નળ સરોવરમાં બોટિંગ ઠપ્પ: સ્થાનિકોની રોજી છીનવાઈ
સરકાર કડક નિયમો લાદીને સ્થાનિકોને બેકાર કરી રહી છે; પ્રવાસીઓ નિરાશ

સુરક્ષાના નામે રોજી-રોટી છીનવાઈ

સુરક્ષાના નામે રોજી-રોટી છીનવાઈ
ગુજરાતના ગૌરવ અને આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ નળ સરોવર પક્ષી અભયારણ્યમાં દિવાળી વેકેશનની મધ્યમાં જ બોટિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતાં હજારો પ્રવાસીઓમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ છે. પક્ષીઓને નજીકથી જોવાની આશાએ આવેલા પ્રવાસીઓ માત્ર કિનારેથી સરોવરની ઝલક જોઈને 'વીલા મોઢે' પાછા ફરવા મજબૂર બન્યા છે, જેના કારણે પ્રવાસન પ્રવૃત્તિઓ પર નિર્ભર ૫૦૦થી વધુ સ્થાનિક પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.
સ્થાનિક રોજગાર વિરુદ્ધ સરકારી નીતિ:
એક તરફ સરકાર સ્થાનિક રોજગારને પ્રાધાન્ય આપવાની વાતો કરે છે, તો બીજી તરફ વડોદરાની હરણી તળાવ દુર્ઘટના બાદ લાગુ કરાયેલા કડક નિયમોને કારણે નળ સરોવરના સ્થાનિક નાવિકો બેકાર બન્યા છે. વન વિભાગ નવા નિયમો (લાઇફ જેકેટ, મર્યાદિત ક્ષમતા, પ્લાસ્ટિક પ્રતિબંધ)ના પાલન માટે નાવિકોને અંદાજે રૂ. ૮૦,૦૦૦ થી ૯૦,૦૦૦ની કિંમતવાળી નવી બોટો ખરીદવા ફરજ પાડી રહ્યું છે.
સ્થાનિક નાવિક માલિકો આટલી મોંઘી બોટ ખરીદવા તૈયાર નથી અને જૂની બોટો ચાલુ રાખવા માંગે છે, જ્યારે વન વિભાગ સુરક્ષાના કારણોસર જૂની બોટોને મંજૂરી આપવા તૈયાર નથી. સરકાર દ્વારા લોન સહાયની ખાતરી અપાઈ હોવા છતાં, આ નિર્ણયથી ૧૫ જેટલા ગામોના ૫૦૦થી વધુ પરિવારોની આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો છે.
પરિવારોનું ગુજરાન મુશ્કેલ:
નળ સરોવરની આસપાસના વેકરીયા, મેની, ધરજી, રાણાગઢ સહિતના ગામોના લોકો નાવિક તરીકે, નાસ્તાના સ્ટોલ લગાવીને અને ઘોડેસવારી જેવી પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાન ચલાવતા હતા. આ વિસ્તારની જમીન ક્ષારયુક્ત અને ખેતી માટે અયોગ્ય હોવાથી, આ પરિવારોની આવકનો મુખ્ય આધાર શિયાળાની ૩-૪ મહિનાની પ્રવાસન સીઝન પર જ રહેલો છે. બોટિંગ બંધ થતાં તેમની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.
પ્રવાસીઓ અને સરકારને નુકસાન:
બોટિંગ સેવાઓ બંધ થવાથી પર્યટકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓના આગમન સમયે ગુજરાત, અન્ય રાજ્યો અને વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે, પરંતુ નૌકા વિહાર વિના પક્ષી નિરીક્ષણ શક્ય ન હોવાથી પ્રવાસીઓ નિરાશ થઈ રહ્યા છે. આનાથી વન વિભાગ અને રાજ્ય સરકારને પણ પ્રવેશ ફી અને બોટિંગ ફી દ્વારા થતી આવકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે.
પ્રવાસીઓ, પક્ષી નિરીક્ષકો અને સ્થાનિકોની માંગ છે કે સરકારે સુરક્ષાના પગલાંની સાથે સાથે બોટિંગ સેવાઓ જલદીમાં જલદી પુનઃસ્થાપિત કરવી જોઈએ, જેથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા આ સ્થળનો સંપૂર્ણ અનુભવ લઈ શકાય અને સ્થાનિકોનો રોજગાર પાછો મળી શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!