છોટા ઉદેપુરમાં નકલી વેરા પાવતીનું કૌભાંડ
બોગસ દસ્તાવેજોના આધારે મેળવ્યા વીજ કનેક્શન

છોટા ઉદેપુર નકલી વેરા પાવતી કૌભાંડ

છોટા ઉદેપુર નકલી વેરા પાવતી કૌભાંડ
Chhota Udepur Fake Receipt Scam: ગુજરાતમાં નકલી કચેરી, નકલી પોલીસ અને નકલી ટોલનાકા જેવા કૌભાંડોની હારમાળા વચ્ચે હવે નકલી વેરા પાવતીનું વધુ એક સનસનાટીભર્યું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. છોટા ઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં મકાન માલિકોએ પાલિકાના નામની બોગસ વેરા પાવતીઓ રજૂ કરી વીજ કનેક્શન મેળવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
જાગૃત નાગરિકની રજૂઆતથી પર્દાફાશ
સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે છોટા ઉદેપુરના એક જાગૃત નાગરિકે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) અને નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, વોર્ડ નંબર 3ના કેટલાક મકાન માલિકોએ નવા વીજ કનેક્શન મેળવવા માટે નગરપાલિકાની કૂટ વેરા પાવતીઓનો ઉપયોગ કર્યો છે. આ ગંભીર ફરિયાદ બાદ તુરંત જ MGVCLના ડેપ્યુટી ઈજનેરે નગરપાલિકાને પત્ર લખીને આ બાબતની તપાસ કરવા માટે સત્તાવાર જાણ કરી હતી.
પાલિકાની તપાસમાં સત્ય બહાર આવ્યું
નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડના જણાવ્યાનુસાર, વીજ કંપનીના પત્ર બાદ હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં અંદાજે 4 થી 5 જેટલી વેરા પાવતીઓ સંપૂર્ણપણે બોગસ હોવાનું સાબિત થયું છે. આ પાવતીઓ નગરપાલિકાના જ નામે કૂટ દસ્તાવેજ તરીકે તૈયાર કરવામાં આવી હતી. હાલમાં પાલિકા તંત્ર એ તપાસ કરી રહ્યું છે કે આવી કેટલી બોગસ પાવતીઓ બનાવવામાં આવી છે અને આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું છે.
તપાસ કે વિલંબ? સ્થાનિકોમાં રોષ
જ્યારે પ્રાથમિક તપાસમાં પાવતીઓ નકલી હોવાનું સ્પષ્ટ થઈ ચૂક્યું છે, ત્યારે પાલિકા દ્વારા હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં ન આવતા અનેક સવાલો ઊઠી રહ્યા છે. સરકારી નાણાંની ચોરી અને દસ્તાવેજોમાં છેડછાડ કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાને બદલે પાલિકા માત્ર 'તપાસ' કરી રહી હોવાથી જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કાયદાકીય કાર્યવાહીની તૈયારી
આ મામલે ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે, હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પૂરતા પુરાવાઓ એકઠા થયા બાદ અને તપાસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ બોગસ વેરા પાવતી બનાવનારાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. સરકારી તંત્રને છેતરીને ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન મેળવનાર મકાન માલિકો સામે પણ કાયદેસરના પગલાં લેવાની માંગ પ્રબળ બની છે. હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા આ મામલે ક્યારે અને કેવી કડક કાર્યવાહી કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?