ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી
એક જ પરિવારના સાસુ-વહુના મોત, 25 ઘાયલ

ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી

ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી
Gondal Accident: પવિત્ર પુરષોત્તમ માસ નિમિત્તે ધાર્મિક સ્થળોના દર્શને નીકળેલા શ્રદ્ધાળુઓ માટે 25 મેની વહેલી સવાર કાળમુખી સાબિત થઈ છે. ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ પલટી મારી જતાં કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારના સાસુ-વહુના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે ચીસાચીસ અને કરુણ આક્રંદથી આખો રોડ ગુંજી ઉઠ્યો હતો.
ટ્રકને સાઈડ આપવા જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો
મળતી વિગતો મુજબ, ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી એક ખાનગી બસ (GJ18U 9985) 62 જેટલા શ્રદ્ધાળુઓને લઈને બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિકસ્થળોના દર્શનાર્થે રવાના થઈ હતી. તમામ સ્થળોએ દર્શન પૂરા કરી પરત ફરી રહેલી આ બસ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ ગોંડલના વોરા કોટડાથી બાંદરા જવાના રોડ પર પહોંચી હતી. આ માર્ગ સિંગલ પટ્ટી હોવાથી સામેથી આવી રહેલા એક ટ્રકને સાઈડ આપવા માટે ચાલકે બસ રિવર્સમાં લીધી હતી. આ દરમિયાન સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડની નીચે આવેલા ઊંડા ખાડામાં પલટી મારી ગઈ હતી.
મકવાણા પરિવારે ગુમાવ્યા સાસુ-વહુ
આ ગમખ્વાર અકસ્માતમાં બસ નીચે દબાઈ જવાથી બે મહિલાના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. મૃતકોની ઓળખ શાંતાબેન પુનાભાઈ મકવાણા (સાસુ) અને મંજુબેન રસિકભાઈ મકવાણા (વહુ) તરીકે થઈ છે. એક જ પરિવારના બે સભ્યોના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં ગાઢ નિદ્રામાં રહેલા મુસાફરો બસની અંદર ફસાયા બાદ 'બચાવો-બચાવો'ની બૂમો પાડી રહ્યા હતા.
સ્થાનિકો અને સામાજિક સંસ્થાઓનું ત્વરિત રેસ્ક્યૂ
ઘટનાની જાણ થતાં જ વોરા કોટડા અને દેવચડી ગામના સ્થાનિક યુવાનો અને સામાજિક કાર્યકરો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે બસના કાચ તોડીને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. બચાવ કાર્યમાં ગોંડલ નગરપાલિકાની 3, 108ની 4 અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સનો કાફલો જોતરાયો હતો. ધારાસભ્યના PA નિલેશ જેઠવા, અશોક પીપળીયા, નગરપાલિકા ઉપપ્રમુખ મનીષ રૈયાણી સહિતના અગ્રણીઓએ હોસ્પિટલ પહોંચી દર્દીઓની સારવારમાં મદદ કરી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ
તમામ ૨૫ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 5 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરાયા છે. અકસ્માતની ગંભીરતાને જોતા હેલ્પલાઈન 112નો સ્ટાફ અને ગોંડલ તાલુકાના IPS પ્રખરકુમાર સહિતનો ઉચ્ચ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?