અમદાવાદની 133 શાળાઓને DEOની અંતિમ નોટિસ
₹2.91 કરોડની વસૂલાત માટે મિલકત જપ્તીની ચીમકી; મણિનગરની શાળા પાસે સૌથી વધુ ₹62 લાખ બાકી

ખાતાકીય ઓડિટમાં રિકવરી હતી પેન્ડિંગ

ખાતાકીય ઓડિટમાં રિકવરી હતી પેન્ડિંગ
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા શહેરની ગ્રાન્ટેડ શાળાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ખાતાકીય ઓડિટ દરમિયાન બહાર આવેલી ગેરરીતિઓ અને પેન્ડિંગ રિકવરી મુદ્દે શિક્ષણ વિભાગે હવે મિલકત જપ્તી સુધીના કડક પગલાં લેવાની તૈયારી બતાવી છે. શહેરની કુલ 133 ગ્રાન્ટેડ શાળાઓ પાસે સરકારના ₹2.91 કરોડ જેટલી માતબર રકમ વસૂલવાની બાકી નીકળે છે, જે સંદર્ભે DEO દ્વારા તમામ શાળાઓને અંતિમ નોટિસ ફટકારીને ત્વરિત ખુલાસો માંગવામાં આવ્યો છે.
રિકવરીનું ગણિત: કઈ શાળા પાસે કેટલા બાકી?ખાતાકીય ઓડિટમાં એવું જાણવા મળ્યું છે કે અનેક શાળાઓએ વર્ષોથી સરકારી અનુદાન મેળવ્યા બાદ નિયમ મુજબ પરત કરવાની થતી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી નથી. કુલ 133 શાળાઓની યાદીમાં કેટલીક પ્રતિષ્ઠિત શાળાઓના નામ પણ મોખરે છે:
જય સોમનાથ શાળા (મણિનગર): સૌથી વધુ ₹62.55 લાખની રિકવરી બાકી છે.
શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ (આશ્રમ રોડ): ₹29.79 લાખની રકમ ચૂકવવાની બાકી છે.
અન્ય 5 જેટલી શાળાઓ એવી છે જેમના ખાતામાં ₹12 લાખથી વધુની રકમ બોલે છે. મોટાભાગની શાળાઓમાં ₹1 લાખથી લઈને ₹25 લાખ સુધીની રકમ બાકી નીકળે છે, જે સરકાર માટે આવકનો મોટો સ્ત્રોત અટવાયેલો હોવાનું દર્શાવે છે.
જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ આ મામલે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, "ઘણા વર્ષોથી આ રિકવરી પેન્ડિંગ છે. જો શાળાઓ પાસે ચલણ હોય તો તે રજૂ કરે અથવા જો રકમ વેવ (માફ) કરાવી હોય તો તેના પુરાવા આપે. નહિતર, આ બાકી રકમને સરકારી બોજો ગણીને શાળાની મિલકત પર બોજો દાખલ કરવા માટે કલેક્ટરને પત્ર લખવાની અમને ફરજ પડશે."
આનો અર્થ એ થયો કે જો શાળાઓ નાણાં જમા નહીં કરાવે, તો તેમની મિલકત સીલ થઈ શકે છે અથવા સરકારી ચોપડે મિલકત પર સરકારનો અધિકાર પ્રસ્થાપિત થઈ શકે છે.
ગ્રાન્ટ અને રિકવરીનો વિવાદ શું છે?સામાન્ય રીતે ગ્રાન્ટેડ શાળાઓને બે પ્રકારની ગ્રાન્ટ મળતી હોય છે: પગાર ગ્રાન્ટ અને નિભાવ ગ્રાન્ટ.
ફી વિકલ્પ સ્વીકારનારી શાળાઓ: જે શાળાઓએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાનો વિકલ્પ સ્વીકાર્યો છે, તેમને સરકાર માત્ર શિક્ષકોના પગારની જ ગ્રાન્ટ આપે છે, નિભાવ ગ્રાન્ટ આપતી નથી. આવી શાળાઓમાં જો ઓડિટ દરમિયાન વધારાની રકમ અપાઈ ગઈ હોય તો તે પરત ખેંચવી અનિવાર્ય બને છે.
નિભાવ ગ્રાન્ટવાળી શાળાઓ: જે શાળાઓ નિભાવ ગ્રાન્ટ મેળવે છે, તેમની રકમ સરકાર આગામી ગ્રાન્ટમાંથી કાપીને એડજસ્ટ કરી લે છે. પરંતુ ફી લેતી શાળાઓ પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી સીધી વસૂલાત (Recovery) જ એકમાત્ર રસ્તો રહે છે.
DEO કચેરીએ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો નથી, પરંતુ શાળાના સંચાલકોને રૂબરૂ બોલાવીને તેમના જવાબ માંગવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. શાળાઓને પૂછવામાં આવ્યું છે કે અત્યાર સુધી રિકવરી ભરવા બાબતે શું તજવીજ કરવામાં આવી છે? જો સંચાલકો સંતોષકારક પુરાવા કે ચલણ રજૂ નહીં કરી શકે, તો યાદી તૈયાર કરીને કલેક્ટર કચેરીને સોંપી દેવામાં આવશે, જે બાદ મિલકત જપ્તીની કાર્યવાહી કાયદાકીય રીતે આગળ વધશે.
અમદાવાદ શિક્ષણ જગતમાં આ નોટિસને પગલે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષોથી દબાવી રાખેલી સરકારી રકમ હવે શાળાઓએ કોઈપણ સંજોગોમાં ચૂકવવી પડશે તેવું ચિત્ર સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

મોરબીમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોની કલેક્ટર કચેરી સુધી કૂચ, નવી વળતર નીતિનો ઉગ્ર વિરોધ

હેપ્પી બર્થડે કહેવા પર માસૂમ વિદ્યાર્થીને ઢોરમાર, વિદ્યાર્થીઓને સજા આપનાર શિક્ષક સસ્પેન્ડ