સુરેન્દ્રનગરના ખેડૂતોની અદાણી વીજ કંપની સામે લડત
મૂળીના કળમાદ ગામે કિસાન સંઘર્ષ સમિતિએ ખેડૂત સભા યોજીને આંદોલનનું રણશીંગુ ફૂંક્યુ

મૂળી તાલુકાના કળમાદ ગામમાં કિસાન સંઘર્ષ સમિતિની બેઠક યોજાઈ હતી

મૂળી તાલુકાના કળમાદ ગામમાં કિસાન સંઘર્ષ સમિતિની બેઠક યોજાઈ હતી
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કળમાદ ગામમાં કિસાન સંઘર્ષ સમિતિ આયોજીત ખેડૂત સભા યોજાઈ હતી. આ સભામાં મહાકાય રાક્ષસી વીજ કંપનીઓ સામે ખેડૂતોએ લડત શરૂ કરવા નિર્ણય કર્યો હતો. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 8 -10 ગામોના ખેડૂતોની સભાનું આયોજન કરી ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા. ખેડૂત સભામાં કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા, ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડીયા, મહેશ રાજકોટિયા, રામકુ કરપડા સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા.
મૂળી તાલુકાના કળમાદ ગામમાં કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા મોટી ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું. ખેડૂતોએ મહાકાય વીજ લાઈનો અને ખાનગી વીજ કંપનીઓના હેતુ સામે એકતા અને જાગૃતિ બતાવી. મુખ્ય મુદ્દો કંપનીઓ દ્વારા જમીનનો ઉપયોગ કરતી વખતે યોગ્ય વળતર ન આપવાનો હતો. ખેડૂતોએ પોતાની જમીનના અધિકાર માટે સ્પષ્ટ માગણી રજૂ કરી, જેમાં 2013ના જમીન સંપાદન કાયદા અનુસાર માર્કેટ ભાવના ચાર ગણું વળતર, વિજ ટાવર માટે ઓછામાં ઓછું 2 કરોડ રૂપિયાનો વળતર અથવા ભાડું, અને અન્ય અનધિકૃત પ્રવેશો પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
કિસાન સંઘર્ષ સમિતિએ માગણી કરી છે કે, તમામ વીજ ટાવર અને લાઈનો માટે ખેડૂતોને ન્યાયિક અને કાયદાકીય અધિકાર મુજબ વળતર મળવું જોઈએ. કૃષિ જમીન પર ભાડા આપવાના ઉદાહરણ અને મલ્ટિપલ પરિપત્રો રદ કરી ખેડૂતોના હિતમાં કાયદાનો અમલ કરવામાં આવે. આગામી 6 જાન્યુઆરીખે મોરબી કલેક્ટર કચેરીમાં ખેડૂતો આવેદનપત્ર આપી તેમની માગણીઓ રજૂ કરશે. આ લડતમાં મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ જિલ્લાના ખેડૂતો પણ જોડાશે.
આ લડતથી ખેડૂતોની એકતા વધારવી અને વીજ કંપનીઓની દાદાગીરી સામે કાયદાકીય હક્કોનું રક્ષણ કરવું મુખ્ય હેતુ છે. ખેડૂત આ પ્રયાસ દ્વારા પોતાની જમીનના અધિકાર અને યોગ્ય વળતર મેળવવા માટે મક્કમ છે. ખેડૂત આગેવાનું માનવું છે કે, ખાનગી કંપનીઓ દ્વારા વીજ લાઇન નાખવી એ સેવા નથી. પરંતુ કંપનીઓનો ધંધો છે તેવું હવે ખેડૂતોનો સમજાઈ ગયુ છે. મિલકત ધારણ કરવાનો અધિકાર બહુ સ્પષ્ટ કહે છે કે જ્યારે કોઈપણ ધંધો કરતી વ્યક્તિ પોતાના ધંધા માટે બીજી વ્યક્તિની મિલકતનો ઉપયોગ કરે તો તેને ભાડું આપવું જોઈએ અથવા તો મિલકત વેચાણ લેવી પડે. તેના સિવાય બીજી વ્યક્તિની મિલકતનો ઉપયોગ કરી શકે નહીં. કાયદો બીજી વ્યક્તિની મિલકત ઉપયોગ કરવા સામે રક્ષણ આપતો હોય ત્યારે રાજ્ય સરકાર ખાનગી કંપનીઓને ખેડૂતોના ખેતર(મિલકત)માં વીજ પોલ ઉભા કરવાની મંજૂરી કેવી રીતે આપી શકે?
