ગીરમાં સિંહબાળના મોત બાદ વન વિભાગ એક્શન મોડમાં
વેક્સિનેશન અને ડી-ટીકિંગ અભિયાન શરૂ જાણો ગીરના સિંહો પર કઈ બીમારીનો છે ખતરો

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Gujarat Forest Deparment: ગુજરાતના ગૌરવ સમાન ગીરના સિંહોની સુરક્ષા અને તેમના સ્વાસ્થ્યને લઈને રાજ્ય સરકાર અત્યંત ગંભીર બની છે. તાજેતરમાં ગીર વિસ્તારમાં 4 સિંહ બાળના અકાળે થયેલા મૃત્યુને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. આ બેઠકમાં તેમણે સમગ્ર ઘટના અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને વન વિભાગને સખત સૂચનાઓ આપી હતી.એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીર જંગલમાં તાજેતરમાં સિંહબાળના મૃત્યુની ઘટનાએ વન વિભાગને વધુ સતર્ક બનાવી દીધું છે.
સિંહબાળના મોત પાછળ સંભવિત ચેપજન્ય કારણો અને પરોપજીવી જીવાતોના જોખમને ધ્યાનમાં રાખીને હવે વન વિભાગે ગીરમાં રહેલા સિંહોના આરોગ્ય સુરક્ષા માટે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. ખાસ કરીને સિંહો અને સિંહબાળમાં કોઈ ચેપજન્ય રોગ ન ફેલાય તે માટે વેક્સિનેશન અને ડી-ટીકિંગની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ગીર વિસ્તારમાં સિંહોના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સિંહબાળના મૃત્યુ બાદ તંત્ર વધુ સતર્ક
ગીર જંગલમાં સિંહબાળના મૃત્યુની ઘટના સામે આવ્યા બાદ વન વિભાગે કોઈપણ સંભવિત જોખમને અટકાવવા તાત્કાલિક પગલાં લીધા છે. સિંહોમાં ચેપજન્ય બીમારી અથવા ટીક જેવી પરોપજીવી જીવાતોના કારણે સ્વાસ્થ્ય પર અસર ન થાય તે માટે વિશેષ આરોગ્ય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.વન વિભાગનું માનવું છે કે સમયસર સારવાર અને સાવચેતીના પગલાંથી સિંહોના આરોગ્યને સુરક્ષિત રાખી શકાય છે.હાલ વન વિભાગ દ્વારા ગીરના વિવિધ વિસ્તારોમાં સિંહોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ ડી-ટીકિંગ પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે,જેના માધ્યમથી સિંહોના શરીર પર લાગેલા ટીક અને અન્ય જીવાતોને દૂર કરવામાં આવે છે.આ પ્રક્રિયા સિંહોમાં ચેપ ફેલાતો અટકાવવા અને તેમને સ્વસ્થ રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.વન વિભાગે ગીર વિસ્તારમાં નિષ્ણાત પશુચિકિત્સકો અને આરોગ્ય ટીમોને તૈનાત કરી છે.સિંહોની હલનચલન,ખોરાક,આરોગ્ય અને વર્તન પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈ સિંહમાં અસામાન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર અને જરૂરી તબીબી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
કેવી રીતે ફેલાય છે બેબીસીયા વાયરસ?
Babesiosis મુખ્યત્વે ટિક્સના કરડવાથી ફેલાય છે. ટિક્સ એવા નાના પરોપજીવી જીવાતો છે,જે પ્રાણીઓના શરીર પર ચોંટીને તેમનું લોહી ચૂસે છે. જો કોઈ ટિક્સ પહેલાથી સંક્રમિત પ્રાણીના સંપર્કમાં આવી હોય અને પછી તે બીજા સ્વસ્થ પ્રાણી પર ચોંટે,તો Babesia રોપજીવી નવા પ્રાણીના લોહીમાં પ્રવેશી જાય છે. ગીર જેવા જંગલોમાં સિંહો સતત ખુલ્લા પર્યાવરણમાં રહેતા હોવાથી તેઓ ટિક્સના સંપર્કમાં વધુ આવે છે.ખાસ કરીને વરસાદી અને ભેજવાળા માહોલમાં ટિક્સની સંખ્યા ઝડપથી વધે છે. પશુઓ, જંગલી સૂર, હરણ અથવા ભટકતા કૂતરાઓ પણ ટિક્સના વાહક બની શકે છે.કેટલાક કિસ્સામાં સંક્રમિત લોહી, ઘા અથવા માતાથી બચ્ચામાં પણ આ ચેપ ફેલાવાની શક્યતા દર્શાવવામાં આવે છે. જોકે મુખ્ય માર્ગ ટિક્સ જ ગણાય છે.
બેબીસીયા વાયરસ કેમ ઘાતક ગણાય છે
Babesiosisને ઘાતક માનવાનું મુખ્ય કારણ એ છે કે તે સીધા લોહી અને શરીરની મૂળભૂત કાર્યક્ષમતાને અસર કરે છે. લાલ રક્તકણો નષ્ટ થતાં શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે.પરિણામે હૃદય,મગજ અને અન્ય મહત્વપૂર્ણ અંગો પર દબાણ વધે છે.જંગલી સિંહોમાં એક વધુ મોટો પડકાર એ છે કે બીમારીની ઓળખ ઘણીવાર મોડે થાય છે. ખુલ્લા જંગલમાં સિંહ બીમાર છે કે નહીં તેની તાત્કાલિક જાણ થતી નથી.જ્યારે સુધી પ્રાણી નબળું પડી દેખાતું નથી,ત્યાં સુધી ચેપ ગંભીર સ્તરે પહોંચી ગયો હોય છે.આ ઉપરાંત જો એક જ વિસ્તારમાં ઘણા સિંહો ટિક્સના સંપર્કમાં આવે તો સમૂહમાં સંક્રમણ ફેલાવાનો ભય પણ રહે છે. ગીરના સિંહોની સંખ્યા વધતા તેમનો વિસ્તાર પણ માનવ વસાહતો અને પશુઓની નજીક આવી રહ્યો છે,જેનાથી ચેપજન્ય બીમારીઓના જોખમમાં વધારો થાય છે.
