મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલઓની કામગીરીથી મુક્ત કરવા શિક્ષકોએ માંગ કરી છે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને પત્ર લખી બીએલઓની કામગીરી અન્ય 12 કેડરના કર્મચારીઓને સોંપવા રજૂઆત કરી છે. છેલ્લાં 22 વર્ષથી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં 95 ટકા શિક્ષકોને કામગીરી સોંપાતી હોવાની નારાજગી વ્યક્ત કરીને મહિલા શિક્ષકોને તેમાંથી મુક્તિ આપવા માગણી કરી છે.
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત કાર્યક્રમ ઝુંબેશ અંતર્ગત છેલ્લાં ૨૨ વર્ષથી BLO અને SO તરીકે પ્રાથમિક શિક્ષકોની નિમણૂંક કરાતી હોવાનો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે દાવો કર્યો છે. જ્યારે અન્ય કેડરના કર્મચારીઓની માત્ર 5 ટકા નિમણૂક કરાતી હોય છે. જિલ્લાના દરેક બૂથમાં BLO અને SO તરીકે 95 ટકા પ્રાથમિક શિક્ષકોને કામગીરી સોંપવામાં આવે છે. ચૂંટણી આયોગના પત્રની સૂચનાને ધ્યાને લઈ દરેક જિલ્લાઓમાં શિક્ષકો જ્યાં રહે છે ત્યાંની મતદારયાદીના ભાગમાં શિક્ષકનું નામ ચાલે છે તે ભાગમાં BLO ની નિમણૂક આપી રહ્યા છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને પત્ર લખી વિરોધ કર્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, BLO તરીકે 70 ટકા મહિલા શિક્ષિકાઓને કામગીરી સોંપવામાં આવે છે. જે ગામમાં ફરજ બજાવે છે ત્યાં BLO ની કામગીરીની સરળતા રહે છે. ગામના લોકો જોડે ઓળખાણ અને ઘરોબો હોવાથી સહકાર મળી રહે છે. જેના કારણે મતદારયાદીની કામગીરી ઝડપી અને સમય મર્યાદામાં થઈ શકે છે.
તેમના નિવાસસ્થાને નિમણૂક કરવામાં આવે ત્યારે ફરજના સમય બાદ કામગીરી કરવાની થતી હોવાથી ઘણી તકલીફો પડે છે. કુટુંબના મતભેદ અને સ્થાનિક રાજકારણના કારણે નિવાસ નજીકના મતદારો સાથે બિનજરૂરી ઘર્ષણનો પ્રશ્ન ઉભો થાય છે.
બિન જરૂરી મહિલા શિક્ષિકાઓ અને શિક્ષકોના પરિવાર સુધી સંઘર્ષ થતાં મતદાર યાદી કામગીરીમાં અડચણ આવે છે. આ પ્રક્રિયામાં અન્ય કેડરના કર્મચારીની બદલી પાત્રતા અને અન્ય જગ્યાએ મતદાર યાદીના ભાગમાં નામ હોવાના કારણે કે નામ ન હોવાના કારણે કામગીરીમાંથી છૂટી જશે. માત્ર શિક્ષકો BLO તરીકે નિમણૂક પામશે. જે અન્યાયકર્તા છે.
જે શિક્ષક પોતાના ફરજના સ્થાને BLO તરીકે સ્વેચ્છાએ કામગીરી કરવા માંગે છે તેમણે નિમણૂંક આપી શિક્ષક સિવાયના અન્ય કર્મચારીઓને મતદાર યાદીના ભાગના મતદાર ન હોય તો પણ BLO તરીકે નિમણૂંક આપી પ્રાથમિક શિક્ષકોને કામગીરીમાંથી મુક્ત કરી અન્ય 12 કેડરના કર્મચારીઓને BLO તરીકે નિમણૂક આપવાની માગ કરી છે.

BLO અને SO ની કામગીરીમાં રોટેશન પધ્ધતિનો અમલ કરવા, વર્ષોથી કામ કરતા BLO ને મુક્તિ આપવા, મહિલા કર્મચારીને BLO માંથી મુક્તિ આપવા અને SO ની કામગીરીમાં માત્ર વર્ગ-2 ના કર્મચારીને સોપવા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે વિનંતી કરી છે. BLOની કામગીરી પ્રાથમિક શિક્ષકોને કાયમી ધોરણે કામગીરી સોંપી શકાય નહી છતાં વર્ષોથી એકના એક શિક્ષકોને વારંવાર કામગીરી સોંપવામાં આવે છે. જેની અસર શિક્ષણની ગુણવત્તા ઉપર પડતી હોવાનો પણ પત્રમાં દાવો કરાયો છે.
શિક્ષકો ઉપરાંત અન્ય કેડરના કર્મચારીઓને BLO તરીકે લેવાની સૂચના હોવા છતાં વર્ષોથી માત્ર પ્રાથમિક શિક્ષકોની નિમણૂક કરાતી હોય છે. BLOની કામગીરી રોટેશન પધ્ધતિથી દર ત્રણ વર્ષે બદલવાની સૂચના હોવા છતાં એકના એક શિક્ષકોને વારંવાર કામગીરી સોંપવામાં આવે છે.
કામગીરી નહી સોંપવાની શિક્ષકોની અરજી માન્ય રાખવામાં આવતી નથી અને શિક્ષક પાસેથી અન્ય BLO ના નામની માગણી મામલતદારની ઓફીસમાંથી કરાતી હોય છે. જ્યારે મહિલા કર્મચારીની BLO તરીકે નિમણૂક અનિવાર્ય સંજોગોમા કરવાની હોવા છતાં પ્રાથમિક શિક્ષિકાઓની નિમણૂક થતી હોય છે.
SOની કામગીરીમાં માત્ર વર્ગ-2 ના કર્મચારીની નિમણૂક કરવાની હોય છે. જેના બદલે પ્રાથમિક શિક્ષકો, આચાર્યોની નિમણૂક કરવામાં આવે છે. જેમાંથી શિક્ષકો અને આચાર્યોને મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે BLO અને SOની કામગીરી બાબતે વિરોધ દર્શાવી શિક્ષકોને તેમાંથી મુક્તિ આપવાની માગ કરી છે.