ખેડૂત આગેવાનોએ રાજ્ય સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, અત્યારે વીજ લાઈનો નીકળે છે તે તમામ વીજ લાઈનો કાઢવા માટે કલેક્ટર ખેડૂતોને 1885 ના ધ ટેલિગ્રાફ એકટ મુજબ અથવા 2003 ના વિદ્યુત કાયદા મુજબ નોટિસ આપે છે. ત્યારે ખેડૂતોએ દરેક કલેક્ટરને સવાલ કર્યો છે કે તમે નોટિસ જે કાયદા મુજબ આપો છો એ જ કાયદા મુજબ ખેડૂતોને વળતર કેમ નથી આપતા? જ્યારે વળતર આપવાનું આવે છે ત્યારે તમે 1885 નો કે 2003 ના કાયદા મુજબ 'ઓછામાં ઓછું નુકશાન વધારેમાં વધારે વળતર' ની વ્યાખ્યા મુજબ વળતર આપવાને બદલે ખાનગી કંપનીઓ માટે કરેલા 2017, 2021, 2022, 2024, 2025 ના પરિપત્રો મુજબ જંત્રી ભાવે વળતરની ગણતરી શા માટે કરો છો?
ખાનગી કંપનીઓ માટે રાજ્ય સરકાર કામ કરતી હોય તેવો આક્ષેપ કરતાં પાલ આંબલિયાએ કહ્યું કે, રાજ્ય સરકારના ઉર્જામંત્રીએ ગત મહિનામાં લાગુ પડતા જિલ્લાના કલેક્ટરો અને ખાનગી કંપનીઓના મેનેજરો સાથે વીડિયો કોન્ફરન્સમાં મીટિંગ કરી કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે તમારે 2013 ના જમીન સંપાદન કાયદા મુજબ(બજારભાવના ચાર ગણું) વળતર નક્કી નથી કરવાનું. તમારે રાજ્ય સરકારે કરેલા પરિપત્રો મુજબ જ વળતર આપવાનું છે.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માગણીઓ
-વીજ ટાવર લાઇનમાં થાંભલા-તાર નાખવા માટેના ધ ટેલિગ્રાફ એકટ 1885 અને ઇલેક્ટ્રિસિટી એકટ 2003 નાબૂદ કરો
-વીજ ટાવર લાઇનમાં થાંભલા-તાર નાખવા માટે જમીન સંપાદનનો કાયદો 2013 નો અમલ કરો એટલે કે જમીનના બજારભાવના 4 ગણું વળતર આપો.
-440kv, 765kv કે તેનાથી વધારે કિલોવોટનો વીજ પ્રવાહ વહન કરતી તમામ વીજ ટાવર લાઇનના થાંભલા દીઠ ઓછામાં ઓછું 2 કરોડ વળતર આપો અથવા તો મોબાઈલ ટાવરવાળા, પવનચક્કીવાળા ફિક્સ માસિક/વાર્ષિક ભાડું આપે છે તેમ પોલ દીઠ ભાડું આપો
-વીજ ટાવર લાઇનમાં થાંભલા-તાર નાખવા માટે કાયદાથી ઉપરવટ જઈ રાજ્ય સરકારે તારીખ 01/01/ 2017 થી 31/12/2025 ના સમયગાળામાં વીજ લાઈનો બાબતે કરેલા તમામ પરિપત્રો રદ્દ કરો
-વીજ ટાવર લાઇનમાં થાંભલા-તાર નાખવા માટે કંપની માટે પોલીસ કામ કરતી હોય તેવી રીતે પોલીસની દાદાગીરી વાળો હસ્તક્ષેપ સંપૂર્ણપણે બંધ કરો
-ધ ટેલિગ્રાફ એકટ 1885 ની કલમ 16(1) મુજબ કલેક્ટર દ્વારા થયેલા તમામ હુકમો રદ્દ કરો
-ચોક્કસ નક્કી થયેલા વિસ્તાર (કોરિડોર) સિવાયના ખેડૂતોના ખેતરની જગ્યાનો ઉપયોગ કે, ખેડૂતોના ખેતરના રસ્તાનો ઉપયોગ વીજ કંપનીઓ કરે છે ત્યારે એ કંપનીઓ દ્વારા બિન અધિકૃત પ્રવેશ ગણી ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે
-કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલો જમીન સંપાદન કાયદો 2013 માં ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016 માં કરેલા તમામ સુધારાઓ સંપૂર્ણપણે નાબૂદ કરો
-ગૌચરની જમીન, વાઈલ્ડ લાઈફ સેન્ચુરી, રિઝર્વ ફોરેસ્ટમાં પવનચક્કી, સોલાર ફાર્મ કે વીજ લાઇનના થાંભલા અને તાર કાઢવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવે. અગાઉ આવી ઘટના બની હોય તો તેને ત્યાંથી હટાવવામાં આવે
-2013 જમીન સંપાદનના કાયદામાં અનુસૂચિ 4 માં દર્શાવેલા 17 કાયદાઓ કેન્દ્ર સરકારના 28/08/2015 ના ગેઝેટ નોટિફિકેશન મુજબ અમલવારી કરવામાં આવે
-ખેડૂતની જમીનમાં વીજળીનો થાંભલો નાખવામાં આવે છે તે જમીનની કિંમત ડી- વેલ્યુએશન થઈ જાય છે અને આ વીજ ટાવર કાયમ માટે ખેડૂતોની જમીનમાં લગાવવામાં આવે છે. આથી આવતા 100 વર્ષ સુંધી નું વેલુએશન કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.