ધુરંધરમાં 'બલોચ' ડાયલોગ સામે બલોચ સમાજનો ઉગ્ર રોષ
'મગરમચ્છ પે ભરોસા કર શકતે હે બલોચ પર નહિ' ડાયલોગને કારણે ગુજરાતના બલોચ મકરાણી ભારે રોષ

ધુરંધર

ધુરંધર
તાજેતરમાં 5મી ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી આદિત્ય ધર નિર્દેશિત હિન્દી ફિલ્મ 'ધુરંધર' એક મોટા વિવાદમાં સપડાઈ છે. આ વિવાદનું કેન્દ્ર અભિનેતા સંજય દત્ત દ્વારા ફિલ્મમાં બોલાયેલો એક સંવાદ છે, જેના પર જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં વસતા બલોચ મકરાણી સમાજે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે. આજે, 11મી ડિસેમ્બર 2025ના રોજ, જૂનાગઢ ખાતે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો એકઠા થયા હતા અને મામલતદાર મારફતે PM મોદીને સત્તાવાર આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં ફિલ્મના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની અને વાંધાજનક ડાયલોગને ફિલ્મમાંથી તાત્કાલિક દૂર કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
બલોચ કોમ્યુનિટીએ આપ્યું આવેદનપત્ર
વિવાદનું મુખ્ય કારણ સંજય દત્ત દ્વારા બોલાયેલો ડાયલોગ છે. ફિલ્મમાં પાકિસ્તાની પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવતા સંજય દત્ત બોલે છે કે, "મગરમચ્છ પે ભરોસા કર શકતે હે બલોચ પર નહિ." બલોચ મકરાણી સમાજનો આક્ષેપ છે કે, આ સંવાદથી તેમની સમગ્ર કોમ્યુનિટીની માનહાનિ થઈ છે અને સમાજને દગાખોર કે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોય તે રીતે ચિત્રિત કરવામાં આવ્યો છે. આ બલોચ કોમ્યુનિટીએ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ઇતિહાસમાં તેઓ હંમેશા બહાદુર, પ્રામાણિક અને વફાદાર રહ્યા છે.
ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે પ્રથમ લડાઈ
તેમણે મૈસુરના રાજા ટીપુ સુલ્તાનનું ઉદાહરણ આપ્યું કે, જેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે પ્રથમ લડાઈ લડનાર હતા. સમાજ વધુમાં જણાવે છે કે, સમગ્ર ગુજરાતમાં વસતો બલોચ મકરાણી સમાજ આજે પણ પાકિસ્તાન સરકાર સામે સ્વતંત્રતા માટે લડતા બલુચિસ્તાનના બલોચોને પરોક્ષ સમર્થન આપી રહ્યો છે અને હંમેશા ભારત સરકાર પ્રત્યે વફાદાર રહ્યો છે. તેમ છતાં, ફિલ્મે માત્ર પૈસા કમાવવાના હેતુથી ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ બનાવીને અપમાનિત કરી છે, જે તદ્દન અયોગ્ય છે. આ આવેદનપત્રની નકલો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પણ મોકલવામાં આવી છે.
મકરાણી સમાજ દ્વારા પોલીસ કાર્યવાહીની માંગ
પ્રશાસનિક કાર્યવાહીની માંગણી સાથે જૂનાગઢ બલોચ મકરાણી સમાજ દ્વારા ગઈકાલે પોલીસ કાર્યવાહીની માંગ કરતી અરજી પણ આપવામાં આવી હતી. જૂનાગઢના એડવોકેટ અને બલોચ સમાજના પ્રમુખ એજાઝ મોહમ્મદ હનીફ મકરાણીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ 'ધુરંધર'ના અભિનેતા સંજય દત્ત, ડાયલોગ રાઈટર અને ફિલ્મના ડાયરેક્ટર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માટે અરજી દાખલ કરી હતી. પ્રમુખ એજાઝ મકરાણીએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મના આ અભદ્ર ડાયલોગથી બલોચ મકરાણી સમાજની લાગણી દુભાઈ છે અને આવા ડાયલોગના કારણે અન્ય સમાજો તેમની જ્ઞાતિને શંકાની નજરે જોતા થયા છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો આવા અભદ્ર વર્તન કરનારાઓને રોકવામાં નહિ આવે, તો સમાજ-સમાજ વચ્ચે તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું થવાની શક્યતા છે. નોંધનીય છે કે, એક અંદાજ મુજબ જૂનાગઢ જિલ્લામાં 25,000થી વધુ બલોચ મકરાણીની વસ્તી છે, અને સમગ્ર ગુજરાતમાં આ સમાજની વસ્તી 8 લાખથી વધુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?