Ahmedabad : હાલમાં લેવાયેલ GPSC વર્ગ 1 અને 2 ની પરીક્ષાના પરિણામોને લઈને ગુજરાતમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. એવી માહિતી બહાર આવી છે કે, OBC, SC, અને ST વર્ગના વિદ્યાર્થીઓને મુખ્ય લેખિત પરીક્ષામાં વધુ ગુણ હોવા છતાં, ઇન્ટરવ્યૂમાં જાણીજોઈને ઓછા માર્કસ આપીને તેમને અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. આ બાબત વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખૂબ જ ચિંતાજનક હોવાથી, આ મુદ્દે ચર્ચા-વિચારણા તથા આગામી રણનીતિ ઘડવા માટે OBC, SC, ST કર્મશીલોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક માટે તમામ મીડિયાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ગુજરાતમાં 'એકલવ્યના અંગૂઠા કાપવાનું' ષડયંત્ર? - જીગ્નેશ મેવાણી
ભરતભાઈના કહેવા મુજબ, ગુજરાતમાં એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે GPSCની મૌખિક પરીક્ષાઓમાં મોટાપાયે ગોટાળા થઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ મુજબ, GPSCની લેખિત પરીક્ષામાં ખૂબ સારા ગુણ લાવનારા વિદ્યાર્થીઓને મૌખિક પરીક્ષામાં જાણીજોઈને ઓછા ગુણ આપીને બહાર કરી દેવામાં આવે છે. આને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા નાગપુરથી પ્રેરિત વિચારધારાના ભાગરૂપે આદિવાસી, OBC અને દલિત સમાજના 'એકલવ્યના અંગૂઠા કાપવાનું' ષડયંત્ર અને કાવતરું ગણાવવામાં આવ્યું છે.
શિક્ષણનું વ્યાપારીકરણ અને દલિત, આદિવાસી, OBC સમાજ પર અસર...
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, OBC, આદિવાસી અને દલિત સમાજના બાળકોમાં 45% જેટલા કુપોષિત હોય છે, જેથી સ્પર્ધાત્મક પરીક્ષા પહેલા જ તેઓ આ રીતે બહાર નીકળી જાય છે. સરકારી શાળાઓને વ્યવસ્થિત રીતે બંધ કરવામાં આવી રહી છે, અને મોંઘવારીના કારણે ખાનગી શાળાઓ પહેલા પણ પોસાતી નહોતી. છેલ્લા દસ વર્ષોમાં શિક્ષણનું જે પ્રકારે વ્યાપારીકરણ અને બાજારીકરણ થયું છે, તેનાથી આ સમાજના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરવો વધુ મુશ્કેલ બન્યું છે. તેમને પ્રાઈવેટ શાળાઓમાં ભણવું પોસાતું નથી.
રાઈટ ટુ એજ્યુકેશનનો અમલ ન થવાનો આક્ષેપ...
યુ.પી. સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવવામાં આવ્યો, જેથી આવા વિદ્યાર્થીઓ સારી ખાનગી શાળાઓમાં ભણી શકે, પરંતુ ગુજરાતની ભાજપ સરકાર તેનો અમલ કરતી નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો. આ બધા છતાં, કાળી મજૂરી કરીને જે OBC, આદિવાસી, દલિત સમાજના વાલીઓ પોતાના બાળકોને ભણાવે છે, અને આ વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષામાં તેજસ્વી દેખાવ કરે છે, તેમને GPSC દ્વારા વ્યવસ્થિત રીતે મૌખિકમાં અત્યંત ઓછા માર્કસ આપીને પાડી દેવામાં આવે છે. જ્યારે લેખિતમાં અત્યંત ઓછા માર્કસ હોય તેવા વિદ્યાર્થીઓને મૌખિકમાં ખૂબ મોટી સંખ્યામાં ગુણ આપીને મોટા પદો પર બિરાજમાન કરવામાં આવે છે.
આંદોલનની ચીમકી...
આ અનીતિના વિરોધમાં આજે OBC, આદિવાસી, દલિત સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો અને અગ્રણીઓ એકત્ર થયા હતા. બે-અઢી કલાકની પરિચર્ચા અને ચિંતન બાદ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે, પહેલી જુલાઈના દિવસે આ 'એકલવ્યના અંગૂઠા કાપનારી નીતિ' વિરુદ્ધ ગાંધીનગરમાં એક મોટો અને તાકાતવાળો કાર્યક્રમ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં GPSC ની કચેરીને તાળું મારવાનો પણ પ્રયાસ કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વધુમાં જણાવ્યું કે, હવે ગુજરાતમાં અમે એકલવ્યના અંગૂઠા કાપવા દેવાના નથી. આ બાબતે આજે સૌ કૃતનિશ્ચયી અને સંકલ્પબદ્ધ થયા છીએ. આ તૈયારીના ભાગરૂપે, આગામી દિવસોમાં આખા ગુજરાતના 33 જિલ્લાઓમાં અને 250 થી વધુ તાલુકાઓમાં, તેમજ દરેક શહેરમાં, દલિત, આદિવાસી, OBC સમાજને જગાડવામાં આવશે. આ મુદ્દે તેમને રોડ પર ઉતારવા અને બંધારણીય માર્ગે લડત કરવા માટે પણ તૈયાર કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. આ માહિતી આ કોન્ફરન્સના માધ્યમથી આપવામાં આવી છે.