સુરત શહેરમાં ફરી એકવાર કુખ્યાત ગેંગસ્ટર સજ્જુ કોઠારીની મિલકત સામે તંત્રે કડક કાર્યવાહી કરી છે. તેણે સરકારી જમીન પર દબાણ કરીને બનાવેલા ગેરકાયદેસર માળખાને મનપાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ધરાશાયી કરી દીધું છે.
સજ્જુ કોઠારીના નામે ખંડણી, મારામારી, ગુજસીટોક, હત્યા, લૂંટ, અપહરણ, જુગાર અને અન્ય અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે સુરત શહેરનો ખૂંખાર ગુનેગાર ગણાય છે.
બે મહિના અગાઉ પણ નાનપુરા વિસ્તારમાં આવેલી ઝમરુખ ગલીના ઘરમાંથી તેના ગેરકાયદેસર હિસ્સાનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તે સમયે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સેન્ટ્રલ ઝોનની દબાણ ટુકડીએ કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક નાગરિકોએ પણ આ કામગીરીનું સમર્થન કર્યું હતું.
સજ્જુ કોઠારીના વિરુદ્ધ બે વખત ગુજસીટોક લગાવવામાં આવ્યું છે - જે ગુજરાતમાં એકમાત્ર એવો કેસ છે. પોલીસે તેને અને તેના સાથીઅલ્લારખાને પકડીને લાજપોર જેલમાં મોકલ્યા હતા. પરંતુ જેલમાં પણ તેમણે નિયમો તોડ્યા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી છે. ત્યારપછી તેને પોરબંદરની જેલમાં ટ્રાન્સફર કરાયો હતો.
26 માર્ચ, 2022ના રોજ પોલીસે નાનપુરાના તેના ઘરમાંથી ગુપ્ત રૂમમાંથી સજ્જુ કોઠારીને પકડ્યો હતો.