નકલી કચેરી મામલે પૂર્વ તલાટી મંત્રી સામે ફરિયાદ
6,260 ચો.મી. જમીન પર 44 પ્લોટના ખોટા દસ્તાવેજ બનાવી 31 લોકોને ₹70 લાખમાં વેચી માર્યા

ગોંડલ તાલુકા પોલીસે તલાટીની ધરપકડ કરી તપાસ હાથ ધરી, કલેક્ટરના આદેશ બાદ તંત્ર દોડ્યું

ગોંડલ તાલુકા પોલીસે તલાટીની ધરપકડ કરી તપાસ હાથ ધરી, કલેક્ટરના આદેશ બાદ તંત્ર દોડ્યું
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગ્રામ પંચાયતના પૂર્વ તલાટી કમ મંત્રીએ ખોટા સિક્કા બનાવી, ખોટી સહીઓ કરી તેના આધારે ખોટા દસ્તાવેજ બનાવીને સરકારી જમીનના વેચાણનું બારોબારીયું કર્યાનો પર્દાફાશ થયો છે. ધર્મેશ હાપલિયા નામના તલાટીએ ગામની 6200 ચોરસ મીટર જમીન પર 44 પ્લોટના ખોટા દસ્તાવેજ બનાવી રૂપિયા 70 લાખમાં 31 લોકોને વેચાણ કરી દીધું હતું. ત્રાકુડાના હાલના તલાટીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તલાટી મંત્રી ભાવેશ ઉદેશીએ ધર્મેશ હાપલિયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના અગાઉ ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલીયા તા.16/01/2021 થી તા.31/07/2024 સુધી ત્રાકુડા ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેમની ફરજના સમયગાળા દરમિયાન અંગત આર્થિક ફાયદા માટે હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. તેમણે બનાવટી હુકમો, સનદો જેવા સરકારી દસ્તાવેજોમાં ગોંડલ તાલુકા વિકાસ અધિકારી અને ગોંડલ તાલુકા પંચાયતના સર્કલ ઇન્સ્પેક્ટરની સહીઓ જાતે કરી હતી. કિંમતી સરકારી દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો બનાવી સરકારી મિલકતને અપ્રમાણિકતાથી અને ગેરવ્યાજબી રીતે 31 લોકોને વેચી દીધી હતી.
ત્રાકુડા ગામમાં 6,260 ચોરસ મીટર જમીન પર 44 પ્લોટ બનાવી પ્રતિ ચોરસ મીટરે રૂપિયા 1100 ના ભાવે અંદાજે રૂપિયા 70 લાખનું વેચાણ કરી ધર્મેશ હાપલીયાએ રકમ અંગત આર્થિક ફાયદા માટે મેળવી હોવાનો આરોપ છે. ગોંડલ તાલુકા વિકાસ અધિકારીની લેખિત સૂચના બાદ ગામના નવા ગામતળની જમીનના પ્લોટોના વેચાણ બાબતે થયેલ ગેરરીતિ અનુસંધાને ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા. 15/07/2025ના રોજ ગ્રામ પંચાયત ખાતે ગામ નમૂના નંબર 2નું રેકોર્ડ તપાસતા, ક્રમ નંબર 713 થી ક્રમ નંબર 744 સુધીની નોંધમાં મંજૂરીના લખાયેલા હુકમના કોલમમાં મંજૂરી આપનાર અધિકારીનો હોદ્દો તથા હુકમ નંબર લખેલા હતા. પરંતુ તેમાં તારીખ લખેલી ન હતી. રેકોર્ડ ફાઈલમાં ગામ નમૂના નંબર 2 માં નોંધ થયેલી મિલકતોનો લે-આઉટ પ્લાન ફાઈલમાં ન હોવાથી શંકા ઉપજી હતી.
આ બાબતે રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને તપાસ કરવા આદેશ કરાયો છે. તા. 19/07/2025ના રોજ ગ્રામ પંચાયત ત્રાકુડાના રેકોર્ડ સાથે બોલાવીને રેકોર્ડ ચકાસણી કરતા સામે આવ્યું કે, ત્રાકુડા ગામે સર્વે નંબર 91 પૈકીની જમીનમાં 2008માં પ્રાંત અધિકારી ગોંડલ દ્વારા 100 ચોરસ વાર મફત રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવવા કુલ 5 ગુંઠાનું નવું ગામતળ નીમ થયું હતું. તાલુકા પંચાયત કચેરી દ્વારા નીમ થયેલા નવા ગામતળની જમીનમાં 100 ચો.વાર મફત રહેણાંક હેતુના પ્લોટ માટેનો લે-આઉટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો નહોતો. તેમ છતાં, પૂર્વ તલાટી કમ મંત્રી ધર્મેશ હાપલીયાએ ફરજ દરમિયાન સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી લીધા વિના મનસ્વી રીતે ગામતળમાં જાહેર હરાજી પ્રક્રિયા કર્યા વગર અનઅધિકૃત રીતે બનાવટી હુકમ તથા સનદ બનાવી આપી છે.
ગેરકાયદે વેચાણ કરેલા પ્લોટના હુકમ અને સનદમાં ગોંડલ તાલુકા વિકાસ અધિકારી તેમજ સર્કલ ઇન્સ્પેક્ટરની ખોટી સહીઓ પોતાની જાતે કરી તેમજ અધિકારીના સ્ટેમ્પ અને કચેરીના રાઉન્ડ સીલ અનઅધિકૃત રીતે લગાવી આપ્યા હતા. ત્રાકુડા ગામની ગામતળ જમીનની જંત્રીના દર અને જમીનની સ્થળ સ્થિતિને ધ્યાને લેતા પ્રતિ ચો.મી.નો અંદાજિત ભાવ રૂપિયા 1100 પ્રમાણે 44 પ્લોટનું ક્ષેત્રફળ 6,260 ચો.મી. જેની આશરે બજાર કિંમત રૂ. 70 લાખ અંગત આર્થિક લાભ માટે મેળવી હોવાનું જાણવા મળ્યું છે.
શું હતો સમગ્ર મામલો ?
ત્રાકુડા ગામમાં તાલુકા પંચાયતના અધિકારીઓની ખોટી સહી કરી, સરકારી જમીનની હરાજી કરી નકલી સનદ અને હુકમો બનાવી દીધા હતા. કોઇને શંકા ન જાય તે માટે પ્લોટ ફાળવણી વખતે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયાની લાંચ પણ લીધી હતી. ગામમાં નીમ થયેલા નવા ગામતળના સરવે નંબર 91ની પાંચ એકર જગ્યામાં પ્લોટની હરાજી કરી ગ્રામજનોને ફાળવવાની મંજૂરી મળી છે તેવી વાત વહેતી કરી હતી. ત્યારબાદ પ્લોટની હરાજીના કાગળો તૈયાર કરી 850 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અપસેટ કિંમત રાખી પ્લોટની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ ચોરસ મીટરે 890 થી 900 રૂપિયા સુધીની ઊંચી બોલી લગાવનારને 25 પ્લોટ વેચાણ આપ્યા હતા. આરોપી તલાટી કમ મંત્રીએ સનદ અને તાલુકા પંચાયતના હુકમો સામેલ કરી પરિશિષ્ટ એચ સહિતના નકલી સોગંદનામા પણ તૈયાર કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!