મહાનગરપાલિકાઓની વર્ગ-1 અને વર્ગ-2ની ભરતીની પ્રક્રિયા માટે સરકારે હવે નવી વ્યવસ્થા ગોઠવી છે. હવે મહાનગરપાલિકામાં વર્ગ-1 અને 2ના અધિકારીની ભરતી GPSC કરશે
મળી રહેલા તાજા સમાચારો મુજબ રાજ્યની 17 મહાનગરપાલિકાઓમાં વર્ગ-1 અને વર્ગ-2ની ભરતીની પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર જાહેર કરાયો છે. અત્યાર સુધી મહાનગરપાલિકાઓમાં આ ભરતી સ્થાનિક સ્તરે મહાનગરપાલિકાઓ દ્વારા કરાતી હતી પણ હવે મહાનગરપાલિકાઓની વર્ગ-1 અને વર્ગ-2ની સીધી ભરતી હવે GPSCના નિયમો હેઠળ થશે.
સુત્રોએ કહ્યું કે અગાઉ મહાનગરપાલિકાઓ જરૂરિયાત મુજબ સ્થાનિક સ્તરે ભરતી કરી શકતી હતી પણ હવે આ પદો માટે તમામ ભરતીની દરખાસ્ત GPSCને મોકલવી પડશે. રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓ માટે આ નવી વ્યવસ્થા ગોઠવાઇ છે.
હવે મહાનગરપાલિકાઓના આ ઉચ્ચ અધિકારીઓના પદ માટે મહાનગરપાલિકાઓ દ્વારા GPSCને દરખાસ્ત મોકલવી ફરજિયાત છે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા GPSCના નિયમો મુજબ થશે. જો કે પસંદ થયેલી જગ્યા મહાનગરપાલિકાની ગણાશે, પરંતુ ખર્ચ મહાનગરપાલિકા વહન કરશે
બીજી તરફ ઉમેદવારો માટે પણ સારા સમાચાર આવ્યા છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે આયોગમાં ઇન્ટરવ્યુ આપવા આવનાર ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળો તથા બપોરે જમવાનું પણ આપવામાં આવશે. ઉપરાંત તેમણે માહિતી આપી કે નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું છે. આ કામ કરવાની ઇચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે.
ઉપરાંત હસમુખ પટેલે ટ્વીટમાં જણાવ્યું છે કે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ અરજી કરી શકે તેવી ગઈકાલની રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરી માં અરજી કરી શકે તેવો નિર્ણય આજે આયોગ લીધેલ છે.આ જાહેરાતમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પણ અરજી કરવાની તક આપવા માટે ગઈકાલે સુરત મેડિકલ કોલેજ ની વિદ્યાર્થીનીઓ રૂબરૂ મળેલ તેને ધ્યાનમાં લઇ અનુભવ સિવાયની તમામ ભરતીઓમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તેવો નિર્ણય આયોગે આજે લીધેલ છે.