એસ.જી. હાઈવે પર સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ
50 થી વધુ લોકોનું રેસ્ક્યૂ, ફાયર વિભાગની કામગીરી સામે સવાલો

એસ.જી. હાઈવે પર સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ

એસ.જી. હાઈવે પર સોલિટેર બિલ્ડિંગમાં ભીષણ આગ
Ahmedabad SG Highway Fire News: શહેરના સૌથી પોશ ગણાતા એસ.જી. હાઈવે પર મકરબા વિસ્તારમાં આવેલી સોલિટેર બિલ્ડિંગમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના 'બી' વિંગમાં ત્રીજા માળે લાગેલી આગ જોતજોતામાં ચોથા અને પાંચમા માળ સુધી પ્રસરી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ધુમાડાના ગોટેગોટા વચ્ચે ફસાયેલા 50 થી વધુ લોકોને ફાયર વિભાગે સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જ્યારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ વિસ્તારમાં લાગેલી આગને કારણે કલાકો સુધી દોડધામ મચી ગઈ હતી.
View this post on Instagram
શોર્ટ સર્કિટના કારણે ભભૂકી આગ, તૂટેલા કાચ સાથે બિલ્ડિંગમાં અફરાતફરી
પ્રાપ્ત માહિતી અનુસાર, 22 મેના રોજ બપોરે આશરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ સોલિટેર બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી 'ગીતા પાવર' નામની કંપનીમાં પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં મોટાભાગે આઈટી (IT) કંપનીઓ આવેલી હોવાથી સેંકડો કર્મચારીઓ ઓફિસમાં કામ કરી રહ્યા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બિલ્ડિંગના ચોથા અને પાંચમા માળને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આગની તીવ્ર ગરમીના કારણે બિલ્ડિંગના કાચ ધડાકાભેર તૂટીને નીચે પડવા લાગ્યા હતા, જેને પગલે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.
3 મિનિટનું અંતર કાપવામાં ફાયર ફાઇટરને લાગી 21 મિનિટ!
આ સમગ્ર ઘટનામાં અમદાવાદ ફાયર બ્રિગેડની ગંભીર બેદરકારી અને નબળા પ્લાનિંગ સામે મોટા સવાલો ઊભા થયા છે. સોલિટેર કોર્પોરેટ પાર્કથી પ્રહલાદનગર ફાયર સ્ટેશનનું અંતર માત્ર 1 કિલોમીટર જેટલું જ છે. સામાન્ય સંજોગોમાં ફાયર વિભાગની ગાડીઓ 3 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી જવી જોઈતી હતી. જોકે, કટોકટીના સમયે ફાયર ફાઇટરોને આ 1 કિલોમીટરનું અંતર કાપવામાં 21 મિનિટ જેટલો લાંબો સમય લાગ્યો હતો. સ્માર્ટ સિટીના દાવા કરતા તંત્રની આ ઢીલી કામગીરીને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો આગ વધુ વિકરાળ હોત, તો મોટી હોનારત સર્જાઈ શકી હોત.
કાચના પાર્ટિશન તોડીને 50 લોકોનું રેસ્ક્યૂ, 20 થી વધુ ગાડીઓ તૈનાત
ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 20 થી વધુ ગાડીઓ, હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને 80 જેટલા ફાયર જવાનોની મદદ લેવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે, ઓફિસોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર જવાનોએ કાચના પાર્ટિશન તોડવા પડ્યા હતા. ભારે જહેમત બાદ 50 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા હતા અને આગને સંપૂર્ણ નિયંત્રણમાં લેવામાં આવી હતી.
'બારીના રસ્તેથી 76 લોકો બહાર નીકળ્યા' - પ્રત્યક્ષદર્શીની આપવીતી
સોલિટેર બિલ્ડિંગના ત્રીજા માળે કામ કરતા એક પ્રત્યક્ષદર્શીએ ઘટનાની ભયાનકતા વર્ણવતા કહ્યું કે, "અમે ઓફિસમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ફાયર એલાર્મ વાગ્યું. અમે દરવાજો ખોલીને જોયું તો આખી લોબીમાં કાળો ધુમાડો હતો, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. અમે તરત જ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને બપોરે 2:45 વાગ્યે ફાયર વિભાગને ફોન કર્યો. બહાર નીકળવાનો મુખ્ય રસ્તો બંધ હોવાથી, અમે 302 થી લઈને 305 નંબરની ઓફિસના અંદાજે 76 લોકો બારી વાટે માંડ-માંડ બહાર ગેલેરીમાં નીકળ્યા હતા."
જીવરાજ પાર્કમાં પણ આગનો બીજો બનાવ: બંધ ફ્લેટમાં લાગી આગ
એસ.જી. હાઈવેની આ ઘટનાની સાથે જ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં પણ આગનો અન્ય એક બનાવ સામે આવ્યો હતો. અહીં આવેલા સહજાનંદ ફ્લેટના બીજા માળે એક બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. રહેણાંક વિસ્તારમાં આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરની ટીમે સમયસૂચકતા વાપરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ મકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?