોદ્દાઓ કે વધારાનો હવાલો સંભાળી રહ્યા છે, તેમણે માત્ર એક જ મુખ્ય વાહન રાખવાનું રહેશે. તે સિવાયની તમામ વધારાની સરકારી ગાડીઓ તાત્કાલિક ધોરણે 'સરકારી વાહન પુલ' (Vehicle Pool)માં જમા કરાવી દેવી પડશે. આ ઉપરાંત, પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે જે અધિકારીઓ પાસે પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) કે હાઈબ્રિડ વાહનો ઉપલબ્ધ છે, તેમણે માત્ર EV કે હાઈબ્રિડ મોડલનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો પડશે. તમામ કર્મચારીઓને ખાનગી વાહનો છોડી મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાયા છે.
સરકારી કેન્ટીનમાં PNG ફરજિયાત અને સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય
સરકારે વહીવટી સુધારાની સાથે સાથે પર્યાવરણ અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવા પર પણ ભાર મૂક્યો છે. આગામી 6 મહિનાની અંદર તમામ સરકારી કચેરીઓની કેન્ટીનમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી મેળવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ સરકારી ખરીદીઓમાં મોટો ફેરફાર કરતા, તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો, ભારતીય મૂળની સેવાઓ અને MSMEsને અગ્રતા આપવા માટે ખરીદ નીતિ વધુ મજબૂત બનાવવામાં આવશે. વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે બજારમાં થતી બિનજરૂરી ખરીદી અને સંગ્રહખોરી રોકવા માટે સરકાર વિશેષ જનજાગૃતિ અભિયાન પણ ચલાવશે. તેમજ સરકારી કાર્યક્રમો અને લોકાર્પણો ભવ્ય કરવાના બદલે સાદગીપૂર્ણ અને વર્ચ્યુઅલ (ઓનલાઈન) પદ્ધતિથી યોજવાના રહેશે.
પ્રાઈવેટ સેક્ટરમાં 'વર્ક ફ્રોમ હોમ' લાવવા સરકારની મોટી યોજના
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા વપરાશ અને ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે સરકાર હવે ખાનગી ક્ષેત્રમાં પણ મોટા ફેરફારો કરવા વિચારી રહી છે. આ અંગે શ્રમ અને રોજગાર મંત્રીએ એક મહત્વપૂર્ણ સંકેત આપતા જણાવ્યું છે કે, કોર્પોરેટ સેક્ટરમાં શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચરને પ્રોત્સાહન આપવામાં આવશે. આ માટે સરકાર ટૂંક સમયમાં જ રાજ્યની મોટી ખાનગી કંપનીઓ, આઈટી સેક્ટર અને વિવિધ બિઝનેસ એસોસિયેશનો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ચર્ચા કરશે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં રોજિંદા ઓફિસ જવા-આવવાના કારણે ઇંધણનો મોટો વ્યય થાય છે, જેને રોકવા માટે ઓનલાઈન કાર્યપદ્ધતિ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?