આ સંક્રમણનો ખતરો પહેલા ક્યારે જોવા મળ્યો હતો
વર્ષ 2018માં ગીર વિસ્તારમાં ઘણા સિંહોના મોત બાદ તપાસમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બબેસિયા જેવા પરોપજીવી સંક્રમણોની અસર સામે આવી હતી.તે સમયે વનવિભાગે તાત્કાલિક મોનીટરીંગ,સારવાર અને સેમ્પલ ટેસ્ટિંગ શરૂ કર્યું હતું.કેટલાક સિંહોને સારવાર માટે રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો હતો કે એક જ વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહો રહેતાં હોય ત્યારે કોઈપણ ચેપ ઝડપથી ફેલાઈ શકે છે. ત્યારબાદ સિંહોના વૈકલ્પિક નિવાસસ્થાન,આરોગ્ય મોનીટરીંગ અને રસીકરણ જેવી બાબતો પર ચર્ચા તેજ બની હતી.
સિંહોમાં કયા લક્ષણો જોવા મળે છે?
Babesiosisથી સંક્રમિત સિંહોમાં શરૂઆતમાં સામાન્ય નબળાઈ દેખાઈ શકે છે,પરંતુ ચેપ વધતા સ્થિતિ ગંભીર બનતી જાય છે.વન્યજીવ ડોક્ટરો અનુસાર નીચેના લક્ષણો ખાસ ધ્યાન ખેંચે છે: ભારે તાવ, ખોરાક છોડવો,સતત થાક, ચાલવામાં મુશ્કેલી, આંખોમાં પીળાશ, ઝડપી શ્વાસ, શરીરમાં પાણીની અછત અને અસામાન્ય વર્તન જેવા લક્ષણો જોવા મળી શકે છે. કેટલાક સિંહોમાં લોહીની ઉણપ એટલી વધી જાય છે કે તેઓ ઊભા પણ રહી શકતા નથી. સંક્રમણ વધુ ગંભીર બને તો કિડની, લિવર અને ફેફસાં પર અસર થવા લાગે છે. કેટલાક કિસ્સામાં મગજ સુધી અસર પહોંચતાં ન્યુરોલોજિકલ સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.
સિંહના મોતને લઇને પર્યાવરણ મંત્રીનું નિવેદન
પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે બેબીસીયા વાયરસ સંબંધિત સામે આવેલ માહિતીની ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં બે સિંહોના મોત અંગે વાયરસની આશંકા સામે આવી રહી છે. વન વિભાગ અને નિષ્ણાત વેટરનરી તબીબોની ટીમ સતત મેદાનમાં કાર્યરત રહી સિંહોની આરોગ્ય સ્થિતિ પર નજર રાખી રહી છે. શંકાસ્પદ કેસોની તાત્કાલિક ઓળખ, જરૂરી સારવાર અને વાયરસનો વધુ પ્રસાર અટકાવવા તમામ તકેદારીના પગલાં અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. ગુજરાત માટે ગીરના સિંહો માત્ર વન્યજીવ નથી, પરંતુ ગૌરવ, વારસો અને લાગણીનું પ્રતિક છે. વિશ્વભરમાં મોડલરૂપ ગણાતી ગુજરાતની સિંહ સંરક્ષણ વ્યવસ્થા આ અનમોલ ધરોહરના સુરક્ષા અને સંવર્ધન માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્યરત છે.
સિંહોના મોત અંગે વન વિભાગની સ્પષ્ટતા
સિંહને કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર આપી આઇસોલેટ કરી દેવામાં આવે છે.જેથી કરીને બીજા કોઇ સિંહને કોઇપણ પ્રકારનું જોખમ કે સંક્રમણ ન ઉભું થાય.બે બાળ સિંહના જ ન્યુમોનિયાથી મોત નિપજ્યાં છે.સિંહની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી આ રોગ વધુ લાગુ પડે છે.અન્ય 2 સિંહના કુદરતી મૃત્યુ થયા છે. જ્યારે અન્ય એક સિંહનું ઇનફાઇટમાં મૃત્યુ નિપજ્યું છે. હાલ સિંહોમાં બેબીસિયા રોગચાળાની વાતને પણ વન વિભાગ દ્વારા નકારી કાઢવામાં આવી છે.ગીરમાં Babesiosisની આશંકાએ ફરી એકવાર સિંહ સંરક્ષણ અંગે ચર્ચા જગાવી છે.જો તપાસમાં આ સંક્રમણની પુષ્ટિ થાય છે તો આરોગ્ય મોનીટરીંગ વધુ કડક બનવાની શક્યતા છે. નિષ્ણાતો માને છે કે ગીરના સિંહો માત્ર ગુજરાતની નહીં પરંતુ સમગ્ર વિશ્વની કુદરતી વારસાની ઓળખ છે. તેથી કોઈપણ ચેપજન્ય ખતરા સામે ઝડપી અને વૈજ્ઞાનિક પગલાં લેવાં અનિવાર્ય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?