ગુજરાત શિક્ષણ વિભાગનો વહીવટી માળખામાં ફેરફાર
ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યમાં 6 નવી DEO કચેરીઓ શરૂ કરવાની મંજૂરી આપી

DEO કચેરી

DEO કચેરી
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ અને ધરખમ નિર્ણય લેવામાં આવ્યો છે. 17 નવેમ્બરના રોજ મંજૂર કરાયેલા ઠરાવ મુજબ, રાજ્યમાં 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓ શરૂ કરવામાં આવશે. આ નવી કચેરીઓ અંજાર, અમદાવાદ શહેર (પૂર્વ વિસ્તાર), વડોદરા (ગ્રામ્ય), રાજકોટ (ગ્રામ્ય), સુરત (ગ્રામ્ય) અને ગાંધીનગર (ગ્રામ્ય) ખાતે વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ સાથે મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ હાલની DEO કચેરીઓનું વહીવટી ભારણ ઘટાડવાનો અને શાળાઓનું નિરીક્ષણ વધુ અસરકારક બનાવવાનો છે.
કામગીરીનું ભારણ ઘટાડવા કાર્યક્ષેત્રનું વિભાજન
રાજ્યમાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓની સંખ્યામાં થયેલા જબરજસ્ત વધારાને કારણે મોટા શહેરોમાં આવેલી વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ પર કામનું ભારણ ઘણું વધી ગયું હતું, જેના પરિણામે ઘણી ફાઈલો પેન્ડિંગ રહેતી હતી. આ સમસ્યાના નિવારણ માટે શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને, શિક્ષણ વિભાગે કચ્છ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને સુરત જિલ્લાની હાલની કચેરીઓના કાર્યક્ષેત્રનું વિભાજન કરીને નવી જગ્યાઓ ઊભી કરી છે. આ નવી DEO કચેરીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારીની નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને વર્ગ-2, 3 અને 4 ના કર્મચારીઓને હાલના મહેકમમાંથી તબદીલ કરવામાં આવશે.
ક્યાં કચેરીઓ શરૂ થશે અને વિભાજનની વિગતો
શિક્ષણ વિભાગે જે જિલ્લા કચેરીઓના વિભાજનને મંજૂરી આપી છે તેની વિગતો અને વૈકલ્પિક બેઠક વ્યવસ્થાના સ્થળો નીચે મુજબ છે:
કચ્છ: જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન અંજારમાં પૂર્વ DEO કચેરી અને કચ્છ-ભુજમાં પશ્ચિમ DEO કચેરીમાં કરવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તાર અંજાર હસ્તક 258 શાળાઓ અને પશ્ચિમ વિસ્તાર કચ્છ-ભુજ હસ્તક 329 શાળાઓ રહેશે.
અમદાવાદ શહેર: કચેરીનું વિભાજન પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગમાં કરાયું છે. પૂર્વ DEO કચેરીમાં 1242 શાળાઓ અને પશ્ચિમ DEO કચેરીમાં 650 શાળાઓ રહેશે.
વડોદરા: ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વિભાજન. ગ્રામ્ય DEO કચેરીમાં 298 શાળાઓ અને શહેર DEO કચેરીમાં 720 શાળાઓ રહેશે.
ગાંધીનગર: ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વિભાજન. ગ્રામ્ય DEO કચેરીમાં 271 શાળાઓ અને શહેર DEO કચેરીમાં 174 શાળાઓ રહેશે.
રાજકોટ: ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વિભાજન. ગ્રામ્ય DEO કચેરીમાં 590 શાળાઓ અને શહેર DEO કચેરીમાં 961 શાળાઓ રહેશે.
સુરત: ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વિભાજન. ગ્રામ્ય DEO કચેરીમાં 378 શાળાઓ અને શહેર DEO કચેરીમાં 1401 શાળાઓ રહેશે.
ફાળવણીની વાત કરીએ તો અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર માટે કુલ 47 જગ્યાઓ ફાળવવામાં આવી છે, જ્યારે પશ્ચિમ વિસ્તાર માટે 23 જગ્યાઓ રહેશે. વડોદરા ગ્રામ્ય માટે 13 અને શહેરી વિસ્તાર માટે 32 જગ્યાઓ રહેશે. આ નવા માળખાથી શિક્ષણ વિભાગના વહીવટમાં ઝડપ આવશે અને શાળાઓને વધુ સારી સેવા મળી શકશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?