અમદાવાદમાં જર્મન શેફર્ડ કૂતરાનો 2 બાળક પર હુમલો
ન્યૂ મણિનગરમાં આવેલા શરણમ એલિગન્સ ફ્લેટમાં પાલતુ જર્મન શેફર્ડે 2 બાળકો પર હુમલો કર્યો

2 બાળક પર કુતરાનો હુમલો

2 બાળક પર કુતરાનો હુમલો
અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સ ફ્લેટમાં રહેતા પાલતુ જર્મન શેફર્ડ કૂતરા એ 2 બાળકો પર હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે. 5 નવેમ્બરના રોજ બપોરે આશરે 1 વાગ્યાની આસપાસ, જ્યારે કૂતરાના માલિક પાપાબેન ઉર્ફે સંગીતાબેન વનિયર કૂતરાને પાર્કિંગમાંથી લઈ જઈ રહ્યા હતા, ત્યારે 6 વર્ષનો એક બાળક ત્યાં રમી રહ્યો હતો. કૂતરાને જોઈને બાળક ગભરાઈને દોડવા લાગતાં જર્મન શેફર્ડ કૂતરા એ તેનો પીછો કરીને તેના પર હુમલો કરી દીધો.
બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા
બાળકના જમણા પગના સાથળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ જ દિવસે અન્ય એક બાળકને પણ આ જ જર્મન શેફર્ડ કૂતરા એ જમણા હાથની આંગળીઓ પર બચકું ભરી ઈજાગ્રસ્ત કર્યો હતો. બંને ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને વેક્સિન આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ફ્લેટમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

કૂતરાના માલિક સામે બેદરકારીની ફરિયાદ
બાળકો પરના હુમલા બાદ 1 બાળકના પિતા નિતેશ ગુંદેલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં કૂતરાના માલિક પાપાબેન ઉર્ફે સંગીતા વનિયર વિરુદ્ધ બેદરકારીપૂર્વક માનવ જીવન જોખમાય એ રીતે પાલતુ કૂતરાને ફેરવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોસાયટીના રહીશોએ દંપતી પાસે જર્મન શેફર્ડ કૂતરાને ન રાખવાની માંગણી કરી હતી, પરંતુ કૂતરાના માલિક દાદાગીરી પર ઉતરી આવતાં સોસાયટીવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: સુરત: કૂતરાઓએ 6 વર્ષની બાળકીને ફાડી ખાધી

300થી વધુ રહીશોએ કુતરાને હટાવવાની માંગ કરી
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ જર્મન શેફર્ડ કૂતરા એ આ અગાઉ પણ 1 વર્ષ પહેલાં અન્ય વ્યક્તિને કરડ્યો હતો, ત્યારે માલિકે માફી માંગી હતી અને કૂતરાને માસ્ક પહેરાવવું કે મોડી રાત્રે જ બહાર કાઢવા જેવા નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી, જેનું પાલન થોડા દિવસો બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું. મોડી રાત સુધી સોસાયટીમાં આ મામલે હાઈ-વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને 300થી વધુ રહીશો એકઠા થઈને કૂતરાને હટાવવાની માગ કરી હતી.



પાલતુ કૂતરાના રજિસ્ટ્રેશનની ધીમી પ્રક્રિયા
નોંધનીય છે કે, લગભગ 6 મહિના પહેલાં હાથીજણ વિસ્તારમાં એક રોટવીલર કૂતરાના હુમલામાં 4 માસની બાળકીનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ AMC દ્વારા શહેરમાં આશરે 50,000 પાલતુ કૂતરાના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, 1 જાન્યુઆરી, 2025થી આજ દિન સુધીમાં 50,000માંથી માત્ર 19,000 જેટલા જ પાલતુ કૂતરાના રજિસ્ટ્રેશન થયા છે, જે દર્શાવે છે કે, માલિકો દ્વારા આ પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે. AMCમાં નોંધાયેલા પાલતુ કૂતરાઓમાં સૌથી વધુ લેબ્રાડોર, જર્મન શેફર્ડ, શિત્ઝુ અને ગોલ્ડન રોટવીલર પ્રજાતિના કૂતરા લોકો પાળી રહ્યા છે.
કૂતરૂં કરડે ત્યારે શું કરવું જોઈએ?
કૂતરાના માલિકને પૂછો કે તેને રેબીઝની રસી આપવામાં આવી છે કે નહિ.
ઘાને તરત જ સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરો.
ડૉક્ટરની સલાહ મુજબ એન્ટી-રેબીઝ વેક્સિન સમયસર લેવામાં મોડું ન કરો. જો કરોડરજ્જુ કે ગળાના ભાગે બચકું ભર્યું હોય તો એન્ટી-રેબીઝ સીરમ (Tetanus) પણ લેવી પડી શકે છે.
કૂતરૂં કરડે ત્યારે શું ન કરવું?
ઘા પર ટાંકા ન લેવા અને એના પર એન્ટી-માઈક્રોબિયલ લોશન ન લગાવો.
ઘા પર ગાયનું છાણ, હળદર, મીઠું કે ઘી જેવા ઘરેલું ઉપચાર ન લગાવો.
નાહવાનું ટાળવા જેવી ગેરમાન્યતાઓથી દૂર રહો અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?