ખેડૂતો માટે 7000 કરોડથી વધુના રાહત પેકેજની સંભવના
કમોસમી વરસાદથી થયેલા નુકસાનના પગલે ખેડૂતો માટે 7000 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરાશે

રાહત પેકેજની સંભવના

રાહત પેકેજની સંભવના
ઓક્ટોબર માસના અંતે આવેલા કમોસમી વરસાદ એ ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને વ્યાપક અને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જેના પગલે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા ટૂંક સમયમાં જ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે. એક અંદાજ મુજબ, આ રાહત પેકેજ 7,000 કરોડથી વધુનું હોઈ શકે છે. આ પેકેજને અંતિમ સ્વરૂપ આપવા માટે આજે સવારથી જ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ટોચના અધિકારીઓ સાથે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રાથમિક સર્વેમાં નુકસાનીનો આંકડો 2000 કરોડનો હતો, પરંતુ સર્વે જેમ-જેમ આગળ વધતો ગયો તેમ-તેમ આંકડો વધતો ગયો છે. બિનસત્તાવાર અંદાજ મુજબ, કુલ નુકસાનીનો આંકડો 10,000 કરોડથી વધુનો મુકાઈ રહ્યો છે.
249 તાલુકાના 10 લાખ હેક્ટર પાક ધોવાયો
આ કમોસમી વરસાદથી રાજ્યના 249 તાલુકાના 16,387 ગામોમાં પાકનું ધોવાણ થયું હોવાની સંભાવના છે. અંદાજિત 10 લાખ હેક્ટર જમીનમાં ઊભો પાક સાફ થઈ ગયો છે. કુલ 85 લાખ હેક્ટર જમીનના વાવેતરમાંથી 51 લાખ હેક્ટરથી વધુના વાવેતરમાં વ્યાપક નુકસાન થવાનો અંદાજ છે. માવઠાની સૌથી ખરાબ અસર સૌરાષ્ટ્રનાં ગામડાંમાં થઈ છે, જ્યાં મગફળી અને કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. માત્ર મગફળીના પાકને જ 3,000 કરોડ અને કપાસને 1,000 કરોડથી વધુ નુકસાનીનો અંદાજ છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંય ગામડાંમાં પણ કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. આ વર્ષે ખેડૂતો એ કપાસના સારા ભાવ ન મળવાને કારણે મગફળીનું વાવેતર વધુ કર્યું હતું, જે નુકસાનીનું પ્રમાણ વધારી રહ્યું છે.
સર્વેની કામગીરી પૂર્ણતાના આરે અને ખેડૂતોનો આક્રોશ
સરકારે નુકસાનીનો સર્વે કરવા માટે 4,800 જેટલી ટીમોને કામે લગાડી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ કર્યો હતો, જેથી તુરંત જ રાહત પેકેજ જાહેર કરી શકાય. ગઈકાલ સુધીમાં 70% અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે પૂર્ણ થઈ ગયો હતો અને ધારણા છે કે આજ સાંજ સુધીમાં બાકીના 30% વિસ્તારોમાં પણ પાક નુકસાનીનો સર્વે પૂરો કરી દેવાશે. જોકે, રાહત પેકેજની જાહેરાત પહેલાં જ સૌરાષ્ટ્રનાં ગામડાંમાં ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. તેમની મુખ્ય માગણી સર્વેનું "નાટક" બંધ કરીને તાત્કાલિક પાક નુકસાનનું વળતર ચૂકવવાની અને લીધેલી બેંક લોન માફ કરવાની છે.
રાહત પેકેજની સરખામણી અને ચૂંટણી પર અસર
આ વખતની નુકસાનીની સ્થિતિ 2020 અને 2024ની સ્થિતિ કરતાં વધુ ગંભીર છે. 2020માં સરકારે કમોસમી વરસાદ માટે 3,795 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. ગયા વર્ષે 20 જિલ્લાના 136 તાલુકાનાં 6,112 ગામોમાં નુકસાન થતાં 1,462 કરોડના રાહત પેકેજની જાહેરાત થઈ હતી. અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ માટે પ્રતિ હેક્ટર 12,000થી 27,500 સુધીની સહાય જાહેર થઈ હતી. જોકે, આ વખતે નુકસાનનું પ્રમાણ જોતા રાહત પેકેજની રકમ વધારવી પડે તેમ છે. સરકારને આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ચિંતા છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ છે. તેથી, સરકાર રોષ ઘટાડવા અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને મહત્તમ ભરપાઈ મળી શકે તેવું પેકેજ તૈયાર કરવા પર ભાર મૂકી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?