Surat Ganesh Utsav 2026: સુરતમાં ગણેશોત્સવ 2026ની તૈયારીઓ વચ્ચે ભક્તિની સાથે ફેશનનો ટ્રેન્ડ પણ ઝડપથી વધી રહ્યો છે. ગણપતિ બાપ્પાના આગમન અને વિસર્જન યાત્રા માટે યુવાનો અને ગણેશ મંડળોમાં ફેશનેબલ કુર્તાની ડિમાન્ડ વધી છે. ખાસ કરીને થીમ આધારિત ડ્રેસિંગ, ગ્રુપ લુક અને એકસરખા કુર્તાના કારણે સુરતના ગારમેન્ટ બજારમાં વેપારને વેગ મળ્યો છે. વેપારીઓના અંદાજ મુજબ, ગણેશોત્સવ દરમિયાન સુરતમાંથી કુર્તાનો રૂ.20 કરોડથી વધુનો વેપાર થવાની શક્યતા છે.
ગણેશ મંડળોમાં થીમ આધારિત કુર્તાનો ટ્રેન્ડ
ગણેશોત્સવ દરમિયાન વિવિધ ગણેશ મંડળો હવે પોતાના સભ્યો માટે ખાસ ડ્રેસકોડ નક્કી કરી રહ્યા છે. આગમન યાત્રામાં આખું ગ્રુપ એકસરખા કુર્તામાં જોવા મળે તે માટે મોટા પ્રમાણમાં જથ્થાબંધ ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. આ વર્ષે એમ્બ્રોઈડરી, મોતી અને 20 એમએમ મિરર વર્કવાળા વી-નેક શોર્ટ કુર્તા યુવાનોની પસંદ બની રહ્યા છે. સિલ્ક અને કોટનના ફ્યુઝનવાળા કુર્તાની પણ સારી ડિમાન્ડ જોવા મળી રહી છે.
100થી 300 કુર્તાના બલ્ક ઓર્ડર
ગણેશોત્સવ શરૂ થાય તેના એકથી દોઢ મહિના પહેલાંથી જ સુરતના ગારમેન્ટ વેપારીઓને ગણેશ મંડળો તરફથી ઓર્ડર મળવા લાગ્યા છે. નાના અને મોટા મંડળો દ્વારા એકસાથે 100થી 300 કુર્તાના બલ્ક ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. સુરત ટેક્સટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગનું મોટું કેન્દ્ર હોવાથી સ્થાનિક બજાર ઉપરાંત દક્ષિણ ગુજરાત, વડોદરા અને મહારાષ્ટ્રમાંથી પણ કુર્તાના ઓર્ડર આવી રહ્યા છે.
સસ્તા સાદા કુર્તાની માગમાં ઘટાડો
અગાઉ ગણેશોત્સવ દરમિયાન રૂ.80થી રૂ.150 સુધીના સાદા કુર્તાની ભારે ડિમાન્ડ રહેતી હતી. જોકે, આ વર્ષે યુવાનોમાં ફેશનનો ક્રેઝ વધતાં એમ્બ્રોઈડરી અને મિરર વર્કવાળા કુર્તાની માગ વધી છે. સસ્તા કુર્તાની માગ ઘટતા કેટલાક વેપારીઓને જૂનો સ્ટોક રૂ.20થી રૂ.30 સુધીની ખોટમાં વેચવાની સ્થિતિ ઊભી થઈ હોવાનું જાણવા મળે છે.
સફેદ કુર્તા સૌથી વધુ પસંદ
ગણેશ આગમન યાત્રા માટે સફેદ કુર્તાની અંદાજે 80 ટકા ડિમાન્ડ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. સફેદ બાદ મરૂન, વાઈન, મોરપીંછ અને નેવી બ્લૂ રંગના કુર્તાની માગ છે. ગણેશ મંડળોના સભ્યો માટે 32થી 48 સાઇઝ સુધીના કુર્તા તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ભક્તિ સાથે ફેશનનો નવો સંગમ
સુરતમાં ગણેશોત્સવ હવે ભક્તિ, ઉત્સાહ અને ગ્રુપ ઓળખ સાથે ફેશનનો પણ ઉત્સવ બની રહ્યો છે. ગણેશજીની આગમન યાત્રા અને વિસર્જન દરમિયાન એકસરખા ડિઝાઈનર કુર્તામાં જોવા મળતા યુવાનોનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. કુર્તાની વધતી ડિમાન્ડને કારણે ગણેશોત્સવ પહેલાં સુરતના ગારમેન્ટ બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. વેપારીઓના અંદાજ પ્રમાણે ગણેશોત્સવ 2026 દરમિયાન સુરતમાં કુર્તાનો રૂ.20 કરોડથી વધુનો વેપાર થઈ શકે છે.