રાહત પેકેજમાં ભેદભાવ?, કપાસ પકવતાં ખેડૂતોને સહાય, મગફળી માટે નહી!
ઓક્ટોબર-2024માં થયેલા માવઠાંથી નુકસાન બાબતે 6 જિલ્લાના ખેડૂતો માટે સહાય જાહેર

મગફળી પકવતાં ખેડૂતો માટે સહાય જાહેર નહી કરાતાં કિસાન કોંગ્રેસના નેતાનો વિરોધ

મગફળી પકવતાં ખેડૂતો માટે સહાય જાહેર નહી કરાતાં કિસાન કોંગ્રેસના નેતાનો વિરોધ
રાજ્ય સરકારે ઓક્ટોબર-2024માં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન બાબતે રાહત પેકેજ જાહેર કર્યુ છે. જેમાં 6 જિલ્લામાં કપાસના પાકના નુકસાન બાબતે સહાય જાહેર કરવામાં આવી છે. મગફળીના પાક માટે તેમજ અન્ય જિલ્લાના ખેડૂતો માટે સહાય જાહેર નહી કરાતાં કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ વિરોધ કરી રાહત પેકેજ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કૃષિ વિભાગે બુધવારે(9 જુલાઈ) છોટાઉદેપુર, અમરેલી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના કપાસના પાકમાં નુકસાન માટે પ્રતિ હેક્ટરે રૂપિયા 11 હજાર સુધીની સહાય જાહેર કરી છે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ખરીફ વાવેતર 2024-25માં કપાસના પાકમાં 33 ટકાથી વધુ નુકસાન માટે SDRFના ધોરણે પ્રતિ હેક્ટરે રૂપિયા 8500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 2500 મળી કુલ રૂપિયા 11 હજારની ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરી છે. છોટાઉદેપુર, અમરેલી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના કપાસના પાકમાં નુકસાન માટે પ્રતિ હેક્ટરે રૂપિયા 11 હજાર સુધીની સહાય જાહેર કરી છે.
કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે, રાહત પેકેજ માટે જિલ્લા વહીવટીતંત્રએ અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવાની રહેશે. ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે. વહીવટીતંત્રએ જાહેર કરેલા અસરગ્રસ્ત ગામોમાં કપાસના પાકમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન ધરાવતાં ખાતેદાર ખેડૂતને સહાય મળશે. નુકસાનની ગણતરી માટે કપાસના પાકનું વાવેતર ધરાવતો તલાટી કમ મંત્રીનો દાખલો ખેડૂતે રજૂ કરવાનો રહેશે. પુરાવા માટે પાક નુકસાનના ફોટોગ્રાફ કે અન્ય પુરાવા રજૂ કરવાના રહેશે.
આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂનામાં ગામ નમૂના નં.8-અ, તલાટીનો વાવતરનો દાખલો, ગામ નમૂના નં. 7-12, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતદારો પૈકી એક જ ખાતેદારના લાભ અપાય તે અંગેનો અન્ય ખાતદારોની સહીવાળો “ના-વાંધા અંગેનો સંમતિપત્રક” વગર સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને નિયત નમૂનામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર VCE-VLE મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ચુકવણું કરવાનું રહેશે નહીં.
રાજ્ય સરકારનો ઠરાવ પ્રસિદ્ધ થયેથી 14 જુલાઈ 2025 થી 28 જુલાઈ 2025 દરમિયાન ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ (ગામ નમના નં.8-અ દીઠ) એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો તમામ ખેડૂતો પૈકી કોઇ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે. આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે.
કૃષિ રાહત પેકેજ મુદ્દે કિસાન કોંગ્રેસના નેતાએ ઉઠાવ્યા સવાલ
રાજ્ય સરકારના કૃષિ વિભાગે ઓક્ટોબર-2024માં થયેલા કમોસમી વરસાદ બાબતે રાહત પેકેજ જાહેર કર્યુ છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર સુરેન્દ્રનગર જિલ્લા માટે પેકેજ જાહેર કરાયું છે. આ રાહત પેકેજ મામલે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ રાજ્ય સરકારની ભેદભાવભરી નીતિનો આક્ષેપ કરી વિરોધ કર્યો છે. કમોસમી વરસાદ વખતે સૌરાષ્ટ્રમાં મગફળીના પાકના પાથરા તણાયા હોવા છતાં મગફળીના પાક માટે રાહત પેકેજ જાહેર નહી કરવા મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં મગફળીના પાકમાં પણ રાહત પેકેજ આપવા માગ કરી છે. જ્યારે રાહત પેકેજમાંથી અન્ય જિલ્લાની બાદબાકી કરીને કૃષિમંત્રી અને ખેતી નિયામક રાજ્ય સરકારને બદનામ કરતાં હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!