ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ LF.7નો પ્રથમ કેસ સામે આવતા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. દેશભરમાં અત્યાર સુધીમાં આ વેરિયન્ટના કુલ 4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત NB 1.8.1 નામના અન્ય નવા વેરિયન્ટનો પણ 1 કેસ નોંધાયો છે.
છેલ્લા બે અઠવાડિયામાં કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં જે વૃદ્ધિ થઈ રહી છે તે LF.7 અને NB 1.8.1 નામના 2 નવા વેરિયન્ટના કારણે હોવાનું પ્રાથમિક અનુમાન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા આ વેરિયન્ટ્સનો અભ્યાસ ચાલી રહ્યો છે.
LF.7 અને NB 1.8.1ના સામાન્ય લક્ષણોમાં ગળામાં ખરાશ, થાક લાગવો, સામાન્ય કફ, તાવ, માથામાં દુઃખાવો, સ્નાયુઓમાં દુઃખાવો, ઉબકા, ભૂખ ન લાગવી અને પેટની તકલીફોનો સમાવેશ થાય છે. NB 1.8.1 વેરિયન્ટ ખાસ કરીને અન્ય વેરિયન્ટ્સની તુલનાએ વધુ ઝડપથી ફેલાય છે.
ગુજરાતમાં આ LF.7 વેરિયન્ટનો કેસ ક્યા સ્થળે નોંધાયો છે તે વિશે હજી સુધી કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. રાજ્યમાં દરેક કોરોના પોઝિટિવ કેસનું જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવે છે જેથી વેરિયન્ટ ઓળખી શકાય.
ગુજરાતમાં હાલ કોરોનાના 28 એક્ટિવ કેસ છે અને તે આંકડાથી રાજ્ય દેશમાં ચોથા સ્થાને છે. જોકે, તજજ્ઞો જણાવે છે કે, હાલમાં કોઈ ગંભીર સ્થિતિ ન હોવાના સંકેત છે અને દર્દીઓની તબિયત સ્થિર છે.