GPSC ની ભરતી પ્રક્રિયા પર ગંભીર સવાલો
ડાયરેક્ટ ભરતીમાં OBC ઉમેદવારો સાથે અન્યાયના આક્ષેપથી ખળભળાટ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
GPSC Recruitment Controversy: ગુજરાત લોક સેવા આયોગ (GPSC) ની ભરતી પ્રક્રિયાને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે અને પદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. છેલ્લા 25 વર્ષથી વર્ગ-1 અને વર્ગ-2 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા ક્લાસિસના સંચાલક ડૉ. બી. સી. રાઠોડ તથા કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ GPSC ની ડાયરેક્ટ ભરતીમાં ઓબીસી (OBC) ઉમેદવારો સાથે પક્ષપાત થતો હોવાના સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમનો દાવો છે કે લેખિત પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં જાણીજોઈને ઓછા માર્ક્સ આપી ઓપન મેરિટમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે. આ ઉપરાંત, કોંગ્રેસ નેતાએ પોલીસ ભરતીમાં મેદાનની દોડના માર્ક્સ રદ કરવા પાછળ પણ વર્તમાન ચેરમેન હસમુખ પટેલની ભૂમિકા હોવાનો આરોપ લગાવી ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે.
લેખિતમાં ટોપર પરંતુ ઇન્ટરવ્યૂમાં ફેલ: ડાયરેક્ટ ભરતીમાં માર્કિંગ સિસ્ટમ સામે આંગળી
ડૉ. બી. સી. રાઠોડે સ્પષ્ટતા કરી હતી કે GPSC માં રેગ્યુલર અને ડાયરેક્ટ એમ 2 પ્રકારની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં સૌથી વધુ વિવાદ ડાયરેક્ટ ભરતીમાં ઇન્ટરવ્યૂના માર્ક્સને લઈને સામે આવ્યો છે. આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું કે લેખિત પરીક્ષામાં અત્યંત ઊંચા ગુણ મેળવનારા OBC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં સરેરાશ અત્યંત ઓછા માર્ક્સ આપવામાં આવે છે. આ નીતિના કારણે આ ઉમેદવારો પોતાની યોગ્યતા હોવા છતાં ઓપન મેરિટમાં સ્થાન મેળવી શકતા નથી, જેનાથી અન્ય અનામત વર્ગના ઉમેદવારોને પણ મળવાપાત્ર હક્કનું નુકસાન થાય છે.
306 ની જગ્યાએ 727 ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવાયા
માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ મળેલી વિગતોનો હવાલો આપતા તેમણે 19 માર્ચ, 2025 ના રોજ જાહેર થયેલી 102 જગ્યાઓની ભરતીનો કિસ્સો પ્રકાશમાં લાવ્યો હતો. જાહેરાત અને નિયમો મુજબ 306 ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવાના હતા, પરંતુ તેની જગ્યાએ 727 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમાં પણ ઈડબલ્યુએસ (EWS) વર્ગના જ આશરે 231 ઉમેદવારોને સ્થાન અપાયું હતું, જેના કારણે ભરતી પ્રક્રિયાની શરૂઆતથી જ સામાજિક અનામતનું નિર્ધારિત પ્રમાણ જળવાયું નહોતું અને અન્યાયની શરૂઆત થઈ હતી.
404.20 માર્ક્સ લાવનારને ઇન્ટરવ્યૂમાં માત્ર 59.90 માર્ક્સ મળ્યા
આક્ષેપોને મજબૂત કરતા ડૉ. રાઠોડે આંકડાકીય વિગતો રજૂ કરી હતી કે OBC ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં સરેરાશ 404.20 જેટલા ઊંચા માર્ક્સ મેળવ્યા હોવા છતાં, ઇન્ટરવ્યૂમાં તેમને સરેરાશ માત્ર 59.90 જેટલા અત્યંત નીચા માર્ક્સ આપવામાં આવ્યા હતા. લેખિત અને ઇન્ટરવ્યૂના માર્ક્સ વચ્ચેનો આ મોટો તફાવત જ શંકા જન્માવે છે. આ પદ્ધતિથી OBC ઉમેદવારોને ઓપન મેરિટમાં જતા અટકાવી દેવામાં આવે છે, જેના કારણે વધુ ગુણ હોવા છતાં તેઓ મેરિટ લીસ્ટમાંથી બહાર થઈ જાય છે.
મેરિટમાં આગળ હોવા છતાં રિજેક્ટ
GPSC ની અન્ય પરીક્ષાઓના ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું કે 13 ડિસેમ્બર, 2024 ના રોજ લેવાયેલી આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષામાં પણ લેખિત મેરિટમાં ટોચના ક્રમે રહેલા અનેક OBC ઉમેદવારો આખરી પરિણામમાં નાપાસ જાહેર કરાયા હતા. આ જ રીતે ઔદ્યોગિક સુરક્ષા અધિકારી અને અન્ય ભરતીઓમાં પણ કુલ માર્ક્સ સામાન્ય કે EWS ઉમેદવારો કરતાં વધુ હોવા છતાં OBC ના ઉમેદવારોને પસંદગી યાદીમાંથી બાકાત રખાયા હતા. 3 અલગ-અલગ ભરતીઓની 110 જગ્યાઓ સામે 31 OBC ઉમેદવારો એવા હતા જેમના કુલ ગુણ પસંદ થયેલા ઉમેદવારો કરતાં વધુ હોવા છતાં તેમની પસંદગી કરવામાં આવી નહોતી.
ઇન્ટરવ્યૂમાં મનસ્વી માર્કિંગ પદ્ધતિ અને 15 હજાર ઉમેદવારોના ભવિષ્ય લટક્યા
RTI ના આધારે ડૉ. રાઠોડે વધુ એક ચોંકાવનારો દાવો કર્યો કે GPSC પાસે ઇન્ટરવ્યૂમાં માર્ક્સ આપવા માટેની કોઈ ચોક્કસ કે પારદર્શી માર્કિંગ પદ્ધતિ જ નથી. 3 સભ્યોની પેનલ અંદરોઅંદર ચર્ચા કરીને ગુણ નક્કી કરે છે, જેમાં ચેરમેનનો નિર્ણય આખરી રહે છે. હાલમાં આયોગમાં માત્ર 2 સભ્યો જ કાર્યરત હોવાના કારણે કામગીરી ઠપ થઈ ગઈ છે અને 15000 થી વધુ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી પેન્ડિંગ પડ્યા છે, જેથી ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.
પોલીસ ભરતીમાં દોડના માર્ક્સ રદ કરવા પાછળ ચેરમેનની ભૂમિકાનો આક્ષેપ
બીજી તરફ, કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ પણ આ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે GPSC ની લેખિત પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણ મેળવનાર OBC ઉમેદવારો સાથે ઇન્ટરવ્યૂમાં થતા અન્યાયની આકરી ટીકા કરી હતી. આ ઉપરાંત, તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ ભરતી પ્રક્રિયામાંથી ગ્રાઉન્ડ દોડના ગુણ દૂર કરવાના નિર્ણય પાછળ પણ વર્તમાન ચેરમેન હસમુખ પટેલની જ મુખ્ય ભૂમિકા રહી છે. તેમણે આ સમગ્ર ભેદભાવપૂર્ણ નીતિ અને નિર્ણય પાછળ તટસ્થ તપાસ કરાવવાની જોરદાર માગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?