ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી છૂટોછવાયો થી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclone Strom) સક્રિય થયું છે, જે આગામી 12 કલાકમાં લો પ્રેશર અને ત્યારબાદના 12 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આગામી બે દિવસ ક્યાં-ક્યાં મેઘરાજા મહેર કરશે?
21 મે...
હળવાથી મધ્યમ વરસાદ: સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી.
22 મે...
ભારે વરસાદ: છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ.
હળવાથી મધ્યમ વરસાદ : ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને કચ્છ.
રેડ અને ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં સાવધાન રહેવું?
હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે...
રેડ એલર્ટ: ગીર-સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી. આ વિસ્તારોમાં 62-87 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે.
ઓરેન્જ એલર્ટ: સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગરહવેલી. અહીં 41-61 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે મધ્યમ વાવાઝોડા અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે.
માછીમારો માટે ચેતવણી અને ચોમાસાનું આગમન...
આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના મતે, કેરળમાં આગામી 4-5 દિવસમાં ચોમાસાનું આગમન થશે. આ વર્ષે ગુજરાતમાં પણ સારું ચોમાસું જોવા મળશે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ નિર્માણ પામી રહી છે. વરસાદની આગાહીને પગલે, નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂરી તકેદારીના પગલાં લેવા વિનંતી છે