મકાન ટ્રાન્સફરની સ્ટેમ્પ ડ્યૂટી માફ કરવાનો સરકારનો નિર્ણય માત્ર લોલીપોપ
શેર સર્ટીફિકેટ છે પરંતુ દસ્તાવેજ નહી ધરાવનારા લોકોને દંડની રકમમાં કોઈ રાહત નહીં

વર્ષ 1982 પછી દસ્તાવેજ કરાવતાં લોકોને સ્ટેમ્પ ડ્યૂટીથી ચાર ગણી રકમ દંડ રૂપે ભરવાની થતી હતી

વર્ષ 1982 પછી દસ્તાવેજ કરાવતાં લોકોને સ્ટેમ્પ ડ્યૂટીથી ચાર ગણી રકમ દંડ રૂપે ભરવાની થતી હતી
રાજ્ય સરકારે મકાન ટ્રાન્સફરની ભરવાપાત્ર ડ્યૂટીની રકમમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી ટ્રાન્સફર માટે ભરાતી 100 ટકા ડ્યૂટીની રકમમાંથી 80 ટકા ડ્યૂટી માફ કરી 20 ટકા ડ્યૂટી વસૂલ કરવાનો નિર્ણય કરાયો છે. સરકારના નિર્ણયથી શેર સર્ટિફિકેટ છે પરંતુ દસ્તાવેજ નથી તેવા મકાન માલિકોને સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી રાહત થશે. પરંતુ દંડની રકમમાં કોઈ ઘટાડો નહી કરાતાં મિલકત ધારકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
સરકારના નિર્ણય અનુસાર હવે મૂળ ડ્યૂટીના 20 ટકા તેમજ દંડની રકમ વસૂલ કરવામાં આવશે. હવે તબદિલીના કિસ્સામાં લોકોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી રાહત મળી છે. પરંતુ દંડની રકમનો વધારાનો નાણાકીય બોજ ચાલુ રહેશે. આ જાહેરનામાની જોગવાઈઓ સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદિલીઓ માટે લાગુ પડશે.
શેર સર્ટીફિકેટ છે પરંતુ દસ્તાવેજ નહી ધરાવનારા લોકો માટે નિર્ણય
મહેસાણાના એડવોકેટ કેતનભાઈ પટેલે બેનિફિટ ન્યૂઝને જણાવ્યું હતું કે, વર્ષ 1960 પછી ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીમાં મકાન ખરીદનારને એલોટમેન્ટ દસ્તાવેજના આધારે નહીં. પરંતુ શેર સર્ટિફિકેટને આધારે થતું હતું. શેર સર્ટિફિકેટ દસ્તાવેજની સમકક્ષ ગણાતા હતા. ֹવર્ષ 1995થી 2000 પછી સરકારે દસ્તાવેજ ફરજિયાત કરી નાખ્યો. દસ્તાવેજ ફરજિયાત થયા પછી સરકારે નિર્ણય કર્યો કે 1982 પછી બનેલી સોસાયટીઓએ શેર સર્ટિફિકેટ હોય તો પણ દસ્તાવેજ કરાવવા પડશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, થોડા સમય પછી નિર્ણયમાં સુધારો કરીને કહેવામાં આવ્યું કે 1982 પછી જે લોકો દસ્તાવેજ કરાવે છે તેમને સ્ટેમ્પ ડ્યૂટીથી ચાર ગણી રકમ દંડ રૂપે ભરવાની રહેશે. 1982 પછી જે મકાનો વેચાણ થતાં ત્યારે સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની બાકી હોય તેને ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી વેચનારને ભરવી પડતી હતી. દસ્તાવેજ પછી પણ વધુ એક સ્ટેમ ડ્યૂટી ભરવાની આવતી હતી. જેને લઈને લોકોમાં ભારે વિરોધ હતો. મિલકતના વેચાણ સમયે માલિકને ડબલ માર પડતો હતો.
રાજ્ય સરકારે કરેલી જાહેરાતને સમજાવતાં તેમણે કહ્યું કે, પરિપત્રમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર ડ્યૂટીની રકમ 20 ટકા પ્લસ દંડની રકમ મળીને સ્ટેમ્પ ડ્યૂટીથી વધારે નહીં લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે એક કેપ ફિક્સ કરવામાં આવી છે કે દંડ ગમે એટલો હોય પણ સ્ટેમ્પ ડ્યૂટીથી વધારેની રકમ વસૂલી શકાશે નહી. સ્ટેમ્પ ડ્યૂટીની 20 ટકા રકમ પ્લસ તમારે ભરવામાં આવતાં દંડની રકમ મળીને મૂળ સ્ટેમ્પ ડ્યૂટીથી વધારેની રકમ નહીં વસૂલી શકાય. જો કે, સરકાર જાહેરનામું બહાર પાડશે ત્યારે જ સ્ટેમ્પ ડ્યૂટી ભરવા અંગે સંપૂર્ણ સ્પષ્ટતા થઈ શકશે.
