સુરતમાં ગેનીબેન ઠાકોર ભાજપના સાંસદના કર્યા વખાણ
રત્નકલાકારો માટે આર્થિક સહાયની માંગ અને સામાજિક કુરિવાજો ત્યાગવા ગેનીબેનની મક્કમ અપીલ

ઠાકોર સમાજના કાર્યક્રમમાં ક્રર્યો હુંકાર

ઠાકોર સમાજના કાર્યક્રમમાં ક્રર્યો હુંકાર
સુરતની ધરતી પરથી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સામાજિક એકતા અને રત્નકલાકારોના અધિકારો માટે બુલંદ અવાજ ઉઠાવ્યો છે. કતારગામ ખાતે આયોજિત ઠાકોર સમાજના સ્નેહમિલન સમારોહમાં તેમણે રાજકારણથી ઉપર ઉઠીને 'રાજધર્મ' અને 'સમાજ સુધારણા' પર ભાર મૂક્યો હતો.
૨૧ જાન્યુઆરીની રાત્રે સુરતના કતારગામ વિસ્તારમાં ઠાકોર સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગેનીબેન ઠાકોરે સુરત શહેરની પ્રગતિના મુક્તકંઠે વખાણ કર્યા હતા. તેમણે સુરતની સરખામણી દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે કરતા જણાવ્યું હતું કે, "જેમ મુંબઈ દેશને ચલાવે છે, તેમ સુરત ગુજરાતની આર્થિક કરોડરજ્જુ છે." તેમણે ઉમેર્યું કે સુરતમાં વસવાટ કરવો અને અહીં નાનો-મોટો વ્યવસાય કરવો એ હવે માત્ર જરૂરિયાત નહીં પણ એક 'સ્ટેટસ' બની ગયું છે.
રત્નકલાકારોની વેદના અને સરકારને રજૂઆતની ખાતરીસુરતના હીરા ઉદ્યોગમાં હાલ ચાલી રહેલી મંદી અંગે ગેનીબેને ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે રત્નકલાકારોના પરિવારો અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ મુદ્દે તેમણે મક્કમતાથી જણાવ્યું કે, "હું આ મામલે મૌન નહીં રહું. તમામ જરૂરી પુરાવાઓ એકત્ર કરીને હું પોતે નાણામંત્રી સમક્ષ રજૂઆત કરીશ જેથી મુશ્કેલીમાં મુકાયેલા રત્નકલાકારોને સરકાર તરફથી આર્થિક પેકેજ કે સહાય મળે."
ગોવિંદ ધોળકિયાના વખાણ અને 'રાજધર્મ'ની વ્યાખ્યારાજકીય મંચ હોવા છતાં ગેનીબેને ભાજપના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ગોવિંદભાઈએ ૨૫ વર્ષની મહેનતથી જે મુકામ હાંસલ કર્યો છે તે પ્રેરણાદાયી છે. આ પ્રસંગે તેમણે 'રાજધર્મ' સમજાવતા કહ્યું કે, રાજકીય કિન્નાખોરી રાખીને કોઈ પણ સમાજને નુકસાન પહોંચાડવું એ પાપ છે. તમામ જ્ઞાતિ-જાતિને સાથે રાખીને ચાલવું એ જ સાચો રાજધર્મ છે. તેમણે પોતાના સાંસદ બન્યા બાદ ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવેલા ભવ્ય સ્વાગતને સામાજિક સમરસતાના ઉદાહરણ તરીકે રજૂ કર્યું હતું.
એસઆઈઆર (SIR) નોંધણી અને સુરતમાં કાયમી વસવાટશહેરીકરણના આ યુગમાં લોકોના અધિકારો જળવાઈ રહે તે માટે તેમણે ખાસ અપીલ કરી હતી. એસઆઈઆરની કામગીરી હેઠળ ઠાકોર સમાજના લોકોને પોતાનું નામ નોંધણી કરાવવા તેમણે તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું કે જો લોકો સુરતમાં કાયમી ધોરણે સ્થાયી થવા માંગતા હોય, તો તેમણે પોતાના મતાધિકાર અને નામો સુરતમાં ટ્રાન્સફર કરાવવા જોઈએ જેથી તેમને સ્થાનિક સ્તરે સરકારી યોજનાઓનો લાભ મળી શકે.
સામાજિક સુધારા: દેખાડો બંધ કરવાની હાકલલેખિત બંધારણ અને સામાજિક કુરિવાજો પર પ્રહાર કરતા ગેનીબેને કહ્યું કે, લગ્નપ્રસંગોમાં થતો અંધાધૂંધ ખર્ચ અને સોના-ચાંદીના વહેવારો મધ્યમ વર્ગના પરિવારોને દેવાદાર બનાવી રહ્યા છે. તેમણે ઠાકોર સમાજને બિનજરૂરી ભપકા છોડીને શિક્ષણ અને આર્થિક બચત તરફ વળવા વિનંતી કરી હતી.
આ સંમેલને માત્ર ઠાકોર સમાજ જ નહીં, પણ સમગ્ર સુરતના શ્રમિક વર્ગમાં નવી આશા જગાડી છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.