Gandhinagar Forest Guards Protest: ગુજરાતમાં વન વિભાગના કર્મચારીઓની પડતર માગણીઓને લઈને ગાંધીનગરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વન રક્ષકો અને વન વિભાગના કર્મચારીઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયા હતા અને પોતાની વિવિધ માગણીઓના સમર્થનમાં ધરણાં પ્રદર્શન શરૂ કર્યું હતું. કર્મચારીઓએ ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવા, જોખમ ભથ્થું આપવા, પ્રમોશનની તકો વધારવા અને લાંબા સમયથી અટવાયેલા બદલીના પ્રશ્નો ઉકેલવાની માગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના નેજા હેઠળ યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો કરવા છતાં તેમના પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ આવ્યો નથી. હવે સરકાર અને વન વિભાગ દ્વારા વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી તેમની માગ છે.
વન રક્ષકોની 6 માગણીઓ શું છે?
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયેલા વન કર્મચારીઓએ મુખ્યત્વે આર્થિક લાભો, બઢતી અને વહીવટી પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે.
1. જોખમી ફરજ માટે રિસ્ક એલાઉન્સ આપો
વન રક્ષકો જંગલ વિસ્તારમાં મુશ્કેલ અને જોખમી પરિસ્થિતિઓમાં ફરજ બજાવે છે. વન્યપ્રાણીઓ સાથેના સંઘર્ષ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી દરમિયાન જોખમનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત સાથે કર્મચારીઓએ જોખમ ભથ્થું અથવા જાહેર સુરક્ષા ભથ્થું આપવાની માગ કરી છે.
2. ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરના ગ્રેડ પેનો વિવાદ ઉકેલો
ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટર વચ્ચેની ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવાની માગ પણ આંદોલનના મુખ્ય મુદ્દાઓમાં સામેલ છે. કર્મચારીઓએ આર્થિક અસમાનતા દૂર કરીને યોગ્ય નાણાકીય લાભ આપવાની રજૂઆત કરી છે.
3. રજાના પગારની ગણતરીમાં ફેરફાર કરો
કર્મચારીઓની માગ છે કે રજાના પગારની ગણતરી બેઝિક પગાર, મોંઘવારી ભથ્થું (DA) અને લાગુ પડતા અન્ય ભથ્થાઓના આધારે કરવામાં આવે. આ ઉપરાંત 48 દિવસની મર્યાદા દૂર કરીને લાગુ નિયમો મુજબ પૂરા દિવસોનો પગાર ચૂકવવાની પણ માગ ઉઠાવવામાં આવી છે.
4. ફોરેસ્ટર અને RFOની બંધ જગ્યાઓ ફરી શરૂ કરો
સરકારી કરકસર નીતિ હેઠળ બંધ કરવામાં આવેલી ફોરેસ્ટર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)ની જગ્યાઓ ફરી શરૂ કરવાની માગ કરવામાં આવી છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, જગ્યાઓ પુનઃ શરૂ થવાથી મહેકમ અને બઢતીની તકો અંગેના પ્રશ્નો ઉકેલવામાં મદદ મળી શકે છે.
5. સીધી ભરતીને બદલે ખાતાકીય બઢતીને પ્રાધાન્ય આપો
વર્ષોથી વન વિભાગમાં ફરજ બજાવતા અનુભવી કર્મચારીઓને બઢતીમાં પ્રાધાન્ય આપવાની માગ સાથે ફોરેસ્ટર અને RFOની સીધી ભરતી પ્રક્રિયા બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓએ પ્રમોશનનો રેશિયો સુધારવા અને ખાતાકીય બઢતીની પૂરતી તકો ઊભી કરવાની માગ કરી છે.
6. લાંબા સમયથી પડતર બદલીના પ્રશ્નો ઉકેલો
વન રક્ષકો અને ફોરેસ્ટરોની લાંબા સમયથી અટવાયેલી બદલીની અરજીઓનો નિકાલ લાવવાની માગ પણ કરવામાં આવી છે. કર્મચારીઓએ બદલી સંબંધિત પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા સરકાર અને વહીવટી તંત્રને અપીલ કરી છે.
‘સરકાર અમારી ન્યાયી માગણીઓ પ્રત્યે ઉદાસીન છે’
વિરોધ પ્રદર્શન અંગે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના જિલ્લા પ્રમુખ પ્રશાંતસિંહ વાળાએ જણાવ્યું હતું કે વન વિભાગના કર્મચારીઓ જંગલ અને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે જોખમી પરિસ્થિતિઓમાં ફરજ બજાવે છે, છતાં તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ આવતું નથી. તેમણે સરકારના વલણ અંગે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કર્મચારીઓની ન્યાયી માગણીઓ પ્રત્યે ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે. જો વહેલી તકે હકારાત્મક નિર્ણય નહીં લેવાય, તો આંદોલનને વધુ વેગવંતુ કરવાની ફરજ પડશે.
સરકારના નિર્ણય પર વન કર્મચારીઓની નજર
ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વન કર્મચારીઓએ પોતાની પડતર માગણીઓ અંગે રજૂઆત કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે તેમના આર્થિક લાભો, બઢતી અને બદલી સંબંધિત પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવવો જોઈએ. હવે રાજ્ય સરકાર અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ રજૂઆતો અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. જો માગણીઓ અંગે સંતોષકારક કાર્યવાહી નહીં થાય, તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી કર્મચારી મંડળ દ્વારા આપવામાં આવી છે.