હાઈકોર્ટમાં પિટિશન કરવાની તૈયારી હતી
છેલ્લાં સપ્તાહ દરમિયાન સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ થયો છે. મેસેજની સાથે ગૂગલ ફોર્મ જોડેલું છે. તેમાં સ્ટેમ્પ ડ્યુટીથી ચાર ગણી રકમ દંડ સ્વરૂપે કરાયેલા નિર્ણય સામે હાઇકોર્ટમાં પિટિશન કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. આ અંગે રાજ્ય સરકારને જાણ થવાની સંભાવનાએ તાત્કાલિક નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સરકારની આ નીતિ નોન એપ્લિકેશન ઓફ માઈન્ડ જેવી હતી. સરકારને સારી આવક થતી હતી. પરંતુ લોકોને ખૂબ માર પડતો હતો.
સરકારના નિર્ણયમાં સરકારી હાઉસિંગ સોસાયટી અને પ્રાઇવેટ સોસાયટીઓનો ઉલ્લેખ છે. ટૂંકમાં 1982 પછી નોંધાયેલી સોસાયટી કે જેમણે શેર સર્ટિફિકેટ લીધેલું છે. પરંતુ પોતાના મકાનનો દસ્તાવેજ નથી કરાવેલો તે લોકો માટે આ નિયમ છે. જે લોકો સોસાયટી હેઠળ મકાન લે છે અને દસ્તાવેજ કરાવે છે તે લોકો માટે આ નિયમ નથી.
રિ-ડેવલપમેન્ટમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા બિલ્ડરોને ફાયદો થઈ શકે છે. સોસાયટી રિડેવલપમેન્ટમાં આપવાની થાય ત્યારે સોસાયટીમાં રહેતા લોકોના ઘરના દસ્તાવેજની વાત આવે. ત્યારે બિલ્ડર સાથે દંડ સ્વરૂપે ભરવામાં આવતી સ્ટેમ્પ ડ્યૂટી કોણ ભરશે એને લઈને વિવાદ થતો હતો અને રહીશો સ્ટેમ્પ ડ્યૂટી બિલ્ડરને ભરવાનું કહેતા હતા. તેના કારણે ઘણી જગ્યાએ સોદા અટકી જતા હતા.
સોસાયટીઓની મનસ્વી ટ્રાન્સફર ફી સામે રોક
ચાર મહિના પહેલાં રાજ્ય સરકારે હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફીને લઈ નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત મકાનનાં ખરીદ-વેચાણ સમયે હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફી કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ સુધીની ફી લઈ શકાશે. રાજ્યમાં 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ છે. આ સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા અન્વયે થતું હોય છે. આ સોસાયટીઓમાં કોઈ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરવામાં આવતી હોય ત્યારે સોસાયટી દ્વારા તે વ્યક્તિ પાસેથી ટ્રાન્સફર ફી વસૂલ કરવામાં આવે છે. આ ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાથી સોસાયટીઓ દ્વારા મનસ્વી રીતે મોટી ટ્રાન્સફર ફી વસૂલ કરવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં થતી હેરાનગતિ અટકાવવા, ટ્રાન્સફર સંબંધિત જરૂરી કાયદા અને નિયમો બનાવવાનું નક્કી કરાયું હતું. જેના અનુસંધાને વર્ષ 2024માં સહકારી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે સહકારી કાયદામાં થયેલા સુધારા અંતર્ગત નિયમો નક્કી કરી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરના ખરીદ-વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ સુધીની ટ્રાન્સફર ફી વસૂલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ટ્રાન્સફર ફીની જોગવાઈ વધુમાં વધુ છે. જેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ પોતાની મેળે રકમમાં ઘટાડો કરીને તેમના ઉપનિયમોમાં જોગવાઈ કરી શકે છે. પરંતુ વધુ રકમ તેઓ વસૂલ કરી શકશે નહીં. આ નિયમો અનુસાર કોઈપણ કાયદેસરના વારસદારને અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરવામાં આવેલી હશે તો પણ ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં. ઉપરાંત કોઇપણ વ્યક્તિ પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે કોઈના નામે ટ્રાન્સફર સમયે રકમ સોસાયટીઓ વસૂલ કરી શકશે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?