Gujarat Weather Update: ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીનો ચમકારો વધવા લાગ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા ઠંડા અને સૂકા પવનોના કારણે અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3થી 5 ડિગ્રી સુધી નીચે નોંધાયું છે. હવામાનની વાત કરીએ તો અમરેલી 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જ્યારે કચ્છના નલિયા અને પાટનગર ગાંધીનગરમાં પણ ઠંડીનો પારો નોંધપાત્ર રીતે ગગડ્યો છે.
અમરેલીમાં સૌથી વધુ ઠંડી, નલિયા અને ગાંધીનગરમાં પણ કડકડાટ
21 નવેમ્બર, 2026ના તાપમાનના આંકડા પ્રમાણે અમરેલીમાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 5 ડિગ્રી ઓછું છે. કચ્છના નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી નીચું છે. જ્યારે ગાંધીનગરમાં પારો 12 ડિગ્રી સુધી ગગડ્યો છે, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી ઓછો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. રાજકોટમાં 13.2 ડિગ્રી, વડોદરામાં 13.4 ડિગ્રી અને પોરબંદરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી ઓછું રહ્યું છે. બીજી તરફ અમદાવાદમાં 16 ડિગ્રી અને સુરતમાં 16.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતાં શહેરીજનો વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
માઉન્ટ આબુમાં પારો શૂન્ય ડિગ્રી પર
ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનના જાણીતા પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પ્રકોપ વધ્યો છે. અહીં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઠંડા પવનોને કારણે સવાર અને સાંજના સમયે ઠંડી વધુ અનુભવાઈ રહી છે. લોકો ગરમ કપડાંનો સહારો લેવા લાગ્યા છે.
આગામી 24 કલાક તાપમાનમાં મોટો ફેરફાર નહીં
હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન આશરે 17 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં મોટાભાગે આકાશ સ્વચ્છ રહેવાની સાથે ઠંડીનો માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.
ઉત્તર-પૂર્વના પવનો અને હવામાનની સિસ્ટમથી ઠંડીમાં વધારો
હાલમાં ગુજરાત તરફ નીચલા સ્તરે ઉત્તર-પૂર્વ દિશામાંથી સૂકા અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સાંજના સમયે ભેજનું પ્રમાણ આશરે 28 ટકા સુધી નોંધાયું હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અસર કરનારું 'અકવાન' વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાયું હોવાની માહિતી આપવામાં આવી છે. ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ પવનની દિશા પર અસર થઈ રહી છે. આ હવામાન પ્રણાલીઓના કારણે પવનોની ગતિ અને દિશામાં ફેરફાર થતાં ગુજરાતમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે.
ગુજરાતમાં શિયાળાની ઠંડી ઘટવાની શક્યતા?
હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, પરંતુ લાંબા ગાળાના હવામાન પરિવર્તન અંગેના અનુમાનો ચિંતાજનક છે. સરકારના ક્લાઇમેટ ટ્રેકર ડેટા અનુસાર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતનું સરેરાશ લઘુત્તમ તાપમાન આશરે 12 ડિગ્રી રહે છે. જોકે, 2030 સુધીમાં શિયાળાના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે જ ઠંડીના દિવસોની સંખ્યા ઘટી શકે છે. લાંબા ગાળાના અનુમાન મુજબ, 21મી સદીના અંત સુધીમાં શિયાળાના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા છે. આથી હાલ ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોવા છતાં, હવામાન પરિવર્તનના કારણે ભવિષ્યમાં શિયાળાની ઋતુનું સ્વરૂપ બદલાઈ શકે છે.