નવરાત્રિના પાંચમા નોરતે ગરબાનો રંગ જામ્યો!
નવરાત્રિએ પરંપરા અને આધુનિકતાનું સંયોજન આપ્યું. ખેલૈયાઓ લોકગીતો અને નવા ગીતો પર જુમ્યા..
નવરાત્રીમાં ખેલૈયાઓનો રંગ જામ્યો
નવરાત્રીમાં ખેલૈયાઓનો રંગ જામ્યો
નવરાત્રિના પાંચમા દિવસે સમગ્ર ગુજરાતમાં ગરબાનો ઉત્સાહ ટોચ ઉપર પહોંચ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને વડોદરાના પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડ્સ હજારો ખેલૈયાઓથી ઉભરાયા હતા. આ નોરતે ખાસ કરીને યુવાધન 'તારા ફળિયામાં પગ નહીં મેલું...' અને 'રસિયો રૂપાળો રંગ રેલિયો' જેવા ગીતોના તાલે હિલોળે ચડ્યું હતું, જ્યારે અનેક સ્થળોએ ભારે ટ્રાફિક જામથી ગરબા રસિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગાંધીનગરમાં 'સફેદ પરિંદે' અને સ્ટાર્સનો જમાવડો
ગાંધીનગરમાં 'સફેદ પરિંદે પ્રીમિયમ ગરબા' ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યાં યુવક-યુવતીઓ સફેદ થીમના પોશાકમાં સજ્જ થઈને ગરબે ઘૂમ્યા હતા. આયોજનમાં લોકપ્રિય ગુજરાતી ગીતો પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી, અને બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ તિલક કરીને તેમનું સ્વાગત કર્યું હતું. સુરતમાં, ગુજરાતી ફિલ્મ 'ચણિયા ટોળી'ના પ્રમોશન માટે અભિનેતા યશ સોની અને હિના જયકિશન પહોંચ્યા હતા, જ્યારે રાજકોટમાં MGM ગરબા અને વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં વિશાળ સંખ્યામાં ખેલૈયાઓ ઉમટ્યા હતા.
અમદાવાદમાં ટ્રાફિક જામ: ઉત્સાહ પર અવ્યવસ્થાનું ગ્રહણ
અમદાવાદમાં ગરબાનો ઉત્સાહ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો, પરંતુ SG હાઈવે પર થયેલા ભારે ટ્રાફિક જામને કારણે ખેલૈયાઓને પાર્ટી પ્લોટ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી. ઇસ્કોન બ્રિજ પાર કરવામાં જ 40 મિનિટનો સમય લાગ્યો હતો. જોકે, ગરબામાં બ્રેક દરમિયાન ખેલૈયાઓએ કોફી અને પિત્ઝાનો નાસ્તો કરીને ફરીથી ઉર્જા મેળવી હતી. આ ઉપરાંત, સોલા ભાગવત જંક્શન પાસે ફક્ત પરંપરાગત ગરબાનું આયોજન પણ ધ્યાન ખેંચી રહ્યું છે.
લોકગીતો અને ટ્રેન્ડિંગ ગીતોનું સંયોજન
આ નવરાત્રિમાં પરંપરા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું. રાજકોટમાં યુવાનો 'તારા ફળીયામાં પગ નહીં મુકું...' જેવા ટ્રેન્ડિંગ ગીતો પર ઝૂમી રહ્યા હતા, જ્યારે સુરતના શેરી ગરબામાં 'રમતી આવે માડી' જેવા પરંપરાગત ગીતોનો તાલે ખેલૈયાઓ થનગનતા હતા. આ નવરાત્રિ માત્ર ગીત-સંગીત અને ડાન્સ પૂરતી સીમિત ન રહેતા, સ્ટાર પર્ફોર્મન્સ, વિવિધ થીમ્સ અને સુરક્ષાના પ્રયાસોનું અનોખું મિશ્રણ બની રહી છે.
ગરબા શરુ થતાની સાથે જ ગાંધીનગરના બહિયલ ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ચાલુ ગરબા સમયે બે જુથ વચ્ચે સોશિયલ મીડિયા પોસ્ટ બાબતે અથડામણ થતા પથ્થરમારાના દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસે પૂરી રાત કોમ્બિંગ કરી માહોલ ઠરવાની કોશિશ કરી હતી. જેમાં ગઈકાલે બહિયલ ગામમાં ગૃહ રાજ્યમંત્રી ખુદ પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માતાજીની પૂજામાં ગ્રામજનો સાથે ભાગ પણ લીધો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?