વિધાનસભા પછી ગ્રામ પંચાયતોની ચૂંટણીના ટકોરા: 28મેના રોજ તૈયારીઓની સમીક્ષા
રાજ્ય ચૂંટણી કમિશનર જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી તૈયારીઓની સમીક્ષા કરશે

8400 થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટાચૂંટણી 3 વર્ષથી વિલંબિત

8400 થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટાચૂંટણી 3 વર્ષથી વિલંબિત
કડી અને વિસાવદર વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થતાં રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેવા સમયે રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી છે. બુધવારે(28 મે) રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા નોડલ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યુ છે. આ કોન્ફરન્સમાં રાજ્ય ચૂંટણી કમિશનર ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ સમીક્ષા કરનાર હોવાથી આગામી દિવસોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની સંભાવના છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી કમિશનરે બુધવારે વીડિયો કોન્ફરન્સ રાખી છે. આ કોન્ફરન્સ દરમિયાન જિલ્લાના અધિકારીઓ સાથે ચૂંટણીને લઈને સમીક્ષા કરવામાં આવનાર છે. જેમાં મતદાન મથકોની તૈયારી, સ્ટાફની નિયુક્તિ, સામગ્રીની ઉપલબ્ધતા જેવી ચૂંટણીલક્ષી બાબતોની ચર્ચા કરવામાં આવશે. ગ્રામ પંચાયતો માટે સામાન્ય, મધ્યસત્ર, વિભાજન કે પેટા ચૂંટણી યોજાવાની હોય તો તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ જરૂરી મુદ્દાઓ પર વિચારણા કરાશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર 28મી મેનાં રોજ યોજાનારી કોન્ફરન્સમાં નોડલ અધિકારીઓ, RO અને ARO ની નિયુક્તિ, પોલીસ સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવો, મતદાન મથકોની 100 ટકા ફિઝિકલ ચકાસણી કરવા જેવી બાબતો આવરી લેવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરીને તેની યાદી તૈયાર કરવાનો પણ આદેશ આપવામાં આવશે.
આ ચૂંટણી બેલેટ પેપરથી થવાની હોવાથી જરૂરી બેલેટ પેપરની છપાઇ માટે પ્રિન્ટિંગ પ્રેસની પસંદગી, તેની ક્ષમતા અને સુરક્ષાની સમીક્ષા પણ ચર્ચાનો વિષય રહેશે. ચૂંટણીલક્ષી સામગ્રી અને સ્ટેશનરીની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે કે નહીં તેની પણ વિગતો પણ માગવામાં આવશે. કોમ્યુનિકેશન પ્લાન, મતપેટી, અવિલોપ્ય શાહી જેવી સામગ્રી ઉપલબ્ધ છે કે નહીં, સ્ટ્રોંગરૂમ તેમજ કાઉન્ટિંગ હોલની તૈયારી અંગે પણ જાણવામાં આવશે. મતગણતરી માટેના સ્ટાફની નિમણૂક અને તાલીમ અંગેનો કાર્યક્રમ પણ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવશે.
સરપંચ માટેના ઉમેદવારો કેટલો ખર્ચ કરી શકે અને તેના માટેના ધોરણો નક્કી કરવા માટે સમિતિ રચાયેલી છે કે કેમ તેની વિગતો પણ લેવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત હવે ટૂંક સમયમાં થાય તેવા સંકેત આપી રહી છે. વીડિયો કોન્ફરન્સ બાદ રાજ્ય ચૂંટણી પંચ કોઈપણ સમયે ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત 27 ટકાના બદલે 10 ટકા આપવામાં આવતાં વિવાદ થયો હતો. ત્યારબાદ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ ઓબીસી અનામત 27 ટકા કરવાનો નિર્ણય કરાયો હતો. અગાઉ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજ્યા બાદ હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી કરવામાં આવનાર છે. રાજ્યમાં 8400 થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટાચૂંટણી છેલ્લા ત્રણ વર્ષથી વિલંબિત છે. આ ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસન મૂકવામાં આવ્યુ છે. તેના કારણે ગામડાના લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી વહેલી તકે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તેવી ગામડાના લોકો માગ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!