અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓને લઈને હવે કોંગ્રેસે તીખી ચેતવણી આપી છે. AMCના પ્રિમોન્સૂન એક્શન પ્લાન સામે પ્રશ્ન ઉઠાવતા કોંગ્રેસે જાહેરમાં કહ્યું કે, “શહેરમાં જ્યાં ક્યાંય પણ વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાશે, ત્યાં તે વિસ્તારના AMC અધિકારીઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવાશે.”
વિપક્ષે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ ઠોસ કામગીરી થઇ નથી. AMC દર વર્ષે માત્ર દાવાઓ કરે છે, જ્યારે હકીકતમાં 1 ઇંચ વરસાદથી સમગ્ર શહેર "સ્માર્ટ સિટી"માંથી "સ્વિમિંગ પુલ સિટી" બની જાય છે.
2015માં અમદાવાદમાં 923 કિમીની સ્ટ્રોમ વોટર લાઇન હતી. 2024 સુધી તે માત્ર 980 કિમી થઈ છે, જ્યારે શહેરમાં 3,200 કિમીના રસ્તા છે. એટલે 10 વર્ષમાં ફક્ત 56 કિમી લાઇન ઉમેરાઈ છે, જે પાયમાલ વિકાસનું ચિત્ર ખંખેરી આપે છે.
વિપક્ષે વધુમાં ઉલ્લેખ કર્યો કે, વર્ષો પહેલા વર્લ્ડ બેંક પાસેથી 3,000 કરોડની લોન લેવાઈ હતી, જેને STP અને સ્ટ્રોમ વોટર લાઇનના કામ માટે ઉપયોગમાં લેવા કહીને લેવામાં આવી. છતાં તળાવો આજે પણ ઇન્ટરલિંક થયા નથી, મોટાભાગ ખાલી છે અને શહેરમાં હજારથી વધુ સ્પોટ એવા છે જ્યાં પાણી ભરાય છે.
કોંગ્રેસના નેતાઓએ કડક વાણીમાં જણાવ્યું કે, "આ વર્ષે ક્યાંય પાણી ભરાય તો તાત્કાલિક એ વિસ્તારના AMC અધિકારી સામે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવશે. હવે જવાબદારીથી ભાગી ન શકાય."