હીરા ઉદ્યોગને સરકારનો સહારોઃ રત્ન કલાકારો માટે જાહેર કરાયું વિશેષ સહાય પેકેજ
અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની એક વર્ષની શાળાની ફી રાજ્ય સરકાર ચૂકવશે

હીરા ઉદ્યોગના નાના એકમોને ટર્મ લોનમાં ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય અને વીજદરમાં રાહત

હીરા ઉદ્યોગના નાના એકમોને ટર્મ લોનમાં ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય અને વીજદરમાં રાહત
આંતરરાષ્ટ્રીય કક્ષાએ હીરા ઉદ્યોગમાં મહામંદીના કારણે રત્ન કલાકારો અને નાના એકમોને મોટી અસર થઈ છે. હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારોને સહારો આપવા માટે રાજ્ય સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કર્યું છે. જેમાં અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની એક વર્ષની શાળા ફી રાજ્ય સરકારે ચુકવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હીરા ઉદ્યોગના નાના એકમોને ટર્મ લોનમાં વ્યાજ સહાય અને વીજદરમાં રાહત આપવાનો નિર્ણય કરાયો છે.
સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હીરા ઉદ્યોગ અને રત્ન કલાકારો માટે રાજ્ય સરકારના વિશેષ પેકેજની જાહેરાત કરી હતી. પેકેજની જાહેરાત કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આ સહાય પેકેજ હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગની સ્થિરતા જાળવવા માટે મહત્વનું પગલું છે.
મંત્રીએ ઉમેર્યુ કે, આ સહાય પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને અભ્યાસમાં અગવડ ન પડે અને શિક્ષણથી વંચિત ન રહે તે માટે ખાસ શાળા ફી સહાય આપવા નિર્ણય લેવાયો છે. શાળા ફીના 100 ટકા લેખે, બાળક દીઠ મહત્તમ રૂપિયા 13,500 ની મર્યાદામાં એક વર્ષ માટે ફી ચૂકવવામાં આવશે. આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા શાળાઓને શિક્ષણ વિભાગની પદ્ધતિ મુજબ ચૂકવવામાં આવશે.
સહાય માટે પાત્રતાના ધોરણો નિયત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 31 માર્ચ 2024 બાદ રોજગાર ગુમાવનાર રત્ન કલાકારને સહાય મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધુ, ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી હીરા ઉદ્યોગના કારખાનામાં કામગીરી કરી હોય અને હાલમાં હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોય તેને સહાય મળવાપાત્ર રહેશે. આ પેકેજની જાહેરાતથી 2 મહિનામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરવાની રહેશે. જિલ્લા શ્રમ અધિકારી-રોજગાર અધિકારીનું પ્રમાણપત્ર અથવા ડાયમંડ એસોસિએશનનો ભલામણપત્ર તેમજ બાળકોની શાળાની ફી અંગેનું શાળાનું પ્રમાણપત્ર આધાર-પુરાવા તરીકે જોડવાનું રહેશે.
હીરા ઉદ્યોગના એકમો માટે સહાયની જાહેરાત કરતા મંત્રીએ ઉમેર્યુ કે, એકમોની સ્થિરતા માટે ખાસ સહાય નિયત કરવામાં આવી છે. જેમાં એકમોને ટર્મ લોનની મહત્તમ રૂપિયા 5 લાખની મૂડી ઉપર 9 ટકાના દરે ત્રણ વર્ષ (01-07-2025 થી 30-06-2028) સુધી વ્યાજ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં પણ તા.01-07-2025થી એક વર્ષ માટે મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સહાય મેળવવા ઇચ્છુક એકમોએ જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી એક માસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ઉદ્યમ રજિસ્ટ્રેશન, લોન મંજૂરી પત્ર, જીએસટી રજિસ્ટ્રેશન, છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષના ટર્ન ઓવર અને વીજ વપરાશના આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
હીરા ઉદ્યોગના એકમો માટે સહાય અંગે પાત્રતાના ધોરણો નિયત કરવામાં આવ્યા છે. તે અંતર્ગત સૂક્ષ્મ એકમો (પ્લાન્ટ અને મશીનરીમાં રૂપિયા 2.5 કરોડ સુધીનું મૂડીરોકાણ), એકમે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ (2022-23, 2023-24, 2024-25) દરમિયાન હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું હોવું, ગત વર્ષ (2023-24) ની સરખામણીએ વીજ વપરાશમાં 25 ટકા અથવા તેથી વધુ ઘટાડો તેમજ એકમે તા.31-03-2025 પહેલાં ઉદ્યમ રજિસ્ટ્રેશન મેળવેલું હોવું જોઈશે.
સહાય માટે આવેલી અરજીઓની મંજૂરી માટે સમિતિનું ગઠન કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાની મંજૂરી સમિતિમાં અધ્યક્ષ તરીકે કલેક્ટર તેમજ સભ્યો તરીકે જિલ્લા શ્રમ અધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, લીડ બેંકના ઓફિસર તેમજ ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવશે. જ્યારે સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર હશે. આ સમિતિની બેઠક દર મહિને ઓછામાં ઓછી બે વખત મળશે.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં રત્ન કલાકારો બેરોજગાર બનતાં આર્થિક સ્થિતિ કફોડી બની હતી. તેથી ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આપેલી સમય મર્યાદામાં પેકેજ જાહેર નહી થતાં ડાયમંડ વર્કર યુનિયને હડતાળની ચીમકી આપી હતી. ત્યારબાદ કલેકટર અને લેબર વિભાગે બેઠકો કરવા છતાં કોઈ નિર્ણય નહી લેવાતાં 30 અને 31 માર્ચે રેલી યોજી હડતાળ કરવામાં આવી હતી. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે બેરોજગાર થવાથી અનેક રત્ન કલાકારોએ અન્ય વ્યવસાય અપનાવી લીધો છે. કેટલાક રત્ન કલાકારોને રોજગાર પણ ન મળતા આત્મહત્યા કરવી પડી છે. ડાયમંડ વર્કર યુનિયનના દાવા પ્રમાણે 16 મહિનામાં 71 રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?